Corporates Reaction on Budget, Budget 2025: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે વર્ષ 2025-26 માટે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. કૃષિ, ઉદ્યોગ, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સ સંબંધિત સુધારા અંગે તમામ મુદ્દાને આવરી અર્થતંત્રને વેગ આપવાની દિશામાં સર્વગ્રાહી પગલાંની જાહેરાત કરી હતી. દરમિયાન ઉદ્યોગ જગતના દિગ્ગજો તરફથી બજેટ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
તપન રે, ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ (Tapan Ray, MD And Group CEO-GIFT City)
કેન્દ્રીય બજેટ 2025 ગિફ્ટ સિટી IFSCએ ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવા માટેની સરકારની કટીબદ્ધતાને મજબૂતાઇથી દર્શાવે છે. સૂચિત કરવેરા પ્રોત્સાહનો અને નિયમનકારી સરળતાઓ વૈશ્વિક રોકાણકારો, ફંડ મેનેજર્સ અને વ્યવસાયોને આકર્ષશે, જેનાથી ભારતની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ મજબૂત બનશે.
આ પગલાંથી ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય ક્ષેત્રે સ્પર્ધાત્મક અને વ્યવસાયો માટેના અનુકૂળ સ્થળ બનવા માટે સજ્જ છે. તે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીઝ ક્ષેત્રમાં ભારતના વિકાસને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
જીપી હિંદુજા,ચેરમેન-હિંદુજા ગ્રુપ (GP Hinduja,Chairman-Hinduja Group)
વિકસિત ભારત તરફના માર્ગે આગળ વધવા માંગને પુનઃજીવિત કરવા માટે વપરાશને વેગ આપવા ઉપરાંત નાણાંકીય રીતે જવાબદાર રહે છે. વપરાશમાં વધારો કરવા અને તેના પગલે માંગને પુનઃજીવિત કરવા માટે એક દાયકા પછી મધ્યમ વર્ગને મહત્વપૂર્ણ કરવેરા રાહતો મળી છે ત્યારે આ પગલાં સાથે નાણાંપ્રધાને બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે.
4.4 ટકાની નાણાંકીય ખાધનો લક્ષ્યાંક રાખીને નાણાંકીય રીતે જવાબદાર રહીને તેમણે આ પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. માનવ-કેન્દ્રિત ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જેનાથી રોજગારી ઊભી થશે. ઇન્શ્યોરન્સમાં 100 ટકાની સીધા વિદેશી રોકાણની મર્યાદા અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ સહિત રિન્યૂએબલ્સ પર વિશેષ ધ્યાન સ્પષ્ટપણે હકારાત્મક છે.
સંજય સિંગલ, સીઈઓ વાઘ બકરી ટી ગ્રુપના સીઈઓ(Sanjay Singal, CEO-Wagh Bakri Tea Group)
નાણામંત્રીએ રાજકોષીય સમજદારી અને આર્થિક પ્રોત્સાહન વચ્ચે સારું સંતુલન સ્થાપિત કર્યું છે. કરમુક્ત આવક મર્યાદા રૂપિયા 12 લાખ સુધી વધારવાથી લોકોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. આ પગલાથી FMCG અને વિવિધ ક્ષેત્રોમાં માંગ વધશે અને ભારતીય અર્થતંત્રને વેગ મળશે તેવી અપેક્ષા છે.
બજેટમાં કૃષિ ક્ષેત્ર પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે,જેમાં ખેડૂતોની કમાણી વધારવા માટે કૃષિ ઉત્પાદન,પાક વૈવિધ્યકરણ સહિતના પગલાં લેવામાં આવ્યા છે. MSME ને ટેકો આપવા,નિકાસ વધારવા અને બોજ ઘટાડીને સરળ વ્યવસાય માટે જાહેર કરાયેલા અનેક પગલાં ‘મેક ઇન ઇન્ડિયા’ને આગળ વધારવામાં મદદ કરશે.
આશિષકુમાર ચૌહાણ,એમડી અને સીઈઓ-એનએસઈ(Ashishkumar Chauhan,MD And CEO NSE)
આ બજેટ મજબૂત વિકાસલક્ષી પગલાં, સતત રાજકોષીય સમજદારી, વધુ મૂડી ખર્ચ અને ઓછા કરવેરા ભારણ સાથે ભારતની વિકાસની ગતિ પર આધારિત છે. વપરાશી આવકમાં વધારાથી વપરાશમાં વધારો થશે અને તેનાથી વિવિધ બજારો થકી ભારતીય પરિવારો માટે સંપત્તિ સર્જનની તકો પૂરી પાડશે. વધુને વધુ લોકો હાલના 11 કરોડના યુનિક ઇન્વેસ્ટર્સના ગ્રુપમાં જોડાશે અને ભારતની વિકાસની સફરના હિસ્સેદારો તથા લાભાર્થીઓ બનશે જેનાથી આર્થિક વૃદ્ધિ, મૂડી સર્જન અને નોકરીઓ ઊભી થવાના દેખીતા ચક્રને ટેકો મળશે.
