Gold Silver ETF Crash:ભારત અને વિશ્વ બજારોમાં સોના-ચાંદીની કિંમતોમાં જે ભારે મંદી આવી છે તેને લીધે ETF પર પણ તેની માઠી અસર જોવા મળી છે. આજે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETFમાં આશરે 3 ટકાનો કડાકો બોલાઈ ગયો છે.
સિલ્વર ETFમાં ભારે મંદી
વિશ્વ બજારમાં સોનાના ભાવમાં જે ભૂચાલ આવ્યો છે તેની સાથે સાથે ચાંદીમાં પણ ભારે ધોવાણ થયું છે. ભારતના શેરબજારોમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં ખાસ કરીને નિપ્પોન ઈન્ડિયા Silver ETF 3 ટકા, આઈસીઆઈસીઆઈ પ્રૃડેન્શિયલ સિલ્વર ઈટીએફ 3 ટકા, એસબીઆઈ સિલ્વર ઈટીએફ 3.15 ટકા ગગડી ગયા છે. આ ઉપરાંત ટાટા સિલ્વર ઈટીએફ પણ ત્રણ ટકા તૂટીને રૂપિયા 16ની અંદર આવી ગયું છે.
ગોલ્ડ ETFમાં સતત વેચવાલી
સિલ્વર ઈટીએફની માફક ગોલ્ડ ઈટીએફમાં પણ ભારે મંદીની અસર જોવા મળી રહી છે. નિપ્પોન ઈન્ડિયા ETF ગોલ્ડ BEES 1.8 ટકા, એસબીઆઈ ગોલ્ડ ETF 0.65 ટકા ગગડીને રૂપિયા 120 પર કામકાજ કરતાં હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ 3800 ડોલર નીચે ઉતરી ગયા
આ દરમિયાન ભારતીય બુલિયન માર્કેટ અને વૈશ્વિક બજારોમાં સોનાની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ 3775 ડોલરની સપાટી ગુમાવી દીધી છે, જ્યારે ચાંદીના ભાવ ઔંસદીઠ 46 ડોલર નજીક પહોંચી ગયા છે. આ સંજોગોમાં કિંમત પર જે દબાણ જોવા મળી રહ્યું છે તેને લીધે ભારતીય બજારોમાં પણ સતત કિંમત ભારે દબાણ હેઠળ આવી ગઈ છે.
કેમ કિંમતોમાં આટલો મોટો ઘટાડો થયો
સોના-ચાંદીની કિંમતોમાં જે ભારે વેચવાલી જોવા મળી છે તેની પાછળ સૌથી મોટું કારણ ક્રુડ ઓઈલના ભાવમાં તેજી છે. અમેરિકાની મધ્યસ્થ બેન્કે ચેતવણી આપી છે કે જો ક્રુડના ભાવમાં તેજી આવશે તો તે નજીકના સમયમાં જ વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. વ્યાજ દરોમાં વધારો થવો તે સોના-ચાંદી માટે પ્રતિકૂળ સ્થિતિ હોવાનું માનવામાં આવે છે.
