Milk Price Hike News:દેશમાં અનેક ડેરીઓ દ્વારા દૂધ અને તેની સાથે સંકળાયેલ પ્રોડક્ટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેને લીધે ખાદ્ય ચીજવસ્તુઓ વધુ મોંઘી થઈ રહી છે. સામાન્ય રીતે દૂધ અને તેની સાથે સંકળાયેલ ઉત્પાદનોમાં વધારો થવાથી ખાદ્ય ચીજવસ્તુ સાથે સંકળાયેલ ફુગાવામાં નોંધપાત્ર વધારો થાય છે અને લોકો માટે આર્થિક મોરચે મોટી તકલીફ સર્જાય છે. તાજેતરમાં ગુજરાતમાં અમૂલ ડેરી સહિત અનેક ડેરીએ દૂધની કિંમતોમાં પ્રતી લીટર રૂપિયા 2 વધારો કર્યો હતો. જોકે દૂધમાં વિવિધ પ્રોડક્ટ્સને લઈ એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં એટલે કે આઠ મહિનાના ગાળામાં મિલ્ક પ્રોડક્ટ્સમાં વધારો કર્યો છે.
પ્રતિ લીટર દૂધમાં રૂપિયા આઠ વધારો
આ પણ વાંચો
આ દરમિયાન ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણ એકંદરે છેલ્લા આઠ મહિનામાં પ્રતિ લીટર દૂધમાં રૂપિયા આઠ જેટલો વધારો થયો છે. અલ-નિનોની અસરને લીધે દેશમાં ચોમાસું નબળુ છે અને તેને લીધે પશુ આહાર, ઘાસચારો, પ્રોસેસિંગ તથા લોજિસ્ટીક્સને લગતા ખર્ચમાં નોંઘપાત્ર વધારો થવાને લીધે દૂધની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દૂધની સાથે સાથે છાસ, ઘી, દહીં, માખણ તથા અન્ય ડેરી પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો થયો છે.
રૂપિયા 42.8 પ્રતિ લીટરથી વધીને રૂપિયા 59 પ્રતિ લીટર
સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ની આંકડાકીય માહિતી પ્રમાણે છેલ્લા સાત વર્ષમાં દૂધન સરેરાશ કિંમત રૂપિયા 42.8 પ્રતિ લીટરથી વધીને રૂપિયા 59 પ્રતિ લીટર પહોંચી ગઈ છે. એટલે કે છેલ્લા 7 વર્ષમાં દૂધની કિમતોમાં સરેરાશ ભાવમાં 4.7 ટકાનો ઉછાળો આવ્યો છે અને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન દૂધની કિંમતો વધીને પ્રતિ લીટર 60 પાર થઈ ગઈ છે.
વ્યક્તિદીઠ દૂધની ઉપલબ્ધતા 485 ગ્રામથી વધી 498 ગ્રામ પહોંચી
બીજીબાજુ સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે વ્યક્તિદીઠ દૂધની ઉપલબ્ધતા 485 ગ્રામથી વધી 498 ગ્રામ પહોંચી ગઈ છે. જે એકંદરે દૂધ વપરાશની સાથે સાથે ઉત્પાદનમાં થઈ રહેલી વૃદ્ધિને પણ દર્શાવે છે.
