Salesforce Layoffs: ટેકનોલોજીના વિશ્વમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)એ ભારે હોબાળો મચાવી દીધો છે. ચોતરફ AIની જ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન દિગ્ગજ ટેક કંપનીમાં સામેલ સેલ્સફોર્સ (Saleforce)એ એક ઝાટકે 4000 કર્મચારીઓને નોકરી પરથી હટાવી દીધા છે.
આ છટણી કસ્ટમર સપોર્ટ એક્ઝિક્યુટિવની છે. હવે તેમનું કામ AI કરશે. અમેરિકાની ક્લાઉડ સોફ્ટવેરની દિગ્ગજ કંપનીના CEO માર્ક બેનિઓફે માહિતી આપી છે.
તેમણે કહ્યું કે સપોર્ટ ટીમમાં કર્મચારીઓની સંખ્યા 9,000થી ઘટાડીને 5,000 કરવામાં આવી છે. બેનિઓફે કહ્યું કે હું મારા સપોર્ટ સ્ટાફની સંખ્યાને ફરીથી સંતુલિત કરવામાં સફળ રહ્યો. મેં તેને 9,000થી ઘટાડીને લગભગ 5,000 કરી કારણ કે મને ઓછા કર્મચારીઓની જરૂર હતી.
એટલે કે સેલ્સફોર્સના સપોર્ટ વિભાગનો લગભગ અડધો ભાગ ઘટાડી દેવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે હવે માણસોને બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આધાર રાખવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: 25000 કર્મચારીની છટણી કરનારી Intel કંપનીએ અમેરિકામાં કર્યું 8.9 અબજ ડોલરનું રોકાણ
50 ટકા વાતચીત AI દ્વારા કરવામાં આવે છે
બિઝનેસ ઇનસાઇડરના અહેવાલ મુજબ કંપનીના CEO માર્ક બેનિઓફે તાજેતરમાં એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે સપોર્ટ ડિવિઝનને સૌથી મોટો ફટકો પડ્યો છે. પહેલા જ્યાં આ ટીમમાં 9,000 કર્મચારી હતા તે હવે ઘટીને 5,000 થઈ ગયા છે, એટલે કે સપોર્ટ ડિવિઝનમાં 45% નોકરીઓ એક જ વારમાં ગાયબ થઈ ગઈ છે.
બેનિઓફે તેને 'રીબેલેંસિંગ ઓફ હેડકાઉન્ટ' ગણાવ્યું હતું, પરંતુ સત્ય એ છે કે આ નોકરીઓ સીધી AI એજન્ટો દ્વારા બદલવામાં આવી છે. કંપનીના CEOએ વધુમાં કહ્યું કે ગ્રાહક સેવા સંબંધિત લગભગ 50 ટકા વાતચીત AI દ્વારા કરવામાં આવે છે.
ઓચિંતા જ શા માટે છટણી કરવામાં આવી
સેલ્સફોર્સના CEO માર્ક બેનિઓફે પોતાના પગલા વિશે સમજાવતા કહ્યું કે પહેલા ટીમમાં પૂરતા લોકો ન હતા. આ સ્થિતિમાં જો કોઈ ગ્રાહક વહેલો ફોન કરે તો કંપની તેનો સંપર્ક કરી શકતી ન હતી. હવે ગ્રાહક સેવાનો સંપર્ક કરનારા ગ્રાહકોને એઆઈ એજન્ટોની મદદથી જવાબ આપવામાં આવી રહ્યો છે.