રોજગારી, શિક્ષણ, હેલ્થકેર, મહિલા સશક્તિકરણ પર સામાજિક કલ્યાણના વિવિધ પગલાં તેમજ યુવાનો, ખેડૂતો, એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સને ખાસ ટેકો પૂરો પાડીને આ બજેટ ભારતના સૌથી મહત્વના સંસાધન એવા તેના લોકો પર કેન્દ્રિત છે.
ગીરીશ તંતી, વાઈસ ચેરમેન-સુઝલોન,(Girish Tanti,Vice Chairman-Suzlon)
સરકારી બજેટ ભારતના મહત્વાકાંક્ષી ઉર્જા લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું લાગે છે. ક્લિન ટેકનોલોજી, પવન, સૌર, EV અને બેટરી સ્ટોરેજ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉત્પાદન અને કૃષિમાં આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવીને બજેટ પવન અને સૌર ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને વેગ આપવાનો હેતુ ધરાવે છે.
તમામ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો માટે રાષ્ટ્રીય ઉત્પાદન મિશનનો લક્ષિત સમર્થન એક સ્વાગતપાત્ર પગલું છે. કારણ કે તે સમાન ક્ષેત્ર અને મહત્વાકાંક્ષી ઉર્જા લક્ષ્યો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. અપેક્ષિત પરિણામો આશાસ્પદ છે: 500 GW લક્ષ્યને વટાવીને અને લગભગ 3 મિલિયન ગ્રીન રોજગારીનું સર્જન કરવા જઈ રહેલ છે.
આ ઉપરાંત વીજળી વિતરણ ક્ષેત્રમાં સુધારા અને આંતર-રાજ્ય ટ્રાન્સમિશન અપગ્રેડ માટે પ્રોત્સાહનો પાવર કંપનીઓના નાણાકીય સ્વાસ્થ્યમાં સુધારો કરશે અને નવીનીકરણીય ઉર્જાઓના વધુ સારા ગ્રીડ એકીકરણને સક્ષમ બનાવશે. આ વ્યાપક અભિગમનો ભારતના અર્થતંત્ર અને વસ્તી પર સકારાત્મક પ્રભાવ પડવો જોઈએ.
અનિલ અગ્રવાલ, ચેરમેન-વેદાંતા લિમિટેડ (Anil Agarwal, Chairman-Vedanta Limited)
આ બજેટે યોગ્ય દિશામાં પગલાં ભર્યાં છે, જેમાં મધ્યમવર્ગને ખૂબજ મોટી રાહત આપવામાં આવી છે, જેમાં રૂપિયા 12 લાખ સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરાઇ છે. આ મધ્યમવર્ગ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. તેમાં રૂપિયા 24 લાખ સુધીની આવક ઉપર પણ કરબોજમાં ઘણાં અંશે ઘટાડો કરાયો છે. આપણે વિશ્વ-સ્તરીય કર પ્રણાલી તરફ નિર્ણાયક પગલું ભર્યું છે, જે સરળ, પારદર્શક અને કરદાતાઓ માટે મૈત્રીપૂર્ણ હશે. કર સુધારાની અસરો અર્થતંત્રના બીજા હિસ્સાઓ ઉપર પણ જોવા મળશે, જેમાં વિશ્વાસ અને સેલ્ફ-સર્ટિફિકેશન મુખ્ય રહેશે.
તેનાથી ઉત્પાદન અને ખાણકામને ખૂબ જ મોટો પ્રોત્સાહન મળશે.મને ખુશી છે કે આગામી પાંચ વર્ષમાં પરિવર્તનકારી સુધારા માટે ઓળખાયેલા 6 ડોમેનમાં માઇનિંગ પણ છે.માઇનિંગની સાથે-સાથે કૃષિ પણ પ્રાથમિકતા છે, જેમાં ખાદ્ય તેલ જેવાં ક્ષેત્રોમાં આત્મ-નિર્ભરતા હાંસલ કરવાનું લક્ષ્ય વિશેષ છે.
માઇનિંગ, કૃષિ, ઉત્પાદન (ઈલેક્ટ્રોનિક્સ સહિત, જે સરકાર માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે) આ બધા ક્ષેત્રો સ્થાનિક ઉત્પાદન વધારવા, આયાત ઘટાડવા અને ભારતમાં લાખો સારી નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરી શકે છે. હું પ્રધાનમંત્રી અને નાણાંમંત્રીને એક દૂરંદેશી બજેટ માટે અભિનંદન આપું છું જેમણે મજબૂત વપરાશ વૃદ્ધિ અને ઝડપી રોકાણની સંપૂર્ણ જુગલબંધીને પ્રોત્સાહન આપ્યું છે - જે #ViksitBharat ની ચાવી છે.
