8th Pay Commission: પેન્શન ધારકો માટે મોટા સમાચાર, લઘુત્તમ પેન્શન 45,000 અને OPS પુનઃસ્થાપિત કરવા માંગણીઓ તેજ

આયોગ દેશના વિવિધ ઝોન અને શહેરોમાં બેઠકો યોજીને કર્મચારી સંગઠનો અને પેન્શનર એસોસિએશન્સ સાથે પગાર, ભથ્થાં તથા પેન્શન સુધારા અંગે વ્યાપક પરામર્શ કરી રહ્યું છે. આ દરમિયાન કર્મચારીઓ અને નિવૃત્તો વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થાં અને ખાસ કરીને પેન્શન સુરક્ષા અંગેની ચર્ચાએ ભારે વેગ પકડ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 27 Sep 2026 11:19 AM (IST)Updated: Sun, 27 Sep 2026 11:19 AM (IST)
8th-pay-commission-pensioners-demand-45000-minimum-pension-old-pension-scheme
8મું પગાર પંચ

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓની સાથે સાથે હવે દેશભરના નિવૃત્ત પેન્શનરો પણ 8મા પગાર પંચ (8th Pay Commission) સમક્ષ પોતાની પડતર માંગણીઓ અને ભલામણો મક્કમતાથી રજૂ કરી રહ્યા છે. 8મા પગાર પંચનું કામકાજ હાલ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આયોગ દેશના વિવિધ ઝોન અને શહેરોમાં બેઠકો યોજીને કર્મચારી સંગઠનો અને પેન્શનર એસોસિએશન્સ સાથે પગાર, ભથ્થાં તથા પેન્શન સુધારા અંગે વ્યાપક પરામર્શ કરી રહ્યું છે. આ દરમિયાન કર્મચારીઓ અને નિવૃત્તો વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર, ભથ્થાં અને ખાસ કરીને પેન્શન સુરક્ષા અંગેની ચર્ચાએ ભારે વેગ પકડ્યો છે.

જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવા માંગ

આયોગની બેઠકોમાં સર્વોચ્ચ મુદ્દો જૂની પેન્શન યોજના (OPS) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) વચ્ચેનો રહ્યો છે. વર્ષ 2004 પછી સરકારી સેવામાં જોડાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર સંગઠનો હવે 'ગેરંટીડ પેન્શન'ની માંગ પર અડગ છે. 8મા પગાર પંચને સુપરત કરવામાં આવેલી સત્તાવાર નોંધમાં કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, વર્તમાન બજાર-આધારિત પેન્શન યોજનાઓ કર્મચારીઓ અને તેમના પરિવારોના ભવિષ્યને નાણાકીય સુરક્ષા પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી છે. 'સર્વે ઓફ ઈન્ડિયા'ના કર્મચારીઓ સહિત દેશભરના વિવિધ નિગમો અને સંગઠનોએ જૂની પેન્શન યોજનાને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવાની માગ કરી છે.

લઘુત્તમ પેન્શન 45,000 કરવાની ભલામણ

'ભારત પેન્શનર્સ સમાજ' (BPS) ના નેજા હેઠળ નિવૃત્ત કર્મચારીઓએ લઘુત્તમ પેન્શનમાં જંગી વધારાની માંગ ઉઠાવી છે. BPS દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં મુખ્ય ભલામણો નીચે મુજબ છે:

  • લઘુત્તમ પેન્શન: માસિક લઘુત્તમ પેન્શન વધારીને 45,000 પ્રતિ માસ કરવામાં આવે.
  • મૂળ પેન્શન: નિવૃત્તિ સમયે કર્મચારીના છેલ્લા મળેલા પગારના 67% જેટલું પેન્શન નક્કી કરવામાં આવે.
  • ફેમિલી પેન્શન: કર્મચારીના અવસાન બાદ પરિવારને મળતું ફેમિલી પેન્શન છેલ્લા મળેલા પગારના 50% નક્કી કરાય.

ક્યારે અમલમાં આવી શકે છે ભલામણો?

આયોગ હાલ દેશભરના તમામ ક્ષેત્રોની ਮੁલાકાત લઈ પ્રતિનિધિ મંડળોના મંતવ્યો સાંભળી રહ્યું છે. બેઠકો દરમિયાન ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો, લઘુત્તમ વેતન અને પેન્શન સમાનતા અંગે આવેદનો સ્વીકારવામાં આવી રહ્યા છે. અપેક્ષા છે કે આયોગ મે-જૂન 2027 સુધીમાં કેન્દ્ર સરકારને પોતાનો અંતિમ અહેવાલ સુપરત કરશે.

સરકાર દ્વારા આ અહેવાલ મંજૂર કરાયા બાદ જ સ્પષ્ટ થશે કે પેન્શનમાં ત્રણ ગણો વધારો થશે કે કેમ અને 2004 પછીના લાખો કર્મચારીઓને OPSનો લાભ મળશે કે નહીં. 2027નો આ આખરી રિપોર્ટ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.