Share Market Rally:ભારતીય શેરબજારમાં ચોતરફથી નીચે લેવલથી નિકળેલી ખરીદી વચ્ચે આજે શાનદાર તેજી જોવા મળી હતી. બેંચમાર્ક સેન્સેક્સ 1,109.10 પોઇન્ટ એટલે કે 1.54 ટકા વધી 73,033.78 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 358.60 પોઇન્ટ એટલે કે 1.60 ટકા ઉછળી 22,721.95 રહી હતી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે LTCG અને STTને આપેલા એક નિવેદન બાદ શેરબજારમાં તેજીની રોનક પરત ફરી હતી. નાણાં પ્રધાને કહ્યું હતું કે સરકાર લોંગ-ટર્મ કેપિટલ ગેઈન્સ(LTCG) ટેક્સને હટાવવા માટે હિતધારકો એટલે કે સ્ટેકહોલ્ડર્સ પાસેથી અભિપ્રાય મંગાવી રહી છે.
આ પણ વાંચો
તેની પાછળનું કારણ એ છે કે ભારત તથા વિદેશોમાં રોકાણકાર ઈક્વિટી ટેક્સેશનને લઈ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)ને લઈ એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિવિધ એસેટ ક્લાસ સાથે એક જ જેવું વલણ હોવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે 12 મહિનાથી વધારે સમય સુધી રાખવામાં આવતા લિસ્ટેડ ઈક્વિટી શેરો અને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડથી થતી લોંગ-ટર્મ ગેઈન પર 12.5 ટકા ટેક્સ લાગે છે. વાર્ષિક રૂપિયા 1.25 લાખ સુધી નફા પર ટેક્સ લાગતો નથી.
ભારતીય બજારમાં સેક્ટર ઈન્ડેક્સમાં Nifty IT બાદ નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધારે તેજી જોવા મળતી હતી. રિયલ એસ્ટેટ ઈન્ડેક્સમાં 1 ટકાથી વધારે તેજી જોવા મળતી હતી. ભારતીય શેરબજારે સોમવારે ભારે ઘટાડો નોંધાવ્યા બાદ નિફ્ટી FMCGમાં પણ આશરે 1 ટકા સુધી વધારો થયો છે. હિન્દુસ્તાન યુનિલિવર અને ITCમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ પેકની 30 પૈકી 27 કંપનીના શેરોમાં તેજી જોવા મળી હતી.
