8મું પગાર પંચ: ચંદીગઢમાં મહત્વપૂર્ણ બેઠક સંપન્ન; 3.5 ફિટમેન્ટ ફેક્ટર, વર્ષમાં 4 વાર DA વધારા સહિતની ઉઠાઈ માંગણીઓ

આ સમગ્ર બેઠકમાં ‘ફિટમેન્ટ ફેક્ટર’ (Fitment Factor) કેન્દ્રસ્થાને રહ્યું હતું. કર્મચારી અને પેન્શનર સંગઠનો સતત ઊંચા ફિટમેન્ટ ફેક્ટર માટે દબાણ બનાવી રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 19 Sep 2026 12:53 PM (IST)Updated: Sat, 19 Sep 2026 12:53 PM (IST)
8th-pay-commission-chandigarh-meeting-concludes-3-point-5-fitment-factor-da-hike-demand
8મા પગાર પંચ અપડેટ

8th Pay Commission Update: કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે અતિ મહત્વના ગણાતા 8મા પગાર પંચ (8th Pay Commission) સંદર્ભે ચંદીગઢ ખાતે યોજાયેલી બેઠક ગઈકાલે 18 સપ્ટેમ્બરે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. 16 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય સમીક્ષા બેઠકમાં કર્મચારી સંગઠનો અને પંચ વચ્ચે પગાર સુધારણા, મોંઘવારી ભથ્થું (DA), ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય સેવાકીય લાભો અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. ચંદીગઢની બેઠક બાદ હવે આગામી બેઠક બેંગલુરુ ખાતે યોજાનાર છે, જેમાં દક્ષિણ ભારતના કર્મચારી મંડળો પોતાની રજૂઆતો કરશે.

ફિટમેન્ટ ફેક્ટર 3.5 કરવાની માંગ: પગારમાં થશે મસમોટો ઉછાળો

આ સમગ્ર બેઠકમાં ‘ફિટમેન્ટ ફેક્ટર’ (Fitment Factor) કેન્દ્રસ્થાને રહ્યું હતું. કર્મચારી અને પેન્શનર સંગઠનો સતત ઊંચા ફિટમેન્ટ ફેક્ટર માટે દબાણ બનાવી રહ્યા છે.

જો પંચ દ્વારા 2.75 ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરવામાં આવે, તો કર્મચારીઓનો ન્યૂનતમ મૂળભૂત પગાર (Basic Salary) હાલના 18,000 થી વધીને 49,500 થઈ જશે.

પરંતુ જો સંગઠનોની માંગણી મુજબ 3.5 ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારાય, તો મૂળભૂત પગાર સીધો 63,000 ના ઉચ્ચ સ્તરે પહોંચશે. એટલે કે બેઝિક સેલરીમાં જ સીધો 13,500 નો માતબર તફાવત આવે છે.

નોંધનીય છે કે 6ઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 અને 7મા પગાર પંચમાં 2.57 નક્કી કરવામાં આવ્યું હતું. આથી આ વખતે કર્મચારીઓ મોટી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.

DA માં વર્ષમાં 4 વખત વધારા અને વિલીનીકરણની માંગણી

મોંઘવારી ભથ્થા (DA) ની ગણતરી અંગે પણ નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) દ્વારા મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરાયા છે:

  • 1) 6 મહિનાની સરેરાશ: DA ની ગણતરી માટે હાલની 12 મહિનાની પ્રાઇસ ઇન્ડેક્સ સરેરાશને બદલે 6 મહિનાની સરેરાશ ધ્યાને લેવાય.
  • 2) વર્ષમાં 4 વખત સુધારો: હાલમાં વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈ) DA વધારવામાં આવે છે, તેને બદલે દર ત્રણ મહિને એટલે કે વર્ષમાં 4 વાર સુધારો કરવાની માંગ કરાઈ છે.
  • 3) મૂળભૂત પગારમાં મર્જર: જ્યારે DA 25 ટકાના સ્તરે પહોંચે, ત્યારે તેને મૂળભૂત પગાર સાથે મર્જ કરી દેવાની પણ વિનંતી કરવામાં આવી છે.

કૌટુંબિક એકમ 3 થી વધારીને 5 કરવા અને HRA સુધારાની રજૂઆત

કર્મચારી સંગઠનોએ દલીલ કરી છે કે હાલના નિયમો મુજબ કૌટુંબિક એકમમાં 3 સભ્યો ગણવામાં આવે છે, પરંતુ કર્મચારીઓ પર તેમના વૃદ્ધ માતા-પિતાની પણ જવાબદારી હોવાથી પરિવાર એકમની સંખ્યા 5 ગણવામાં આવે.

આ ઉપરાંત, દર 10 વર્ષના બદલે દર 5 વર્ષે 'સિલેક્શન પે સ્કેલ' અમલી બનાવવાની અને એન્ટ્રી-લેવલના કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં નોંધપાત્ર વધારો કરવાની કડક માંગ કરવામાં આવી છે. આ બેઠકના નિર્ણયો ભવિષ્યમાં સરકારી કર્મચારીઓના આર્થિક માળખા પર મોટી અસર છોડશે.