Fitment Factor Calculation: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજરો હાલમાં 8મા પગાર પંચ (8th Pay Commission) ની ભલામણો અને ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) પર ટકેલી છે. નવા પગાર માળખામાં કર્મચારીઓનો મૂળ પગાર અને પેન્શન કેટલું વધશે તેનો આખો આધાર આ ફિટમેન્ટ ફેક્ટર પર જ રહેલો છે. હાલમાં 8મું પગાર પંચ દેશના વિવિધ શહેરોમાં બેઠકો યોજીને કર્મચારી અને પેન્શનર સંગઠનો સાથે વિચાર-વિમર્શ કરી રહ્યું છે. સંગઠનો દ્વારા અલગ-અલગ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે, જેના કારણે નવી બેઝિક સેલરીને લઈને વિવિધ ગણતરીઓ સામે આવી રહી છે.
શું છે ફિટમેન્ટ ફેક્ટર અને કેમ છે આટલું મહત્વપૂર્ણ?
સરળ ભાષામાં કહીએ તો, ફિટમેન્ટ ફેક્ટર એ એવો ગુણાંક છે જેના દ્વારા કર્મચારીના હાલના બેઝિક પેને નવા વેતન માળખામાં બદલવામાં આવે છે.
1.92x ફિટમેન્ટ ફેક્ટર: જો કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પે ₹18,000 હોય અને 1.92x ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય, તો નવો બેઝિક પે ₹34,560 થશે. એટલે કે બેઝિક સેલરીમાં direct ₹16,560 નો વધારો થશે.
2.57x ફિટમેન્ટ ફેક્ટર: આ ગુણાંક મુજબ ₹18,000 નો બેઝિક પે વધીને ₹46,260 થઈ જશે.
3x ફિટમેન્ટ ફેક્ટર: 3 ના ગુણાંક પ્રમાણે ₹18,000 નો બેઝિક પે સીધો ₹54,000 પર પહોંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ આંકડા માત્ર ગણતરી સમજાવવા માટે છે અને આ અંતિમ પગાર વધારો નથી.
60% મોંઘવારી ભથ્થાં (DA) નું ગણિત
ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં બે બાબતો મુખ્ય ભાગ ભજવે છે: પ્રથમ, તે સમયે મળતું મોંઘવારી ભથ્થું (DA) અને બીજું, સરકાર દ્વારા અપાતો વાસ્તવિક પગાર વધારો. જાન્યુઆરી 2026 સુધીમાં DA 60% ના સ્તરે પહોંચી ચૂક્યું છે. 7મા પગાર પંચ વખતે પણ DA ને બેઝિક સેલરીમાં મર્જ કરીને નવું માળખું તૈયાર કરાયું હતું. 8મા પગાર પંચમાં પણ DA નો આંકડો ફિટમેન્ટ ફેક્ટરની ગણતરીને સીધી અસર કરશે.
જોકે, બેઝિક પે વધવાનો અર્થ એ નથી કે કર્મચારીની કુલ ગ્રોસ સેલરી (Gross Salary) પણ એ જ પ્રમાણમાં વધશે. કુલ પગારમાં HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TA) જેવા અન્ય ભથ્થાઓના નવા નિયમો પણ મહત્વનો ભાગ ભજવશે.
અંતિમ નિર્ણય ક્યારે અને કોના હાથમાં?
હાલમાં ચર્ચામાં રહેલા 1.92x, 2.57x કે 3x માંથી કોઈ પણ આંકડો આખરી નથી. કેન્દ્ર સરકારે 3 નવેમ્બર, 2025 ના રોજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 8મા પગાર પંચની રચના કરી હતી. પંચને 18 મહિનામાં પોતાનો અહેવાલ સોંપવાનો છે, જે મુજબ મે 2027 સુધીમાં ભલામણો આવવાની શક્યતા છે. ત્યારબાદ સરકારના અંતિમ નિર્ણય પછી જ ફિટમેન્ટ ફેક્ટરનો આખરી આંકડો સ્પષ્ટ થશે.
