Reliance Industries Q1 Results:દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના વડપણ હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)એ નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)ના પરિણામો જાહેર કર્યાં છે. કંપનીનો કરવેરા બાદનો નફો પ્રથમ ત્રિમાસિક ગાળામાં 22.40 ટકા ઘટી રૂપિયા 20,946 કરોડ થયો છે. એક વર્ષ અગાઉ કંપનીનો કરવેરા બાદનો નફો રૂપિયા 26,994 કરોડ હતો.
નાણાકીય વર્ષ 2027ની મજબૂત શરૂઆતઃ મુકેશ અંબાણી
પરિણામો અંગે વાત કરતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે નાણાકીય વર્ષ 2027ની શરૂઆત મજબૂત રીતે કરી છે અને તમામ બિઝનેસ સેગમેન્ટમાં મજબૂત ઓપરેટિંગ પર્ફોમન્સ રજૂ કર્યું છે. અમારા વિવિધ બિઝનેસ પોર્ટફોલિયોએ ફરી એક વખત મુશ્કેલ પરિસ્થિતિમાં મજબૂતી દર્શાવી છે.
કૂલ આવક વાર્ષિક આધાર પર 19.90 ટકા વધી રૂપિયા 3.16 ટ્રિલિયન થઈ છે. જોકે, અન્ય આવક 70.6 ટકા ઘટી રૂપિયા 15,119 કરોડથી રૂપિયા 4,447 કરોડ રહી છે. ગયા વર્ષના આંકડામાં લિસ્ટેડ ઈન્વેસ્ટમેન્ટના વેચાણથી મળેલી રૂપિયા 8,924 કરોડની રકમનો સમાવેશ થતો હતો.
Jio ની આવકમાં ઉછાળો
JIO Platforms ખૂબ ઝડપથી ઉભરી રહેલા બિઝનેસ તરીકે રહ્યું છે. જિયોની આવક 12 ટકા વધી રૂપિયા 45,961 કરોડ થઈ છે. ડિજિટલ સર્વિસથી થતી આવક એક વર્ષ અગાઉની તુલનામાં 20 ટકા વધી છે, જે કોર કનેક્ટિવિટી બિઝનેસના ગ્રોથથી વધારે હતી. એવું ક્લાઉડ કોમ્પ્યુટીંગ, કન્ટેન્ટ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને મેનેજ્ડ સર્વિસની વધતી માંગને લીધે થયું છે. Jio Platformsનો EBITDA 15 ટકા વધી રૂપિયા 20,865 કરોડ થયો અને માર્જીન વધીને 53.30 ટકા થયું છે.
કંપની પાસે હવે 533 મિલિયનથી વધારે ગ્રાહક છે, જેમાંથી 285 મિલિયન Jio True5G યુઝર્સ છે. યુઝર્સ દીઠ આવક એટલે કે ARPU વધીને રૂપિયા 215.60 થઈ છે. મુકેશ અંબાણીએ સંકેત આપ્યા છે કે જિયો પ્લેટફોર્મ્સે SEBI પાસે પોતાના DRHP દાખલ કરી દીધુ છે, જે તેના આગામી IPOની દિશામાં એક મોટું પગલું છે.
- ત્રિમાસિક ગાળામાં આવક રૂપિયા 45,961 કરોડ, વાર્ષિક ધોરણે 12.0 ટકાથી વધી
- રિકોર્ડ ત્રિમાસિક EBITDA રૂપિયા 20,865 કરોડ, જે વાર્ષિક ધોરણે 15.1 ટકા વધારે
- EBITDA માર્જીન 53.3 ટકાના રેકોર્ડ સ્તર પર, વાર્ષિક આધારે 150 bps વધારે
- ટેક્સ બાદનો નફો 9.2 ટકા વધી રૂપિયા 7,764 કરોડ થયો.
- નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યક્તિ દીઠ ડેટાનો વપરાશ 43.7 GB/મહિના અને કૂલ ડેટા ટ્રાફિકમાં 26.9 ટકા વર્ષિક વૃદ્ધિ થઈ છે.
