Jio Platforms IPO Subscription Status Update: ભારતીય શેરબજારના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાઈ ગયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ આર્મ 'જિઓ પ્લેટફોર્મ્સ' (Jio Platforms) નો અત્યાર સુધીનો સૌથી મોટો ₹30,213 કરોડનો આઈપીઓ (IPO) બજારમાં ખુલતાની સાથે જ ઇતિહાસ રચી દીધો છે. આઈપીઓ ખુલ્યાના માત્ર 100 મિનિટની અંદર જ તે સંપૂર્ણપણે (100% Subscribe) ભરાઈ ગયો હતો. આ સાથે જ જિઓએ હ્યુંડાઇ મોટર ઇન્ડિયા, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ જેવા દિગ્ગજ કંપનીઓના આઈપીઓ પાછળ છોડીને સૌથી ઝડપી સબસ્ક્રિપ્શન મેળવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
મોટા કદ છતાં રેકોર્ડબ્રેક અને સૌથી ઝડપી સબસ્ક્રિપ્શન
જિઓ પ્લેટફોર્મ્સનો આઈપીઓ કદની દ્રષ્ટિએ અત્યાર સુધીના દેશના સૌથી મોટા આઈપીઓમાંથી એક છે, છતાં તેને સબસ્ક્રાઇબ થવામાં ખૂબ જ ઓછો સમય લાગ્યો છે. અગાઉના રેકોર્ડ્સ પર નજર કરીએ તો:
- બજાજ હાઉસિંગ ફાઇનાન્સ: આઈપીઓ ખુલ્યાના દિવસે બપોરે આશરે 2 વાગ્યા સુધીમાં ફુલ સબસ્ક્રાઇબ થયો હતો.
- એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા: આ ઇશ્યૂ પહેલા દિવસનો વેપાર પૂરો થતાં સંપૂર્ણ ભરાયો હતો.
- હ્યુંડાઇ મોટર ઇન્ડિયા: ₹27,870 કરોડના આ આઈપીઓર્ને પહેલા દિવસે માત્ર 18% જ સબસ્ક્રિપ્શન મળ્યું હતું.
આ તમામ દિગ્ગજ કંપનીઓની સરખામણીમાં જિઓનો ₹30,213 કરોડનો જંગી આઈપીઓ બે કલાક કરતાં પણ ઓછા સમયમાં ઓવરસબસ્ક્રાઇબ થવાની નજીક પહોંચી ગયો હતો, જે રોકાણકારોનો જિઓ પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.
ફ્રેશ ઇશ્યૂ અને એન્કર રોકાણકારોનો શાનદાર પ્રતિસાદ
અન્ય કંપનીઓના આઈપીઓ અને જિઓના આઈપીઓમાં એક મોટો તફાવત છે. હ્યુંડાઇ અને એલજી ઇલેક્ટ્રોનિક્સના આઈપીઓ સંપૂર્ણપણે 'ઓફર ફોર સેલ' (OFS) હતા, એટલે કે તેમાં જૂના શેરધારકોએ પોતાના શેર વેચીને નાણાં મેળવ્યા હતા. જ્યારે જિઓ પ્લેટફોર્મ્સનો આઈપીઓ સંપૂર્ણપણે 'ફ્રેશ ઇશ્યૂ' છે. આનો અર્થ એ છે કે કંપની નવા શેર બહાર પાડી રહી છે અને આમાંથી આવનારી તમામ રકમ સીધી કંપનીના વિકાસ અને દેવું ચૂકવવા માટે વપરાશે.
આઈપીઓ ખુલતા પહેલા જ એન્કર ઇન્વેસ્ટર્સ તરફથી જિઓને ધમાકેદાર પ્રતિસાદ મળ્યો હતો. કંપનીએ એન્કર બુક દ્વારા જ આશરે ₹8,110 કરોડ એકત્ર કરી લીધા હતા. આ માટે ઉપલબ્ધ શેર સામે 30 ગણાથી વધુ એટલે કે ₹2.5 લાખ કરોડથી વધુની બોલી મળી હતી, જેમાં વિદેશી રોકાણ સંસ્થાઓ અને ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ પણ સામેલ હતા. સવારે 10:39 વાગ્યા સુધીમાં મોટા સંસ્થાકીય ખરીદદારો (QIB) ની કેટેગરી 3.25 ગણી સબસ્ક્રાઇબ થઈ ચૂકી હતી.
પ્રાઇસ બેન્ડ અને રોકાણકારો માટે જરૂરી માહિતી
- પ્રાઇસ બેન્ડ: આઈપીઓ માટે ₹1,065 થી ₹1,119 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
- મિનિમમ રોકાણ: રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 12 શેરોની એક લોટ માટે અરજી કરવાની રહેશે, જેના અપર પ્રાઇસ બેન્ડ મુજબ ન્યૂનતમ રોકાણ ₹13,428 થાય છે.
- સમયગાળો: આઈપીઓ 21 ઓક્ટોબરે ખુલ્લો મુકાયો છે અને 23 ઓક્ટોબરે બંધ થશે. જ્યારે શેરનું અંદાજિત લિસ્ટિંગ 28 ઓક્ટોબરે થશે.
- ફંડનો ઉપયોગ: કંપની આ ઇશ્યૂથી મળનારી રકમમાંથી ₹27,500 કરોડ સુધીની રકમ 'રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ'નું દેવું ચૂકવવા માટે વાપરશે.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન જિઓ પ્લેટફોર્મ્સનું રેવેન્યુ ₹1,46,885 કરોડ અને કરવેરા પછીનો ચોખ્ખો નફો ₹30,049 કરોડ નોંધાયો હતો. આ શાનદાર શરૂઆત બાદ હવે રોકાણકારોની નજર શેરની ધમાકેદાર લિસ્ટિંગ પર છે.
