RBI Forex Rules: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં થઈ રહેલા સતત ઘસારાને અટકાવવા અને ચલણ બજારમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આકરા અને આકસ્મિક પગલાં અમલમાં મૂક્યા છે. હાલમાં રૂપિયો ડોલર સામે 96.78 ના નીચલા સ્તરે ટ્રેડ કરી રહ્યો છે, જે મે મહિનામાં 96.95 ના ઓલ-ટાઈમ રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયા પર વધી રહેલા આ દબાણને હળવું કરવા માટે દેશની કેન્દ્રીય બેંકે વિદેશી વિનિમય ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને સરકારી તેલ કંપનીઓ માટે વિશેષ ડોલર વિન્ડો ખોલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ફોરેક્સ ડેરિવેટિવ્ઝના નિયમો સખત કરાયા
રૂપિયાના સટ્ટાકીય ટ્રેડિંગને ડામવા માટે RBI એ એક ચોક્કસ ‘બ્રહ્માસ્ત્ર’ છોડ્યું છે. નવા નિર્દેશો અનુસાર, ચોક્કસ વિદેશી વિનિમય ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સના પુનઃબુકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એકવાર રદ કરાયેલા રૂપિયા સંબંધિત ફોરેક્સ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ હવે અધિકૃત ડીલરો દ્વારા ફરીથી બુક કરી શકાશે નહીં, જોકે પરિપક્વતા પર કરારોનું રોલઓવર હાલના નિયમો મુજબ ચાલુ રહેશે.
વધુમાં, કોઈપણ વાસ્તવિક વ્યાપારી જરૂરિયાત કે અંતર્ગત જોખમના પુરાવા વિના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં પ્રવેશવા માટેની મર્યાદા જે પહેલાં $100 મિલિયન હતી, તેને ઘટાડીને સીધી $5 મિલિયન કરી દેવામાં આવી છે. આ નિયમ એક્સચેન્જ-ટ્રેડેડ રૂપી કરન્સી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ પર પણ લાગુ થશે, જેથી વિના કોઈ જોખમે મોટા વ્યવહારો થવાની શક્યતાઓ મર્યાદિત થઈ જશે.
20% ફોરેન એક્સચેન્જ રિસ્ક રિઝર્વ (FERR) ની જોગવાઈ
કેન્દ્રીય બેંકે $2 મિલિયનથી વધુના રૂપિયા-સંબંધિત વિદેશી વિનિમય ડેરિવેટિવ કરારો માટે ફોરેન એક્સચેન્જ રિસ્ક રિઝર્વ (FERR) નો નવો નિયમ રજૂ કર્યો છે. આ હેઠળ, અધિકૃત ડીલરોએ પાત્ર વ્યવહારના કુલ રૂપિયા મૂલ્યના 20% જેટલી રોકડ રકમ RBI પાસે અનામત રાખવી ફરજિયાત બનશે. સાથોસાથ, બેંકોએ ગ્રાહકો પાસેથી લેખિત પુષ્ટિ લેવી પડશે કે સમાન વ્યવસાય જોખમ અન્ય કોઈ ડીલર દ્વારા હેજ કરવામાં આવ્યું નથી.
ઓઇલ કંપનીઓને સીધા ડોલર આપશે RBI
સ્પોટ માર્કેટ પરથી ડોલરની માંગનું દબાણ ઘટાડવા માટે RBI એ 12 ઓક્ટોબરથી દેશની મુખ્ય સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ની દૈનિક ડોલર જરૂરિયાતોને સીધી રીતે પૂરી કરવાનો નિર્ણય લીધો છે. હવે આ કંપનીઓએ ડોલર ખરીદવા માટે ખુલ્લા વિદેશી મુદ્રા બજાર પર નિર્ભર રહેવું નહીં પડે, જેનાથી રૂપિયાના મૂલ્યને મોટો સપોર્ટ મળશે.