પ્રિયમ પટેલ, એનકે પ્રોટિન્સ પ્રા.લિ.-એમડી(Priyam Patel, MD-NK Proteins Pvt.Ltd)
નેશનલ મિશન ફોર એડિબલ ઓઇલસીડ્સ દ્વારા ખાદ્યતેલોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકારના નિરંતર પ્રયાસો ભારતની આયાત પરની નિર્ભરતાને ઘટાડવા માટે એક મહત્વનું પગલું છે. તેનાથી ખેડૂતોને વધુ સારા બિયારણો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ધિરાણની સવલત મળશે.
વધુ ઊંચી ઉપજ આપતા બિયારણો પરનું નેશનલ મિશન ઉત્પાદકતા વધારીને તથા આબોહવા સ્થિતિસ્થાપકતા દ્વારા આ વિઝનને પૂરક બનાવે છે. સરકારના આ પ્રયાસો ખાદ્ય તેલની કિંમતોને સ્થિર બનાવવાની મદદરૂપ બનશે તથા સ્થાનિક સ્તરે ઉત્પાદનને વેગ આપશે. મધ્યમ વર્ગ માટે વધુ કરવેરા રાહતોથી માગને પ્રોત્સાહન મળશે,જેનાથી કૃષિ તથા ફૂડ ઇન્ડસ્ટ્રી બંનેને લાભ થશે. આ બજેટ સમગ્ર વેલ્યુ ચેઇનમાં મજબૂત વૃદ્ધિને વેગ આપશે.
કમલ સિંઘલ, એમડી અને સીઈઓ, અરવિંદ સ્માર્ટસ્પેસિસ લિમિટેડ (Kamal Singal, MD & CEO, Arvind SmartSpaces Ltd)
કેન્દ્રીય બજેટ 2025-26 શહેરી પરિવર્તન માટે મજબૂત પાયો નાખે છે, જેમાં રૂપિયા 1.1 લાખ કરોડનું અર્બન ચેલેન્જ ફંડ શહેરના પુનર્વિકાસ, માળખાગત સુવિધાઓના અપગ્રેડ અને ટકાઉ વિકાસને આગળ ધપાવશે. SWAMI યોજના અને SWAMI ફંડ 2 દ્વારા હાઉસિંગ માટે સતત સમર્થન પ્રોજેક્ટ પૂર્ણ થવાને વેગ આપશે અને ઘર ખરીદનારાઓનો વિશ્વાસ વધારશે.
જાહેર-ખાનગી ભાગીદારી (PPP),એસેટ મોનેટાઈઝેશન અને વ્યવસાય કરવાની સરળતા પર ભાર મૂકવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે નવી તકો ખુલશે. અરવિંદ સ્માર્ટસ્પેસિસ ખાતે, અમે આ પહેલોનું સ્વાગત કરીએ છીએ, જે ભવિષ્ય માટે તૈયાર શહેરી સમુદાયોના નિર્માણના અમારા વિઝન સાથે સુસંગત છે. આ બજેટ વધુ ગતિશીલ અને સ્થિતિસ્થાપક રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપ માટે માર્ગ મોકળો કરે છે.
આસિફ હિરાણી,એમડી-ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝ-(Asif Hirani, Managing Director-Tradebulls Securities)
બજેટનું મુખ્ય થીમ ભારતના વિસ્તરી રહેલાં મીડલ ક્લાસની ખર્ચશક્તિને વધારવાનું અને લાંબાગાળા માટે જળવાય રહે તેવી વૃદ્ધિ હાંસલ કરવાનું છે. બજેટમાં આર્થિક મજબૂતી માટે કર રાહતો પર ભાર આપવામાં આવ્યો છે. સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને આર્થિક સુધારાઓને ધ્યાનમાં રખાયાં છે. નાણાકિય ખાધના ટાર્ગેટ્સ અપેક્ષા મુજબ રહ્યાં છે. અમે વર્તમાન સ્તરે કન્ઝ્યૂમર, ઓટોમોબાઈલ અને પ્રાઈવેટ બેંક્સ પર પોઝીટીવ અભિગમ ધરાવીએ છીએ.
કુંજ શાહ,ચેરમેન, ઝોડિયાક એનર્જી (Kunj Shah, Chairman-Zodiac Energy Limited
PM નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલું ૨૦૨૫નું કેન્દ્રીય બજેટ તેમના ત્રીજા કાર્યકાળમાં ખૂબ જ પ્રગતિશીલ બજેટ છે.બજેટમાં રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં EV માળખાગત સુવિધાઓમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા,ન્યુક્લિયર એનર્જી મિશન અને 2047 સુધીમાં 100 GW પરમાણુ ઉર્જાનું લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યું છે.નાણાપ્રધાને સોલર, વિન્ડ અને બેટરી ક્ષેત્ર જેવા સ્વચ્છ ટેકનોલોજી ઉદ્યોગો માટે નેશનલ મિશન ફોર ક્લીન ટેક ની પણ જાહેરાત કરી છે.તેમણે સોલર પાવર (ગ્રીડ) સેગમેન્ટ માટે રૂપિયા 1500 કરોડ ફાળવ્યા છે.
