8મું પગાર પંચ: HRA વધશે તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જાણો લેવલ 1 અને 10 નું આખું ગણિત

હાલમાં જાન્યુઆરી 2024 ના સુધારા મુજબ કેન્દ્રીય કર્મચારીઓને શહેરોની શ્રેણી અનુસાર X, Y અને Z વર્ગ માટે અનુક્રમે 30%, 20% અને 10% ના દરે HRA ચૂકવવામાં આવે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 22 Sep 2026 08:35 AM (IST)Updated: Tue, 22 Sep 2026 08:35 AM (IST)
8th-pay-commission-hra-hike-calculation-central-government-employees-salary-increase
8મા પગાર પંચ HRA વધારો

8th Pay Commission HRA Hike: 8મા કેન્દ્રીય પગાર પંચ (8th Pay Commission) ની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહેલા દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને અધિકારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર અને બેઝિક પે (Basic Pay) ની સાથે સાથે હવે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) એટલે કે મકાન ભાડા ભથ્થાનો મુદ્દો પણ ભારે ચર્ચાના કેન્દ્રસ્થાને આવ્યો છે. દેશના મહાનગરો તેમજ નાના શહેરોમાં સતત વધતી જતી મોંઘવારી અને મકાન ભાડાના ઊંચા દરોને પહોંચી વળવા માટે વિવિધ કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ સમક્ષ HRA માં ધરખમ વધારો કરવાની માંગણી કરી છે.

HRA માં વધારાની કેમ થઈ રહી છે માંગ?

હાલમાં જાન્યુઆરી 2024 ના સુધારા મુજબ કેન્દ્રીય કર્મચારીઓને શહેરોની શ્રેણી અનુસાર X, Y અને Z વર્ગ માટે અનુક્રમે 30%, 20% અને 10% ના દરે HRA ચૂકવવામાં આવે છે. પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભાડામાં થયેલા અભૂતપૂર્વ વધારાને કારણે આ ભથ્થું અપૂરતું સાબિત થઈ રહ્યું છે. નેશનલ કાઉન્સિલ (NC-JCM) અને ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન (AIDEF) જેવી પ્રમુખ સંસ્થાઓએ માંગ કરી છે કે X, Y અને Z શહેરો માટે HRA વધારીને અનુક્રમે 40%, 35% અને 30% કરવામાં આવે. જ્યારે રેલવે કર્મચારી સંગઠન IRTSA એ 40%, 30%, 20% અને 10% ના ચાર સ્તરના દરો સૂચવ્યા છે.

લેવલ 1 અને લેવલ 10 મુજબ નવા HRA નું ગણિત

લેવલ 1

7મા પગાર પંચ હેઠળ લેવલ 1 ના કર્મચારીનો પ્રારંભિક બેઝિક પગાર 18,000 છે. જો તે X શ્રેણીના શહેરમાં હોય, તો 30% મુજબ તેને 5,400 HRA મળે છે. જો 8મા પગાર પંચમાં 2.1 નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય, તો નવો બેઝિક પગાર 37,800 થશે. આ નવા બેઝિક પર જો સંગઠનોની માંગ મુજબ 35% HRA મંજૂર થાય, તો નવું ભથ્થું 13,230 થશે. આનો અર્થ એ થયો કે માત્ર HRA માં જ સીધો 7,830 નો તોતિંગ માસિક ઉછાળો આવશે.

લેવલ 10

લેવલ 10 ના કર્મચારીઓનો હાલનો બેઝિક પગાર 56,100 છે. સંભવિત ફિટમેન્ટ ફેક્ટર અને 40% HRA મુજબ નીચે મુજબની આંકડાકીય ગણતરી સામે આવે છે:

  • 1) 2.1 ફિટમેન્ટ ફેક્ટર: નવો બેઝિક પગાર 1,17,810 થશે, જેના પર 40% HRA ગણતા દર મહિને 47,124 માત્ર HRA પેટે મળશે. (35% રહે તો 41,234).
  • 2) 2.28 ફિટમેન્ટ ફેક્ટર: આ ગણતરી મુજબ બેઝિક પગાર 1,27,908 થશે. જેના પર 40% HRA લેખે 51,163 અને 35% લેખે 44,768 મળી શકે છે.
  • 3) 2.57 ફિટમેન્ટ ફેક્ટર: સૌથી વધુ ચર્ચાતા આ ફેક્ટર મુજબ બેઝિક પગાર 1,44,177 થઈ શકે છે. જો આ બેઝિક પર 40% HRA નો સ્વીકાર થાય, તો કર્મચારીને માસિક 57,671 જેટલી માતબર રકમ માત્ર HRA તરીકે જ પ્રાપ્ત થશે.

કર્મચારીઓ કયા શહેરમાં (X, Y કે Z) ફરજ બજાવે છે તેના પર HRA ની આખરી રકમનો આધાર રહેશે. 8મા પગાર પંચની સત્તાવાર ભલામણો બાદ જ આખરી મહોર વાગશે, પરંતુ પગાર સાથે HRA માં મોટો વધારો થવો સુનિશ્ચિત મનાય છે.