Stock Market Trends:ભૂ-રાજકીય જોખમો અને ક્રૂડ ઓઇલના ઉછાળાની ચિંતા વચ્ચે ભારતીય શેરબજાર સામે છે અનેક પડકારો

છેલ્લાં 18થી 20 મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી મોટા પ્રમાણમાં નાણાં પાછાં ખેંચ્યાં હોવાથી મોટી કંપનીઓના શેરોએ વ્યાપક બજારની સરખામણીએ નબળું પ્રદર્શન કર્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 15 Oct 2026 08:36 PM (IST)Updated: Thu, 15 Oct 2026 08:36 PM (IST)
indian-stock-market-navigating-global-uncertainties-crude-oil-volatility-and-earnings-growth

Indian Stock Market:ભારતીય શેરબજાર હાલમાં ભૂ-રાજકીય જોખમોને કારણે ઊભી થયેલી વૈશ્વિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, ચલણના મૂલ્યમાં થતા ફેરફારો અને કંપનીઓની કમાણીમાં વૃદ્ધિ કઈ દિશામાં આગળ વધશે તે અંગેની ચિંતા સામનો કરી રહ્યું છે. આ પૈકી કેટલાક પરિબળોની અસર બજારના મૂલ્યાંકનમાં પહેલેથી જ જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ કેટલાંક જોખમો એવાં છે, જેની સંભવિત અસરને રોકાણકારોએ સંપૂર્ણપણે ધ્યાનમાં લીધી નહીં હોય. 

ભૂ-રાજકીય પરિસ્થિતિ અને ક્રૂડ ઓઇલના ભાવ

બરોડા BNP પારિબા મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મેનેજર જિતેન્દ્ર શ્રીરામના મતે જે જોખમોની સંભવિત અસરને બજારે હજુ સંપૂર્ણપણે ધ્યાનમાં લીધી ન હોઈ શકે તેમાં પશ્ચિમ એશિયાની બદલાતી પરિસ્થિતિ મુખ્ય છે. જો ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે તો તેની અસર માત્ર ઇંધણના વધેલા ખર્ચ પૂરતી મર્યાદિત નહીં રહે. 

ભારત પર અસર

ભારત માટે ક્રૂડ ઓઇલના વધેલા ભાવની અસર ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે દેશ ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. ઓઇલના ભાવમાં લાંબા સમય સુધી વધારો રહે તો મોંઘવારી, રૂપિયાના મૂલ્ય અને કંપનીઓના ઉત્પાદન માટે જરૂરી કાચા માલ તથા અન્ય ચીજવસ્તુઓના ખર્ચ પર દબાણ વધી શકે છે. તેની સાથે જ પરિવારોની ખરીદશક્તિ પર પણ અસર થઈ શકે છે. ભારત ઊર્જા સુરક્ષા મજબૂત કરવા તેમજ સ્થાનિક સ્ત્રોતો અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગમાં વધારો કરવા તરફ મક્કમ રીતે આગળ વધી રહ્યું છે.

કંપનીઓની કમાણી

સપ્ટેમ્બરમાં GSTના દરોમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે નાણાંકીય વર્ષ 2026ના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, વ્હાઇટ ગુડ્સ તેમજ ટુ-વ્હીલર અને ફોર-વ્હહીલર વાહનોના ક્ષેત્રોમાં આ વધારો જોવા મળ્યો હતો. પરિણામે, ચાલુ વર્ષના સમાન સમયગાળાની સરખામણી માટે ગયા વર્ષનો આધાર ઊંચો રહ્યો છે. આથી નાણાંકીય વર્ષ 2027ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વાર્ષિક ધોરણે વૃદ્ધિનો દર પ્રમાણમાં ઓછો દેખાય તેવી શક્યતા છે. 

સ્થાનિક રોકાણપ્રવાહથી બજારને ટેકો

ભારતીય શેરબજારને ટેકો આપતાં મહત્ત્વનાં પરિબળોમાંનું એક સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો તરફથી સતત મળતો મજબૂત રોકાણપ્રવાહ છે. પરંપરાગત રીતે વિદેશી રોકાણકારોની માલિકીનો નોંધપાત્ર હિસ્સો મોટી કંપનીઓના શેરોમાં રહ્યો છે. છેલ્લાં 18થી 20 મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી મોટા પ્રમાણમાં નાણાં પાછાં ખેંચ્યાં હોવાથી મોટી કંપનીઓના શેરોએ વ્યાપક બજારની સરખામણીએ નબળું પ્રદર્શન કર્યું છે. 

ચલણનું મૂલ્ય

વૈશ્વિક રોકાણકારો માટે ચલણનું મૂલ્ય પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. આંતરરાષ્ટ્રીય રોકાણકારો સામાન્ય રીતે વિવિધ બજારોમાં મળતા વળતરની સરખામણી એક જ ચલણના આધારે કરે છે. આ માટે મોટાભાગે અમેરિકી ડોલર અથવા યુરોનો ઉપયોગ થાય છે. તેથી રૂપિયાનું મૂલ્ય ઘટે ત્યારે રોકાણકારોને મળતા વળતર પર નકારાત્મક અસર પડે છે, જ્યારે રૂપિયાનું મૂલ્ય સ્થિર રહે અથવા વધે તો વળતરને ટેકો મળી શકે છે. ભારતીય રિઝર્વ બેન્કના FCNR (B) કાર્યક્રમને તાજેતરમાં મળેલી સફળતા રૂપિયાને લઈને પ્રવર્તતી કેટલીક નકારાત્મક ધારણાઓ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

અમેરિકી બોન્ડના વળતરદર અને ફેડરલ રિઝર્વ

બીજું એક પરિબળ, જેના પર નજીકથી નજર રાખવી જરૂરી છે, તે અમેરિકી બોન્ડના વળતરદરમાં થનારા ફેરફારો છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ નક્કી કરે છે તે નીતિગત વ્યાજદર અને બોન્ડના વળતરદરમાંથી બજાર જે વ્યાજદરની અપેક્ષા રાખે છે, તે બંને વચ્ચે મહત્વનો તફાવત છે. ખાસ કરીને જ્યારે મોંઘવારીના દરમાં થોડા સમય માટે અચાનક વધારો થાય છે, ત્યારે આ બંને વચ્ચેનો તફાવત અને તેને લઈને ચાલતી ચર્ચા ચાલુ રહેવાની શક્યતા છે. 

ટૂંકા ગાળાની અસ્થિરતાથી આગળનો વિચાર

વર્તમાન બજારની પરિસ્થિતિમાં ટૂંકા ગાળાની અનિશ્ચિતતા અને લાંબા ગાળાની માળખાકીય તકો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. બજારના આ તબક્કામાં રોકાણકારોએ શેરના ભાવમાં જોવા મળતી તેજી પાછળ દોડવા કરતાં એવી કંપનીઓ અને ક્ષેત્રોને ઓળખવા પર વધુ ધ્યાન આપવું જોઈએ, જેમની કમાણી અંગે સ્પષ્ટતા અને વિશ્વસનીયતા જળવાઈ રહી છે.