Post Office Investment Schemes: પોસ્ટ ઑફિસની આ પાંચ યોજનાઓ રોકાણ માટે સૌથી બેસ્ટ, સરકારી ગેરંટી સાથે થશે ડબલ ફાયદો

પોસ્ટ ઑફિસની યોજનાઓ પર શેર બજારની કોઈ અસર નથી થતી અને તેના પર મળતી વ્યાજની રકમ નિશ્ચિત જ હોય છે. જેના કારણે તમારું રોકાણ એકદમ સુરક્ષિત રહે છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 19 Oct 2025 10:53 PM (IST)Updated: Sun 19 Oct 2025 11:00 PM (IST)
post-office-best-investment-scheme-and-plan-for-this-diwali-in-gujarati-623959
HIGHLIGHTS
  • સુકન્યા સમૃદ્ધિમાં ખાતું બાળકીના જન્મ પછી તરતથી તે 10 વર્ષની થાય ત્યાં સુધી ખોલાવી શકાય છે
  • SSYની માફક પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ એક લાંબા ગાળાની લોકપ્રિય બચત યોજના છે

Post Office Investment Schemes: દિવાળીનો પર્વ ખુશહાલી, સમૃદ્ધિ અને નવી શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે. આજના મોંઘવારીના જમાનામાં સૌ કોઈ ઈચ્છે જ છે કે, તેમના ઘરમાં હંમેશા લક્ષ્મી માતાની કૃપા વરસતી રહે અને તેમની આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન મજબૂત બનતી જાય.

જો તમે પણ આ દિવાળીના પર્વે તમારા પૈસાને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા માંગતા હોવ, તો પોસ્ટ ઑફિસની પાંચેક યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. આ યોજનાઓ સુરક્ષિત હોવાની સરકારની ગેરંટીની સાથે-સાથે સારું વળતર પણ આપે છે. આટલું જ નહીં, આ યોજનામાં વળતર પર ટેક્સની પણ છૂટ મળે છે.

પોસ્ટ ઑફિસ મંથલી ઈન્કમ સ્કીમ: આ યોજનામાં રોકાણકારોને વાર્ષિક 7.4 ટકાના દરે વ્યાજ મળે છે, જે ખાસ કરીને એવા લોકો માટે યોગ્ય છે, જેઓ દર મહિને ચોક્કસ આવક ઈચ્છે છે. આ યોજના અંતર્ગત ઈન્ડિવિઝ્યુઅલ ખાતામાં વધુમાં વધુ 9 લાખ અને જોઈન્ટ એકાઉન્ટ હોય તો 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. જેનું વ્યાજ દરમહિને તમારા ખાતામાં જમા થાય છે.

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (PPF): લાંબી મુદ્દતે સુરક્ષિત રોકાણ અને ટેક્સ બચાવવા માટેનો PPF બેસ્ટ ઑપ્શન છે. આ યોજના પર હાલ 7.10 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જેમાં દર વર્ષે 500 થી લઈને દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જેની મુદ્દત આમ તો 15 વર્ષની હોય છે, પરંતુ તમે ઈચ્છો તો વધારી પણ શકો છો. સેક્સન 80C અંતર્ગત ટેક્સમાં છૂટ મળે છે. આથી આ યોજના સામાન્ય નાગરિકો માટે પહેલી પસંદ બની રહી છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના: દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરતી આ યોજના પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ યોજનામાં તમે વર્ષે 250 થી માંડીને દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો, જેના પર તમને 8.20 ટકાનું વ્યાજ મળે છે. આ યોજના દીકરીના ઉચ્ચ અભ્યાસ અને લગ્ન વગેરે જેવા ખર્ચાને પહોંચી વળવા માટે ઉત્તમ છે. જેમાં ટેક્સની પણ છૂટ મળે છે.

પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ: આ યોજના ફિક્સ્ડ ડિપોઝિટના જેવી જ છે. જો કે આ યોજના વધારે વિશ્વાસપાત્ર છે, કારણ કે તેમાં સરકારની ગેરંટી હોય છે. આ યોજના અંતર્ગત તમે 1 થી 5 વર્ષની મુદ્દતમાં રોકાણ કરી શકો છો. જ્યાં એક વર્ષ માટે 6.9 ટકા, 2 અને 3 વર્ષ માટે 7 ટકા તેમજ 5 વર્ષ માટે 7.5 ટકા વ્યાજ મળે છે. આ સાથે જ આ યોજનામાં પણ ટેક્સની છૂટ મળે છે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC): આ સ્કિન રોકાણકારો માટે ચોક્કસ આવકનો સ્થાયી સ્ત્રોત છે. જેમાં 7.7 ટકા વ્યાજ મળે છે. આ યોજના તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી શરૂ કરી શકો છો, જેની મુદ્દત 5 વર્ષ સુધીની હોય છે. તેમજ 80C અંતર્ગત ટેક્સની પણ છૂટ આપવામાં આવે છે.

પોસ્ટ ઑફિસની આ યોજનાઓ માત્ર તમારી મૂડીને જ સુરક્ષિત નથી રાખતી, પરંતુ ચોક્કસ વ્યાજ, ટેક્સમાં બચત થકી તમારા ફાઈનાન્સિયલ પ્લાનિંગને પૂરી કરવામાં પણ ભરપુર મદદ કરે છે.