8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર 2.0 લાગુ થાય તો શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો વાસ્તવિક ગણતરી

પગાર અને પેન્શનમાં સુધારા માટે ફિટમેન્ટ ફેક્ટર સૌથી નિર્ણાયક પરિબળ છે. એવી પ્રબળ શક્યતા છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.0 થી 3.0 ની વચ્ચે નક્કી થઈ શકે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 24 Aug 2026 10:47 AM (IST)Updated: Mon, 24 Aug 2026 10:47 AM (IST)
8th-pay-commission-fitment-factor-salary-hike-calculation-explained
8મું પગાર પંચ

8th Pay Commission Salary Hike: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો હાલ 8મા પગાર પંચ (8th Pay Commission) ની ભલામણો હેઠળ થનારા પગાર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 8મું પગાર પંચ હાલ દેશના વિવિધ શહેરોમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો સાથે બેઠકો યોજીને તેમની માંગણીઓ સાંભળી રહ્યું છે અને તેના આધારે આખરી અહેવાલ તૈયાર કરવામાં આવશે. બજાર અને કર્મચારી સંગઠનોમાં અટકળો ચાલી રહી છે કે 7મા પગાર પંચની ફોર્મ્યુલા મુજબ પગાર અને પેન્શન ત્રણ ગણા થઈ શકે છે, જ્યારે કેટલાક નિષ્ણાતો તેને બમણો થવાની સંભાવના જોઈ રહ્યા છે.

ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) ની મહત્વની ભૂમિકા

પગાર અને પેન્શનમાં સુધારા માટે ફિટમેન્ટ ફેક્ટર સૌથી નિર્ણાયક પરિબળ છે. એવી પ્રબળ શક્યતા છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.0 થી 3.0 ની વચ્ચે નક્કી થઈ શકે છે. જોકે, ઘણા કર્મચારીઓમાં એવી ભ્રમણા છે કે 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવાથી તેમનો કુલ પગાર બમણો થઈ જશે, પરંતુ વાસ્તવિક ગણતરી અલગ છે.

અગાઉના પગાર પંચનો ઈતિહાસ

ઈતિહાસ પર નજર કરીએ તો, છઠ્ઠા પગાર પંચમાં 1.86 નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરાયો હતો, પરંતુ સરેરાશ કુલ પગારમાં 54% નો વધારો થયો હતો. ત્યારબાદ સાતમા પગાર પંચમાં 2.57 નો ઘણો ઊંચો ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવ્યો હોવા છતાં, કુલ પગારમાં માત્ર 14.29% નો જ વધારો નોંધાયો હતો. આનું મુખ્ય કારણ એ છે કે મોંઘવારી ભથ્થું (DA) શૂન્ય કરીને તેને બેઝિક પે માં મર્જ કરવામાં આવે છે.

મૂળ પગાર બમણો થશે, પણ કુલ પગાર કેમ નહીં?

જો આઠમા પગાર પંચમાં 2.0 નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે, તો કર્મચારીઓનો બેઝિક પગાર અને પેન્શન ચોક્કસપણે બમણું થઈ જશે. પરંતુ મોંઘવારી ભથ્થું (DA) અને અન્ય ભથ્થાઓનું રી-કેલ્ક્યુલેશન થવાને કારણે ટેક-હોમ ગ્રોસ સેલેરી બમણી નહીં થાય. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, 2.0 ફિટમેન્ટ ફેક્ટરના આધારે કુલ પગારમાં આશરે 31% સુધીનો ચોખ્ખો વધારો થઈ શકે છે.

ઉદાહરણ દ્વારા સમજો પગારનું ગણિત:

ધારો કે હાલમાં કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹25,500 છે. 60% મોંઘવારી ભથ્થું (DA) અને 24% HRA ઉમેરીને તેમનો કુલ પગાર ₹48,450 થાય છે. જો 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય, તો તેમનો નવો બેઝિક પગાર વધીને ₹51,000 થઈ જશે, જ્યારે તમામ ભથ્થાઓના નવા માળખા સાથે તેમનો અંદાજિત કુલ પગાર ₹63,240 ની આસપાસ પહોંચશે.