જીવનના દરેક તબક્કે નાણાકીય સુરક્ષા અને લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે યોગ્ય ફાઇનાન્સિયલ પ્લાનિંગ (નાણાકીય આયોજન) અત્યંત જરૂરી છે. મોટાભાગના લોકો ઘર ખરીદવું, બાળકોનું શિક્ષણ, સંપત્તિનું સર્જન કરવું કે નિવૃત્તિ (રીટાયરમેન્ટ) જેવા મોટા પ્રસંગો આવે ત્યારે જ નાણાકીય આયોજન વિશે વિચારતા હોય છે. પરંતુ વાસ્તવમાં ફાઇનાન્સિયલ પ્લાનિંગ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે જીવનના દરેક તબક્કે બદલાતી રહે છે.
એફપીએસબી ઇન્ડિયા (FPSB India) ના સીઇઓ રમેશ વિશ્વનાથનના જણાવ્યા અનુસાર, લોકો દરરોજ બચત, રોકાણ અને ખર્ચના નિર્ણયો લેતા હોય છે, પરંતુ એક વ્યાપક અને માળખાકીય યોજના વગર લેવાયેલા નિર્ણયો ભવિષ્યના મોટા લક્ષ્યો પૂર્ણ કરી શકતા નથી. વર્લ્ડ ફાઇનાન્સિયલ પ્લાનિંગ ડે પૂર્વે તેમણે નાણાકીય આયોજનમાં વિલંબ કરાવતી 5 મુખ્ય ગેરમાન્યતાઓ અને તેના સત્ય વિશે વિગતવાર માહિતી આપી છે:
આ પણ વાંચો
1). ગેરમાન્યતા: ફાઇનાન્સિયલ પ્લાનિંગ માત્ર ધનિકો માટે જ છે
ઘણા લોકો એવું માને છે કે જેમની પાસે પુષ્કળ સંપત્તિ હોય તેમને જ નાણાકીય આયોજનની જરૂર હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ફાઇનાન્સિયલ પ્લાનિંગ એ કોઈપણ વ્યક્તિની વર્તમાન આવક કે સંપત્તિ ધ્યાને લીધા વિના, તેના ભવિષ્યના લક્ષ્યો, જવાબદારીઓ અને જરૂરિયાતોને આધારે સચોટ નિર્ણયો લેવાની એક પ્રક્રિયા છે.
2). ગેરમાન્યતા: નાણાકીય આયોજન પછીથી પણ થઈ શકે છે
લોકો એવું વિચારીને ફાઇનાન્સિયલ પ્લાનિંગ ટાળતા હોય છે કે જ્યારે આવક કે જવાબદારીઓ વધશે ત્યારે આયોજન શરૂ કરીશું. FPSB ની ગ્લોબલ કન્ઝ્યુમર રિસર્ચ અનુસાર, 16% લોકો મોટી વયે આયોજન શરૂ કરવાનું વિચારે છે, જ્યારે 13% લોકો આ પ્રક્રિયા ટાળતા રહે છે અથવા શરૂ કરવામાં મુશ્કેલી અનુભવે છે. વહેલી શરૂઆત કરવાથી નિવૃત્તિ જેવા લાંબા ગાળાના લક્ષ્યો માટે યોગ્ય સમય મળે છે અને જરૂરી સુધારા કરી શકાય છે.
3). ગેરમાન્યતા: ફાઇનાન્સિયલ પ્લાનિંગ એટલે માત્ર રોકાણ
મોટાભાગના લોકો નાણાકીય આયોજનને માત્ર મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં રોકાણ સાથે જોડે છે. પરંતુ આયોજનમાં કેશ ફ્લો મેનેજમેન્ટ, બચત, ભવિષ્યના જોખમો સામે રક્ષણ અને નિવૃત્તિ આયોજન પણ સામેલ છે. રિસર્ચ મુજબ, ફાઇનાન્સિયલ પ્લાનર્સ 36% રિટાયરમેન્ટ પ્લાનિંગમાં, 35% સંપત્તિ વૃદ્ધિમાં, 25% કેશ ફ્લો મેનેજમેન્ટમાં અને 23% લક્ષ્યો નક્કી કરવા તથા ટ્રેક કરવામાં મદદ કરે છે.
4. ગેરમાન્યતા: હું મારૂં નાણાકીય સંચાલન પોતે જાતે જ કરી શકું છું
ઈન્ટરનેટ અને ડિજિટલ ટૂલ્સના કારણે ઘણા લોકો પોતાની નાણાકીય બાબતો જાતે સંભાળે છે. રિસર્ચ મુજબ 24% ગ્રાહકો પોતાની નાણાકીય બાબતો જાતે જ મેનેજ કરવાનું પસંદ કરે છે. પરંતુ તમામ નાણાકીય નિર્ણયો, બચત, ઇન્સ્યોરન્સ અને ભવિષ્યની સમાન જવાબદારીઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે તેનું સમગ્ર ચિત્ર પ્રોફેશનલ પ્લાનિંગ વગર સ્પષ્ટ થતું નથી.
5). ગેરમાન્યતા: પ્રોફેશનલ ફાઇનાન્સિયલ એડવાઇઝ ખૂબ મોંઘી હોય છે
રિસર્ચ દર્શાવે છે કે 30% લોકો એવું માને છે કે પ્રોફેશનલ નાણાકીય સલાહ ખૂબ મોંઘી હોય છે, જ્યારે 22% લોકો માને છે કે તેમની નાણાકીય સ્થિતિ એટલી મોટી નથી કે સલાહકારની જરૂર પડે. વાસ્તવમાં, CFP (સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર) જેવા નિષ્ણાતો વ્યક્તિના લક્ષ્યો અનુસાર યોગ્ય માળખું પૂરું પાડે છે, જે નાણાકીય બહેતરી અને નિર્ણય લેવામાં આત્મવિશ્વાસ આપે છે.
રમેશ વિશ્વનાથનના જણાવ્યા મુજબ, નાણાકીય સુરક્ષા અને બહેતર ભવિષ્ય તરફનું પ્રથમ પગલું પૈસા પ્રત્યેના દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવાનું છે. વર્લ્ડ ફાઇનાન્સિયલ પ્લાનિંગ ડે આપણને આપણા નાણાકીય નિર્ણયોનું પુનરાવલોકન કરવાની અને સચોટ આયોજન તરફ આગળ વધવાની ઉત્તમ તક આપે છે.
(લેખક: રમેશ વિશ્વનાથન, CEO, FPSB India)
નોંધ: આ ન્યૂઝ તમારી જાણકારી માટે છે, ગુજરાતી જાગરણ રોકાણની સલાહ આપતું નથી. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી.