બજેટ ક્લિન ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણને વેગ આપશે અને આ ક્ષેત્રમાં મોટેપાયે રોજગારી નોકરીઓનું સર્જન કરશે. આ ભારતને ક્લિન એનર્જીમાં અગ્રેસર બનાવવામાં, આર્થિક વિકાસને વેગ આપવા માટે ખૂબ મદદ કરશે. બજેટમાં મદદ કરવાના વચનો સાથે MSME ક્ષેત્રને વિકાસ અને રોજગાર સર્જનના એન્જિન તરીકે સારી રીતે ઓળખવામાં આવ્યું છે.બજેટ ખરેખર 2047 સુધીમાં ભારતને વિકસિત ભારતના લક્ષ્યાંક તરફ દોરી રહ્યું છે.
શેખર જી પટેલ, એમડી અને સીઈઓ-ગણેશ હાઉસિંગ-(Shekhar G Patel, MD And CEO-Ganesh Housing Corporation Limited)
2025નું કેન્દ્રીય બજેટ ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક મહત્વની ક્ષણ છે. પોસાય તેવી કિંમતોના મકાનો તથા કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર સરકારનું વ્યૂહાત્મક ધ્યાન ખાસ નોંધનીય છે. જીસીસીનું ટિયર-ટુ શહેરોમાં વિસ્તરણ એ કેવળ વ્યાપારિક નિર્ણય જ નથી, તે આપણા શહેરી ક્ષેત્રને નવો આકાર આપનારો નિર્ણય છે. અમે શહેરોમાં ગ્રેડ એ ઓફિસ સ્પેસીસ માટેની અભૂતપૂર્વ માંગ જોઈ રહ્યા છીએ જે પાંચ વર્ષ પહેલા અમારા રડારમાં ન હતું. આ ઉપરાંત, રિજનલ એર કનેક્ટિવિટી પર ઉડાન સ્કીમનું ધ્યાન ઊભરતા શહેરોમાં રિયલ એસ્ટેટ માર્કેટ્સ માટે ગેમચેન્જર છે.
PM ગતિ શક્તિ પહેલમાં મલ્ટીમોડલ કનેક્ટિવિટી પર ભાર મૂકવામાં આવ્યો છે તે વિશેષ રીતે આશાસ્પદ છે. સર્વવિદિત છે કે વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટની વૃદ્ધિને હંમેશા ટેકો આપે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે આ પહેલનો સંકલિત અભિગમ વિકાસના નવા ક્ષેત્રો તથા રોકાણની તકોના દ્વાર ખોલશે. આ સુધારા આર્થિક વિકાસ પર રિયલ એસ્ટેટ સેક્ટરની બહુવિધ અસરોની પરિપક્વ સમજને દર્શાવે છે. ઉદ્યોગના અગ્રણીઓ તરીકે અમે ભારતની શહેરી વિકાસની ગાથામાં યોગદાન આપવા સાથે આ તકોનો લાભ લેવા માટે તૈયાર થઈ રહ્યા છીએ.
મેહુલ સવાણી, ફાઉન્ડર,ગ્લેમ9(બ્યુટી ટેક સ્ટાર્ટ અપ)(Mehul Savani,Founder-Glam9 (Beauty Tech Start-up)
બજેટમાં ઈનોવેશન અને ફાઈનાન્સિયલ સપોર્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે અને તે ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ આપે છે. સ્ટાર્ટ-અપ્સ માટે ક્રેડિટ ગેરંટી કવરને રૂપિયા 10 કરોડ પરથી બમણું કરી રૂપિયા 20 કરોડ કરવામાં આવતાં મહત્વના સેક્ટર્સમાં સ્ટાર્ટ-અપ્સ માટે મૂડીપ્રાપ્તિમાં વૃદ્ધિ કરશે. ફંડ ઓફ ફંડ્સને વધારી રૂ. 10,000 કરોડનું કરાતાં તથા ડેડિકેટેડ ડીપ ટેક ફંડ ઓફ ફંડ્સ નેક્સ્ટ જનરેશન સ્ટાર્ટઅપ્સ માટે ઉદ્દીપક બની રહેશે.
