MDR ચાર્જ અંગે મોટા સમાચાર: UPI પેમેન્ટ્સ જાન્યુઆરી 2027 સુધી મફત રહી શકે છે! આજે NPCIની બેઠક

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા શુક્રવાર, 09 ઓક્ટોબરના રોજ UPI સ્ટીયરિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આ નિર્ણય પર આખરી મંજૂરી મળવાની પૂરેપૂરી સંભાવના છે. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે, તો UPI વ્યવહારો જાન્યુઆરી 2027 સુધી સંપૂર્ણપણે મફત રહી શકે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 09 Oct 2026 12:07 PM (IST)Updated: Fri, 09 Oct 2026 12:07 PM (IST)
big-news-on-upi-mdr-charges-payments-may-remain-free-until-january-2027
UPI ચાર્જ અંગે NPCIની બેઠક

UPI MDR Charge Updates: દેશમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરતા કરોડો યુઝર્સ અને વેપારીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ્સ પર લાદવામાં આવનાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જના અમલીકરણને મુલતવી રાખવામાં આવી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા શુક્રવાર, ૯ ઓક્ટોબરના રોજ UPI સ્ટીયરિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આ નિર્ણય પર આખરી મંજૂરી મળવાની પૂરેપૂરી સંભાવના છે. જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે, તો UPI વ્યવહારો જાન્યુઆરી 2027 સુધી સંપૂર્ણપણે મફત રહી શકે છે.

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી નિર્ણયની શક્યતા

NPCI સ્ટીયરિંગ કમિટીની બેઠક દિવસના પ્રથમ ભાગમાં યોજાવાની અપેક્ષા છે, અને MDR ચાર્જ મુલતવી રાખવા અંગેની સત્તાવાર જાહેરાત બપોરે 1:00 થી 2:00 વાગ્યા વચ્ચે થવાની પ્રબળ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, NPCI મૂળરૂપે 15 ઓક્ટોબર, 2026થી નક્કી કરાયેલા MDR ચાર્જના અમલીકરણને જાન્યુઆરી 2027 સુધી લંબાવવાના પ્રસ્તાવ પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. એટલે કે આગામી દિવસોમાં આવનારા દિવાળી સહિતના તહેવારો દરમિયાન સામાન્ય નાગરિકો અને વેપારીઓ પર કોઈ ડિજિટલ પ્રોસેસિંગ ફીનો બોજ નહીં પડે.

ફિનટેક અને પેમેન્ટ કંપનીઓની વિનંતી

આ પ્રસ્તાવ પાછળ ફિનટેક અને વિવિધ ડિજિટલ પેમેન્ટ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો મુખ્ય કારણ છે. દેશની અગ્રણી ફિનટેક કંપનીઓએ NPCIને પત્ર લખીને MDR ચાર્જ લાગુ કરવાની સમયમર્યાદા લંબાવવા આગ્રહ કર્યો હતો. આ કંપનીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે તહેવારોની સિઝનમાં ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ મહત્તમ સ્તરે હોય છે, તેવા સમયે નવા ચાર્જ લાદવાથી ગ્રાહકોના અભિગમ પર નકારાત્મક અસર પડી શકે છે. આ ઉપરાંત, વિવિધ પ્રકારના UPI વ્યવહારો પર જુદા જુદા MDR દરો અને નીતિઓને લીધે ટેકનિકલ ગૂંચવાડો ઊભો થવાની પણ આશંકા હતી.

શું હતો MDR ચાર્જનો મૂળ પ્રસ્તાવ?

ઉલ્લેખનીય છે કે ગયા મહિને સરકારે 2,000થી વધુના UPI વ્યવહારો પર MDR ચાર્જ લાદવાની જાહેરાત કરી હતી. આ દર 0.4 ટકા (40 બેઝિસ પોઈન્ટ્સ) નક્કી કરવામાં આવ્યો હતો અને તેનો અમલ 15 ઓક્ટોબર, 2026થી થવાનો હતો.

MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) એ ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયા અને નેટવર્ક જાળવણી બદલ વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતી ફી છે. 0.4 ટકા ફીના ગણિત મુજબ:

  • 2,000ના UPI ટ્રાન્ઝેક્શન પર 8 નો ચાર્જ
  • 10,000ના UPI ટ્રાન્ઝેક્શન પર 40 નો ચાર્જ
  • કોઈપણ મોટો વ્યવહાર હોય તો પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ 300 ની મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

જો NPCI આજની બેઠકમાં આ મુલતવી પ્રસ્તાવને મંજૂરી આપી દે છે, તો ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ મફત UPI સુવિધા આગામી જાન્યુઆરી 2027 સુધી યથાવત રહેશે.