Nestle India Stock: મેગી નૂડલ્સ-કીટકેટની ઉત્પાદક નેસ્લે ઈન્ડિયાનો નફો 13 ટકા ઘટતા શેરની કિંમતમાં આવ્યો 5 ટકાનો કડાકો

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે નેસ્લે ઈન્ડિયાના શેરનો ભાવ રૂપિયા 136.50 એટલે કે 5.57 ટકાના કડાકા સાથે રૂપિયા 2,316 રહ્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 24 Jul 2025 05:42 PM (IST)Updated: Thu, 24 Jul 2025 05:42 PM (IST)
nestle-india-shares-cracked-over-5-percent-afte-company-profit-dips-13-percent-in-june-quarter
HIGHLIGHTS
  • કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના નબળા પરિણામો રજૂ કરતાં શેરની કિંમત પર અસર જોવા મળી
  • સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13.4 ટકા ઘટી રૂપિયા 647 કરોડ રહ્યો છે

Nestle India Stock: મેગી નૂડલ્સ અને કીટકેટ(Maggi Noodles-Kitkat)ની ઉત્પાદક કંપની નેસ્લે ઈન્ડિયાના શેરોમાં ગુરુવારે મોટો કડાકો બોલાઈ ગયો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ખાતે નેસ્લે ઈન્ડિયાના શેરનો ભાવ રૂપિયા 136.50 એટલે કે 5.57 ટકાના કડાકા સાથે રૂપિયા 2,316 રહ્યો હતો. કંપનીએ પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના નબળા પરિણામો રજૂ કરતાં તેના શેરની કિંમત પર અસર જોવા મળી હતી.

નેસ્લે ઈન્ડિયાનો સમીક્ષા હેઠળના ગાળામાં સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13.4 ટકા ઘટી રૂપિયા 647 કરોડ રહ્યો છે, જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં રૂપિયા 747 કરોડ હતો. અલબત પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આવક 6 ટકા વધીને રૂપિયા 5096 કરોડ થઈ છે.

જ્યારે ડોમેસ્ટીક સેલ્સ 5.5 ટકા ગ્રોથ સાથે રૂપિયા 4860 કરોડ રહ્યું છે. એક વર્ષ અગાઉ વેચાણનું આ પ્રમાણ રૂપિયા 4608 કરોડ હતું. નિકાસ વેચાણ પણ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂપિયા 214 કરોડ રહ્યું છે, જે વાર્ષિક ધોરણે 16 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેસ્લે ઈન્ડિયાએ તેના શેરોનું વિભાજન કર્યું છે. એટલે કે કંપનીએ રૂપિયા 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેરને રૂપિયા એકમાં વિભાજીત કરેલ છે.