Ola Electric Shares Crash: અગ્રણી કંપની ઓલા ઈલેક્ટ્રીક (Ola Electric)એ ગુરુવારે શેરબજારમાં કામકાજ બંધ રહ્યા બાદ માર્ચ 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યાં હતા, જેમાં કંપનીનું નુકસાન રૂપિયા 416 કરોડથી વધી રૂપિયા 870 કરોડ થયું છે.
કંપનીના નબળા પરિણામોની આજે શેરબજારમાં તેના શેર પર પ્રતિકૂળ અસર જોવા મળતી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે શેરનો ભાવ રૂપિયા 2.27 એટલે કે 4.26 ટકા ગગડી રૂપિયા 50.97 રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં શેરનો ભાવ એક તબક્કે ગગડીને રૂપિયા 50થી નીચે રૂપિયા 48.07 બોલાયો હતો.
નાણાકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીનો EBITDA ખોટ ઘટીને રૂપિયા 695 કરોડ થયેલ છે, જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં રૂપિયા 312 કરોડ હતો. બીજી બાજુ ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAએ ઓલા ઈલેક્ટ્રિકનું રેટિંગ A2થી ઘટાડી BBB+ કર્યું છે, જ્યારે નેગેટિવ આઉટલુક યથાવત રાખ્યું છે.