Petrol-Diesel Price: ઈરાન યુદ્ધને લીધે વૈશ્વિક બજારોમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં જે અસાધારણ અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે તેને પગલે પડોશી દેશ પાકિસ્તાનમાં ઈંધણને લઈ મોટું સંકટ જોવા મળી રહ્યું છે. સરકારે ઈંધણ પર મળતી બેંકેટ સબસિડીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયને પગલે દેશમાં પેટ્રોલ તથા હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ની કિંમતમાં અસાધારણ વધારો થતો જોવા મળ્યો છે.
શાહબાજ સરકારે પેટ્રોલની કિંમતમાં આશરે 43 ટકા અને ડીઝલની કિંમતમાં 55 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ પાકિસ્તાનમાં પેટ્રોલની પ્રતિ લીટર કિંમત રૂપિયા 137.23 વધીને રૂપિયા 458.41 થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિમત પ્રતી લીટર રૂપિયા 184.49 વધી રૂપિયા 520.35 થઈ ગઈ છે.
આ ઉપરાંત પાકિસ્તાનમાં કેરોસીનની કિંમત પણ રૂપિયા 34.006 વધારો કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારીની સ્થિતિ વચ્ચે ગરીબ અને મધ્યમવર્ગની સંપત્તિમાં ઝડપભેર ધોવાણ થઈ રહ્યું છે. દેશમાં અનેક ભાગોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને લોકો માર્ગો પર ઉતરી રહ્યા છે.
ઈંધણના ભાવમાં કમરતોડ વધારો થતા પાકિસ્તાનમાં હવે પરિવહન સેવા સહિત લગભગ તમામ સેક્ટરમાં ભીષણ મોંઘવારીનું સંકટ તોળાઈ રહ્યું છે.
સબસિડીને લઈ મોટા ફેરફાર કરતાં સરકારે તેમને લક્ષ્યાંકિત ગ્રાહકો સુધી મર્યાદિત રાખવાનો નિર્ણય લીધો છે. આમાં ટુ-વ્હીલર સવારો માટે પ્રતિ લિટર રૂપિયા 100 (દર મહિને 20 લિટર સુધી), નાના ખેડૂતો માટે પ્રતિ એકર રૂપિયા 1,500 ની સહાય અને પરિવહન ક્ષેત્ર માટે રાહત પેકેજનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ખાદ્ય પુરવઠામાં રોકાયેલા ટ્રકોને દર મહિને રૂપિયા 70,000 સુધી, મોટા વાહનોને ₹80,000 અને જાહેર પરિવહનને રૂપિયા 1 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેથી ભાડામાં અતિશય વધારો અટકાવી શકાય.
