Post Office Deposit Scheme:પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ રોકાણકારોને સુરક્ષિત અને નિશ્ચિત વળતર આપવા માટે જાણીતી છે. રોકાણકારોને સરકાર તરફથી આ માટેની ખાતરી આપવામાં આવતી હોય છે. પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમો પૈકીની એક ટાઈમ ડિપોઝીટ સ્કીમ રોકાણકારોને શાનદાર વળતર આપી રહેલ છે. આ સરકારી યોજનામાં એક સાથે 1 વર્ષથી 5 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે અને તેના પર વર્તમાન સમયમાં 7.50 ટકા ઊંચુ વળતર આપવામાં આવી રહ્યું છે.
રૂપિયા 11.50 લાખ પર રૂપિયા 5.17 લાખ વ્યાજ મળે
જો કોઈ રોકાણકાર 5 વર્ષની સ્કીમમાં એક સાથે રૂપિયા 11.50 લાખ ભંડોળ જમા કરાવે છે તો તેમને આ ફંડ પર 7.50 ટકા જેટલું ઊંચુ વ્યાજ મળી શકે છે અને પાંચ વર્ષના અંતે આ ફંડનું મૂલ્ય વધીને રૂપિયા 16.67 લાખ જેટલું થઈ જશે. આ રીતે રોકાણકારને બચતપર રૂપિયા 5.17 લાખનું શાનદાર વળતર મળે છે.
કઈ મુદત માટે કેટલું વ્યાજ મળે છે
પોસ્ટ ઓફિસની અન્ય ટાઈમ ડિપોઝીટમાં રોકાણ કરવાના સંજોગોમાં વિવિધ મુદતની પાકતી થાપણો પર અલગ-અલગ વ્યાજ દરની ઓફર કરવામાં આવે છે. જો એક વર્ષ માટે પોસ્ટ ઓફિસ 6.90 ટકા, 2 વર્ષની મુદત માટે 7 ટકા, 3 વર્ષની મુદત માટે 7.10 ટકા, 5 વર્ષની મુદત માટે 7.50 ટકા વ્યાજ મળી શકે છે.
કરવેરામાં શું છૂટ મળે છે
આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે તેમાં આવક વેરા નિયમની કલમ 80C હેઠળ છૂટ પણ મળે છે. જોકે આ છૂટ નવી ટેક્સ રિજનમાં અમલી બનશે નહીં. પોસ્ટ ઓફિસની આ સ્કીમ નાની બચત યોજનામાં સ્થાન ધરાવે છે અને તે શેરબજાર જેવા દરરોજ વધઘટ થતા વળતરની સ્થિતિની કોઈ અસર ધરાવતી નથી અને તેના સમયાંતરે વ્યાજ દર સંપૂર્ણ અવધિ માટે નક્કી જ હોય છે.
