RBI Forex Rules: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના વડા સંજય મલ્હોત્રાએ વિદેશી હૂંડિયામણને લગતા નિયમો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે વિદેશી હૂંડિયામણ બજારને લગતા નિયમો કડક કરવાનો ઉદ્દેશ કેપિટલ કન્ટ્રોલ લાગુ કરવાનો નથી પણ રૂપિયા સાથે સંકળાયેલા ફોરેક્સ માર્કેટમાં વધારે પડતી સટ્ટાકીય પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનો છે.
તેમણે કહ્યું કે કેન્દ્રીય બેંક તરફથી જે પણ પગલાં ભરવામાં આવ્યા છે તેનો ઉદ્દેશ વિદેશી હૂંડિયમણ બજારમાં વ્યવસ્થિત રીતે કારોબારને સુનિશ્ચિત કરવાનો અને રૂપિયાના વલણમાં બિનજરૂરી વધઘટ અટકાવવાનો છે.
RBI વડાએ સ્પષ્ટતા કરી કે મધ્યસ્થ બેંકે તાજેતરમાં જ લાગુ કરેલા ફોરેન એક્સચેન્જ રિઝર્વ રેશિયો(FERR)ની શરતોથી કેપિટલ અકાઉન્ટ ટ્રાન્ઝેક્શનને બહાર રાખવાનો છે. તેનો અર્થ છે કે વિદેશી રોકાણકાર ભારતીય શેરબજાર, ડેટ અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણને જાળવી રાખી શકે છે. આ ઉપરાંત એક્સટર્નલ કોમર્શિયલ બોરોવિંગ્સ(ECBs) મારફતે ફંડ એકત્રિત કરવા અને પોતાની પોઝીશનને હેજ કરવાની સુવિધા પણ જળવાઈ રહેશે.
તેમણે કહ્યું કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર(FPI) પણ કોઈ જ નવા નિયંત્રણ વગર ભારતમાં પૈસા લાવી શકે છે ને તેને પરત લઈ જઈ શકે છે. તેમના મતે RBIના નવા ઉપાયોનો ઉદ્દેશ વિદેશી કેપિટલના ફ્લોને મર્યાદિત કરવાનો નથી.
