UPI પેમેન્ટ મફત હતું અને રહેશે: કરોડો ગ્રાહકો અને નાના વેપારીઓની ચિંતા દૂર, સરકારે કરી સ્પષ્ટતા!

PCI એ પોતાના અધિકૃત નિવેદનમાં જણાવ્યું છે કે UPI ની વિશ્વસનીયતા અને લોકપ્રિયતા જાળવી રાખવા માટે ગ્રાહકો માટે આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 08 Aug 2026 11:31 AM (IST)Updated: Sat, 08 Aug 2026 11:31 AM (IST)
upi-payment-will-remain-free-for-customers-and-small-merchants-pci-clarification
UPI વ્યવહારો મફત

UPI Charges News: દેશભરમાં કરોડો UPI વપરાશકર્તાઓ અને નાના વેપારીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા કરવામાં આવતા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં અને આ સેવા ગ્રાહકો માટે તદ્દન મફત રહેશે. પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI) એ તાજેતરમાં અફવાઓ અને ચિંતાઓને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો કે નાના કિરાણા સ્ટોર ધારકો પર UPI પેમેન્ટ માટે કોઈ વધારાનો બોજ લાદવામાં આવશે નહીં.

ગ્રાહકો પર નહીં પડે કોઈ આર્થિક બોજ: PCI

PCI એ પોતાના અધિકૃત નિવેદનમાં જણાવ્યું છે કે UPI ની વિશ્વસનીયતા અને લોકપ્રિયતા જાળવી રાખવા માટે ગ્રાહકો માટે આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. જો ભવિષ્યમાં કોઈ મર્ચન્ટ સર્વિસ ચાર્જ (MSC) અથવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવામાં આવે છે, તો તે માત્ર મોટા વેપારીઓ અને પેમેન્ટ સેવા પ્રદાતા વચ્ચેનો વ્યવસાયિક કરાર હશે. તેનો અર્થ એવો બિલકુલ નથી કે સામાન્ય ગ્રાહકોએ UPI નો ઉપયોગ કરવા માટે કોઈ વધારાની ફી ચૂકવવી પડશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ સ્પષ્ટતા કરી હતી કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર લાગુ થતો કોઈપણ એમડીઆર (MDR) ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં.

ટેકનોલોજી અને સુરક્ષામાં મોટું રોકાણ

વર્તમાન સમયમાં UPI વિશ્વની સૌથી મોટી રીઅલ-ટાઈમ પેમેન્ટ સિસ્ટમ બની ચૂકી છે, જેના દ્વારા દર મહિને કરોડો અબજો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થાય છે. સિસ્ટમને વધુ મજબૂત કરવા અંગે કાઉન્સિલે જણાવ્યું કે, બેંકો, ફિનટેક કંપનીઓ, NPCI અને RBI સતત નવીન ટેકનોલોજી અને સાયબર સુરક્ષા પાછળ મોટું રોકાણ કરી રહ્યા છે. તેમજ છેતરપિંડી નિવારણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લાંબા ગાળા માટે સક્ષમ બનાવવા માટે બેકએન્ડ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ તેની અસર સામાન્ય નાગરિકો પર નહીં થાય. આ સ્પષ્ટતા બાદ સામાન્ય ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓમાં ફેલાયેલી આશંકાઓનો અંત આવ્યો છે.