Family Pension Rules:સરકારી કર્મચારીઓ અથવા પેન્શનર્સના મૃત્યુ બાદ પરિવારને મળતા પેન્શન અંગે સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. એટલે કે આ અંગેના નિયમો અંગે વધુ સ્પષ્ટતા કરી છે. આ સાથે કેન્દ્ર સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર(DoPPW) હેઠળ 29 ઓક્ટોબર 2026ના રોજ ઓફિસ મેમોરેન્ડમમાં પરિવારના કયા સભ્યો ફેમિલી પેન્શન મેળવવા માટે પ્રાથમિકતાનો ક્રમાંક ધરાવે છે તે અંગે સ્પષ્ટતા કરી છે. આ જોગવાઈ હેઠળ સેન્ટ્રલ સિવિલ સર્વિસ રુલ, 2021ના નિયમ 50 હેઠળ આવે છે.
પેન્શન મેળવવાનો સૌથી પહેલો અધિકાર કોનો
આ નિયમ હેઠળ હવે સરકારી કર્મચારી અથવા પેન્શનર્સના મૃત્યુના સંજોગોમાં પેન્શન પ્રાપ્ત કરવાનો સૌથી પહેલો અધિકાર વિવાહિત પતિ અથવા પત્નીને મળી શકે છે. અલબત રિટાયરમેન્ટ બાદ લગ્ન કરનાર પતિ અથવા પત્નીએ પણ ચોક્કસ નિયમોનું પાલન કરવાનું રહે છે.
ચોક્કસ પરિસ્થિતિમાં શું?
પતિ અથવા પત્નીના અવસાન અથવા તેમના પેન્શનની યોગ્યતાનો અંત આવ્યા બાદ બાળકોને ફેમિલી પેન્શન મળી શકે છે. આ સંજોગોમાં દત્તક લેવામાં આવેલા સાવકા બાળકોનો પણ સમાવેશ થાય છે. અલબત કોઈ કર્મચારી અથવા પેન્શનર્સનું અવસાન થાય અથવા નિવૃત્તિ બાદ જન્મેલા બાળકોને પણ ચોક્કસ શરતો પૂરી કરીને યોગ્યતા કેળવી શકાય છે.
બાળકોને પેન્શન ક્યારે અને કેવી રીતે મળે છે?
જ્યારે કર્મચારીના જીવનસાથી હયાત ન હોય અથવા તેમની પેન્શન મેળવવાની પાત્રતા કોઈ કારણસર પૂરી થઈ જાય, ત્યારે પેન્શનનો અધિકાર સીધો કર્મચારીના બાળકોને મળે છે. બાળકો માટે સરકાર દ્વારા એક ચોક્કસ ક્રમ નક્કી કરવામાં આવ્યો છે. સૌપ્રથમ 25 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમના જન્મના ક્રમ મુજબ આ પેન્શનનો લાભ આપવામાં આવે છે. આ પેન્શન ત્યાં સુધી જ ચાલુ રહે છે જ્યાં સુધી બાળક 25 વર્ષનું થાય, તેના લગ્ન થઈ જાય અથવા તે પોતાની કમાણી શરૂ કરી દે.
જો આ કેટેગરીમાં આવતા બાળકો પાત્ર ન હોય, તો શારીરિક કે માનસિક રીતે દિવ્યાંગ બાળકોને આજીવન પેન્શન મેળવવાનો અધિકાર મળે છે. જો દિવ્યાંગ બાળકો પણ ન હોય, તો ત્યારબાદ અપરિણીત, વિધવા અથવા છૂટાછેડા લીધેલી દીકરીઓ આ પેન્શન માટે દાવો કરી શકે છે. જોકે, આ દીકરીઓ માટે એ સાબિત કરવું જરૂરી છે કે તેમની માસિક આવક નવ હજાર રૂપિયા અને મોંઘવારી ભથ્થા કરતા ઓછી છે. છૂટાછેડાના કિસ્સામાં, જો બાળકો હોય તો જીવનસાથી કરતા પહેલા બાળકોને પેન્શન આપવામાં આવે છે.
માતા-પિતા અને ભાઈ-બહેનનો નંબર ક્યારે આવે છે?
માતા-પિતાનો હક પેન્શન માટે છેક ત્રીજા ક્રમે આવે છે. જો કર્મચારીના જીવનસાથી અને પાત્ર બાળકો બંને હયાત ન હોય, તો જ આર્થિક રીતે નિર્ભર માતા-પિતાને ફેમિલી પેન્શન મળી શકે છે. આ કિસ્સામાં પણ નિયમ છે કે પિતા કરતા પહેલા માતાને પેન્શન મેળવવાની પ્રાથમિકતા આપવામાં આવે છે. માતા-પિતાએ એ સાબિત કરવું ફરજિયાત છે કે તેઓ કર્મચારીના મૃત્યુ સમયે તેમના પર આર્થિક રીતે નિર્ભર હતા અને તેમની પોતાની આવક દર મહિને નવ હજાર રૂપિયાથી ઓછી છે.