ઉપરાંત, પછાત સમુદાયો માટે ફર્સ્ટ-ટાઈમ સાહસિકોને સપોર્ટ કરતી યોજના સમાવેષી ગ્રોથની દિશામાં મહત્વનું પગલું છે. સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની જાહેરાત જીજ્ઞાસા અને ઈનોવેશનને વેગ આપશે. સમગ્રતયા, આ બજેટ વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ તરીકે ભારતની પોઝીશનને મજબૂત બનાવે છે અને સાહસિકોને ઈનોવેશન માટે સક્ષમ બનાવે છે.
નારાયણ સાબૂ, ચેરમેન-બિગબ્લોક કં.લિ.(Narayan Saboo, Chairman-BigBloc Construction Ltd)
આ બજેટમાં રાજકોષીય એકત્રીકરણ (ફિસ્કલ કન્સોલિડેશન)માટે લાંબા ગાળાનો માર્ગ રજૂ કરવામાં આવ્યો છે. રૂ. 12 લાખ સુધી છૂટછાટની મર્યાદા વ્યક્તિગત કરદાતાઓને નોંધપાત્ર લાભ આપે છે. આ પહેલ સ્થાનિક વપરાશને વેગ આપે તેવી સંભાવના છે જે હાલ ચાલી રહેલી આર્થિક મંદીનો ઉકેલ લાવશે. આ ઉપરાંત સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ ખર્ચ અને અન્ય વિકાસલક્ષી ખર્ચ માટે તેની યોજનાઓ અંગે સ્પષ્ટતા કરી નથી. જોકે ગયા વર્ષના મૂડી ખર્ચના ઘટાડાનો કોઈ ઉલ્લેખ નથી જે નોંધપાત્ર ચૂક છે.
બજેટમાં કોઈ અભૂતપૂર્વ પગલાં રજૂ કરવામાં આવ્યા નથી પણ તે એમએસએમઈ તથા આર્થિક પ્રવૃત્તિને ટેકો આપવા માટેનું સ્થિર માળખું પૂરું પાડે છે. વપરાશ આધારિત વૃદ્ધિ અને વ્યૂહાત્મક ખર્ચ પર ધ્યાનથી અર્થતંત્રને ખૂબ જ જરૂરી એવો વેગ મળે તેવી શક્યતા છે. એમએસએમઈ માટે કોઈ મોટી કરવેરા રાહત મળી નથી તેનાથી અમે થોડાક નિરાશ છીએ. એકંદરે આ મોટી સરપ્રાઇઝ વિનાનું અને મોમેન્ટમ જાળવી રાખવાના ઉદ્દેશ સાથેનું એક સ્થિર અને વ્યવહારુ બજેટ છે.
લલિત પરિહાર, એમડી- આઈજી ગ્રુપ(Lalit Parihar, MD-Aaiji Group)
કેન્દ્રીય બજેટ આર્થિક વિસ્તરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, એમએસએમઈ તથા મધ્યમ વર્ગના કલ્યાણ પર ભાર મૂકે છે અને કરદાતાઓને નોંધપાત્ર રાહત પૂરી પાડે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધુ ખર્ચ અને રૂ. 1 લાખ કરોડનું અર્બન ચેલેન્જ ફંડ શહેરોને ગ્રોથ હબમાં ફેરવશે જે રિડેવલપમેન્ટને પ્રોત્સાહન આપશે તેમજ પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાને મજબૂત કરશે.
આ પગલાંનો ઉદ્દેશ સ્થાનિક વપરાશને વેગ આપવાનો, આર્થિક ક્ષેત્રે ધીમી પડેલી ગતિનો ઉકેલ લાવવાનો અને વ્યાપાર-અનુકૂળ માહોલ ઊભો કરવાનો છે. છૂટછાટની મર્યાદા રૂ. 12 લાખ સુધી વધારી છે તેનાથી વપરાશી આવકમાં વધારો થશે જેનાથી મકાનોનું કિફાયતીપણું વધશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે માંગને વેગ મળશે. એકંદરે આ બજેટમાં શહેરોમાં પરિવર્તન લાવવા અને ટકાઉ આર્થિક વૃદ્ધિ માટેના નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા છે.
પ્રવીણ પટેલ, ચેરમેન-એચઓએફ ગ્રુપ (Pravin Patel, Chairman-HOF Group)
વ્યક્તિગત આવકવેરાના દરમાં ઘટાડો એ એક આવકારદાયક પગલું છે જેનાથી લોકોના હાથમાં વધુ નાણાં રહેશે, જે વપરાશ અને બચતને વેગ આપશે. કરમુક્ત આવક મર્યાદા 12 લાખ રૂપિયા સુધી વધારીને, સરકારે ખાતરી કરી છે કે મધ્યમ વર્ગ પાસે વધુ ખર્ચ કરવાની શક્તિ છે. તેનાથી રિટેલ, ઓટોમોબાઇલ્સ અને હાઉસિંગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં માંગ વધશે, જેનાથી અર્થતંત્ર પર સકારાત્મક અસર પડશે.
