October 1 Rule Changes: ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે જ તહેવારોની મોસમ પણ પ્રારંભ થઈ રહી છે. જોકે, આ નવા મહિનાની પહેલી તારીખથી દેશમાં નાણાકીય વ્યવહારો અને બેંકિંગ ક્ષેત્રે કેટલાંક અત્યંત મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવી રહ્યા છે. આ નવા નિયમોની સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા અને દૈનિક બજેટ પર પડી શકે છે. તહેવારોની ઉજવણી વચ્ચે કોઈપણ પ્રકારની અગવડતાથી બચવા માટે LPG સબસિડી, UPI પેમેન્ટ્સ, SBI ATM, ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સંબંધિત આ 5 મોટા ફેરફારો જાણી લેવા અત્યંત જરૂરી છે.
1) SBI સેલરી એકાઉન્ટ ધારકો માટે ATM નિયમોમાં ફેરફાર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના સેલરી એકાઉન્ટ ધારકો માટે 1 ઓક્ટોબરથી અન્ય બેંકોના ATM નો ઉપયોગ કરવાના મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડી દેવામાં આવી છે. હવે ગ્રાહકો અન્ય બેંકોના ATM નો ઉપયોગ માત્ર 5 વખત જ મફતમાં કરી શકશે, જે મર્યાદા અગાઉ 10 વખતની હતી. આ મર્યાદા પૂર્ણ થયા બાદ નિર્ધારિત ચાર્જ ચૂકવવો પડશે. ખાસ નોંધનીય છે કે આ નિયમમાં માત્ર રોકડ ઉપાડ જ નહીં, પરંતુ બેલેન્સ ચકાસણી અને મિની-સ્ટેટમેન્ટ જેવી સેવાઓનો પણ સમાવેશ થાય છે. જોકે, SBI ATM પર અગાઉની જેમ જ અમર્યાદિત મફત વ્યવહારો ચાલુ રહેશે.
2) LPG સબસિડી માટે આધાર e-KYC ફરજિયાત
LPG ગ્રાહકો માટે 1 ઓક્ટોબરથી સબસિડીનો લાભ મેળવવા માટે આધાર બાયોમેટ્રિક વેરિફિકેશન (e-KYC) કરાવવું ફરજિયાત બનશે. સમયસર વેરિફિકેશન પૂર્ણ ન કરનાર ગ્રાહકોને સબસિડીવાળું 14.2 કિગ્રાનું સિલિન્ડર મળતું બંધ થઈ જશે અને તેમણે બજાર કિંમતે બિન-સબસિડીવાળા સિલિન્ડર ખરીદવા પડશે. આ પગલું બોગસ કનેક્શન્સ પર રોક લગાવવા માટે લેવાયું છે.
3) UPI પેમેન્ટ્સ પર MDR ચાર્જ
15 ઓક્ટોબરથી 2,000 થી વધુના UPI પેમેન્ટ્સ પર 0.4% નો MDR લાગુ કરવામાં આવશે. આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે નહીં, પરંતુ વેપારીઓ પર લાદવામાં આવશે. નાના વેપારીઓને રાહત આપતા 1 લાખ સુધીના વ્યવહારો પર MDRમાંથી મુક્તિ અપાઈ છે.
4) FD ના વ્યાજ દરોમાં પારદર્શિતા
RBI ના નવા નિર્દેશો અનુસાર, બેંકોએ દરેક કામકાજના દિવસે સવારે 10:00 વાગ્યા સુધીમાં બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ માટેના વ્યાજ દરો ઓનલાઇન જાહેર કરવા પડશે. વધુમાં, એક જ તારીખે જમા કરાતી સમાન રકમની FD પર વ્યાજ દરો પણ એકસમાન રાખવાના રહેશે.
5) NPS ખાતું ખોલવા માટે નવી જોડાણ ફી
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને NPS લાઇટ હેઠળ 'પોઈન્ટ ઓફ પ્રેઝન્સ' (PoP) દ્વારા જોડાતા નવા ગ્રાહકોએ દરેક PRAN (પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર) દીઠ 200 ની નવી જોડાણ ફી ચૂકવવાની રહેશે.