વર્ગીકરણ માપદંડોમાં સુધારો અને ગેરંટી કવર સાથે ક્રેડિટ ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો કરીને MSME પર સરકારનું ધ્યાન MSME ના વિકાસને વેગ આપશે. 'મેક ઇન ઇન્ડિયા' ને આગળ વધારવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતું રાષ્ટ્રીય ઉત્પાદન મિશન પણ યોગ્ય દિશામાં એક પગલું છે.
ક્ષિતિજ પટેલ,મેનેજિંગ પાર્ટનર, મનુભાઈ અને શાહ LLP (Kshitij Patel, Managing Partner- Manubhai & Shah LLP)
આ બજેટ લાંબા ગાળા માટે અનેક ફાયદાઓ આપી શકે છે. કર માળખાને સરળ બનાવીને, બોજ ઘટાડીને અને TDS/TCS ધોરણોને સુવ્યવસ્થિત કરીને, સરકારે ભારતમાં વ્યવસાય કરવાનું નોંધપાત્ર રીતે સરળ બનાવ્યું છે. આ સુધારાઓ સ્થાનિક અને વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપશે. 12 લાખ રૂપિયાની આવક સુધી કોઈ આવકવેરો નહીં રાખીને, આવકવેરા સ્લેબનું તર્કસંગતકરણ એ ખૂબ જ રાહ આપનારું અને આવકારદાયક છે.
જોકે, આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે આવતા અઠવાડિયે લાવવામાં આવનારા નવા આવકવેરા બિલમાં શું હશે. MSME અને સ્ટાર્ટઅપ્સ માટે સરળ KYC ધોરણો અને ક્રેડિટ સપોર્ટ મૂડીની સરળતા સુનિશ્ચિત કરશે, વ્યવસાયોને સમૃદ્ધ આર્થિક વાતાવરણમાં વિકાસ અને નવીનતા માટે સશક્ત બનાવશે. એકંદરે, બજેટ આર્થિક વિકાસનો મજબૂત પાયો નાખે છે.
મિહિર પરીખ,ફાઉન્ડર-સીઈઓ-એમપી ફાઇનાન્શિયલ સર્વિસિસ(Mihir Parikh,Founder &CEO-MP Financial Services)
નાણામંત્રીએ મધ્યમ વર્ગની વાત સાંભળી છે અને આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરીને નોંધપાત્ર નાણાકીય રાહત આપી છે. જેનાથી માત્ર સ્થાનિક માંગમાં જ વધારો નહીં થાય પરંતુ રોકાણમાં પણ વધારો થશે, જે અર્થતંત્રને વેગ આપશે. આ સાથે જ બજેટમાં રાજકોષીય ખાધ GDPના 4.4% પર રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે રાજકોષીય સમજદારી દર્શાવે છે.
વીમામાં FDI મર્યાદા 100% સુધી વધારવાથી ગ્લોબલ પ્લેયર્સ આકર્ષિત થશે, જેનાથી વધુ સ્પર્ધા, વધુ સારી પ્રોડક્ટ અને નાગરિકો માટે નાણાકીય સુરક્ષામાં સુધારો થશે. બજેટમાં પર્યટનને એક મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે. ટોચના 50 પર્યટન સ્થળોનો વિકાસ, મુસાફરી અને કનેક્ટિવિટીમાં સુધારો અને ચોક્કસ જૂથો માટે વિઝા-ફી માફી સાથે સુવ્યવસ્થિત ઇ-વિઝા સુવિધાઓ રજૂ કરવથી સ્થાનિક પર્યટનના વિકાસમાં સારા સંકેત મળે છે.
મંજુલા પૂજા શ્રોફ, ફાઉન્ડર-સીઈઓ-કેલોરેક્સ (Manjula Pooja Shroff, Kalorex Founder& CEO-Kalorex)
નાણામંત્રીએ શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય પર ખૂબ ભાર મૂક્યો છે. પીએમ રિસર્ચ ફેલોશિપ યોજના હેઠળ IIT અને IISc માં ટેકનોલોજીકલ સંશોધન માટે 10,000 ફેલોશિપની જાહેરાત કરી, જેમાં નાણાકીય સહાય વધારવામાં આવશે, તેનાથી નવીનતાને વેગ મળશે.
IIT અને મેડિકલ કોલેજોની ક્ષમતા વિસ્તરણ, શિક્ષણ માટે AI માં શ્રેષ્ઠતા કેન્દ્ર અને કૌશલ્ય માટે રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપના એ સમયની જરૂરિયાત છે. પાંચ વર્ષમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના યુવા મનમાં જિજ્ઞાસા અને નવીનતાને પ્રોત્સાહન આપશે. સ્ટાર્ટઅપ્સ અને કૌશલ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં ખૂબ મદદ કરશે.
રાજીવ ગાંધી, ચેરમેન-ફિક્કી ગુજરાત કાઉન્સિલ,સીઈઓ તથા એમડી-હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડ
(Rajiv Gandhi, Chairman, FICCI Gujarat Council & CEO and MD, Hester Biosciences Ltd)
કેન્દ્રીય બજેટ 2025-26 36 જીવનરક્ષક ડ્રગ્સને બેઝિક કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપીને તથા છ મહત્વની દવાઓ પર ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરીને હેલ્થકેરની પહોંચને મજબૂત બનાવે છે. આનાથી કેન્સરની સારવાર તથા દુર્લભ બીમારીઓના ઉપચારના ખર્ચમાં ઘટાડો થશે જેના પગલે દર્દીઓ પર નાણાંકીય બોજ હળવો થશે.
સરકાર આગામી વર્ષે 10,000 બેઠકો વધારીને તબીબી શિક્ષણ વિસ્તારવાનો પણ ઉદ્દેશ રાખે છે જે પાંચ વર્ષમાં 75,000 નવી બેઠકોના લક્ષ્યાંક સાથે સંલગ્ન છે. આ ઉપરાંત ‘Heal in India’ પહેલ તથા મેડિકલ ટુરિઝમને ખાનગી ક્ષેત્રના સહયોગ સાથે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પગલાં ભારતના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પુનઃસ્થાપિત કરે છે તથા આવશ્યક સારવારની પહોંચને વધારે છે.
બજેટ એમએસએમઈ અને આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે સ્થિર માળખું પૂરું પાડે છે. આવકમાં છૂટછાટની મર્યાદા વધારીને અને રૂ. 12 લાખ સુધીની આવકને કરવેરાથી મુક્ત કરવાથી વપરાશમાં વધારો થશે, જેના પગલે આર્થિક ક્ષેત્રની ધીમી પડેલી ગતિને નાથવામાં મદદ મળશે. એકંદરે, મોમેન્ટમને ટકાવી રાખવા પર કેન્દ્રિત આ એક સ્થિર અને વ્યવહારુ બજેટ છે.
ડૉ. સિમ્મરદીપ એસ ગિલ, એમડી અને સીઈઓ-સ્ટર્લિંગ હોસ્પિટલ્સ
(Dr.Simmardeep S Gill, Managing Director& CEO-Sterling Hospitals)
યુનિયન બજેટ 2025ના ડ્રાફ્ટમાં આરોગ્ય સંભાળ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પાસાં છે. ભારતમાં 2025 સુધીમાં કેન્સરના કેસની સંખ્યામાં 12.8% નો વધારો થવાની ધારણા છે. તમામ જિલ્લાઓમાં ડેકેર કેન્સર સેન્ટરો સ્થાપિત કરવાની સરકારની પહેલ દેશભરમાં અસરકારક કેન્સર સારવાર પૂરી પાડવામાં મદદ કરશે. નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર 'મેડિકલ ટુરિઝમ'ને પ્રોત્સાહન આપશે અને 'હીલ ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ વિઝા પ્રક્રિયાને સરળ બનાવશે. આનાથી ઉચ્ચ તકનીકી તબીબી માળખામાં રોકાણને પ્રોત્સાહન મળશે જ્યારે ડોકટરો, નર્સો અને થેરાપિસ્ટ માટે રોજગાર વધશે. વધુમાં, હોસ્પિટલો અને તબીબી સેવા પ્રદાતાઓ વધુ આવક પેદા કરી શકે છે. ગુણવત્તાયુક્ત, સસ્તું અને વ્યાપક આરોગ્યસંભાળની પહોંચ સરકારની વિકાસ ભારત પહેલના મુખ્ય પાસાઓમાંનું એક છે, અને તબીબી પ્રવાસનને પ્રોત્સાહન આપીને, આરોગ્યસંભાળ ક્ષેત્ર આ મિશનમાં યોગદાન આપી શકશે.
કાર્તિક સોની, ચેરમેન-સ્વરા ગ્રુપ(Kartik Soni, Chairman, Swara Group)
સ્વરા ગ્રુપના ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે,આ બજેટ રિયલ એસ્ટેટ વિકાસ માટે મજબૂત પાયો નાખે છે, ખાસ કરીને શહેરી પરિવર્તન અને મકાનમાલિકો માટે કર લાભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મકાનમાલિકો હવે ફક્ત એકને બદલે બે સ્વ-કબજાવાળી મિલકતો માટે શૂન્ય મૂલ્યાંકનનો દાવો કરી શકે છે.
વાર્ષિક ભાડા પર TDS મર્યાદા રૂપિયા 2.40 લાખ થી વધારીને રૂપિયા 6 લાખ પાલનનો બોજ ઘટાડશે અને તરલતા વધારશે. વાર્ષિક ભાડા પરની TDS મર્યાદા હાલના રૂપિયા 2.40 લાખથી વધારીને રૂપિયા 6 લાખ થવાથી અનુપાલનનું ભારણ ઘટશે તેમજ લિક્વિડિટી વધશે. આ પગલાંઓ રોકાણ માટે રિયલ એસ્ટેટ સેક્ટરની અપીલને પણ વધારશે. એકંદરે આ બજેટ ટકાઉ આર્થિક અને રિયલ એસ્ટેટ ગ્રોથ માટે પ્રગતિશીલ પગલું છે
તરલ શાહ, એમડી-શિવાલિક ગ્રુપ(Taral Shah,MD-Shivalik Group)
શિવાલિક ગ્રુપના એમડી તરલ શાહે જણાવ્યું હતું કે,કેન્દ્રીય બજેટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને શહેરી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે અને મધ્યમ વર્ગ માટે રાહત આપવાની સાથે આર્થિક વિસ્તારની દિશામાં એક સાહસિક પગલું છે. આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો થતાં ખર્ચને વેગ મળે તેવી સંભાવના છે. ઘરમાલિકોને ફક્ત એકને બદલે બે સ્વ-કબજાવાળી મિલકતો માટે શૂન્ય મૂલ્યાંકનનો દાવો કરવાની મંજૂરી આપવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે. કર રાહતના પગલાં ઘરમાલિકીને પણ પ્રોત્સાહન આપશે અને માંગને વધશે.
એક લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ એક ગેમ-ચેન્જર છે. જે શહેરોમાં પરિવર્તન લાવશે અને રિયલ એસ્ટેટની સંભાવનાઓને ખોલશે. સસ્તા આવાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઘણું બધું કરી શકાયું હોત, પરંતુ બજેટ આ ક્ષેત્ર માટે એક સકારાત્મક, વિકાસલક્ષી બ્લુપ્રિન્ટ રહ્યું છે.
ડો.ધ્રુવ પંડિત,ફાઉન્ડર અને સીઈઓ-ડ્રોના (Dr. Dhruv Pandit, Founder & CEO, DRONA)
આ બજેટ ભારતના ડિજિટલ લેન્ડસ્કેપને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. સાયબર સુરક્ષા માળખાગત સુવિધા, ડિજિટલ સાક્ષરતા અને સ્વદેશી નવીનતામાં સરકારનું રોકાણ સાયબર-સ્થિતિસ્થાપક ભારત તરફ એક વ્યૂહાત્મક પગલું છે. મુખ્ય હાઇલાઇટ્સમાં સુરક્ષા કામગીરી કેન્દ્રોના વિસ્તરણ અને AI-સંચાલિત ધમકી ગુપ્તચરની જમાવટ સાથે સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ સ્વદેશી સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક સાધનો વિકસાવવા માટે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
બજેટનો ઉદ્દેશ સાયબર સુરક્ષા ઉકેલોમાં ભારતની વૈશ્વિક નિકાસને વેગ આપવાનો પણ છે, જે દેશને ડિજિટલ ફોરેન્સિક અને સાયબર સુરક્ષામાં અગ્રણી તરીકે સ્થાન આપે છે. તે ડિજિટલ સાક્ષરતા અને કાર્યબળ વિકાસ પર પણ ભાર મૂકે છે જેથી વ્યાવસાયિકોને તાલીમ આપી શકાય જે વિકસિત સાયબર ધમકીઓનો અસરકારક રીતે સામનો કરી શકે.
Umesh Uttamchandani, ઉમેશ ઉત્તમચંદાની, એમડી-DevX(Umesh Uttamchandani, MD-DevX)
કેન્દ્રીય બજેટ 2025 ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. સ્ટાર્ટઅપની નોંધણી લાભોને પાંચ વર્ષ માટે લંબાવવાથી સરકારનો ઉદ્યોગસાહસિક વૃદ્ધિ માટે સતત ટેકો પ્રદર્શિત થાય છે. ‘શહેરોને વૃદ્ધિ હબ તરીકે’ અને ‘શહેરોના સર્જનાત્મક પુનર્વિકાસ’ માટે રૂપિયા 1 લાખ કરોડની ફાળવણી સાથે અર્બન ચેલેન્જ ફંડની જાહેરાત મેનેજ્ડ ઑફિસ સ્પેસ ક્ષેત્ર માટે રોમાંચક તકો રજૂ કરે છે.
DevX માં અમે રાષ્ટ્રીય ફ્રેમવર્ક ફોર GCC (ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ) દ્વારા ટિયર 2 શહેરોના વિકાસ પર સરકારના ધ્યાનથી ખાસ ઉત્સાહિત છીએ. આધુનિક કાર્યસ્થળ ઉકેલ પ્રદાતા તરીકે, અમે આને અમારા પગલાં વિસ્તરાવવાની તક તરીકે જોીએ છીએ અને નવા ઉદ્ભવતા વેપાર હબ્સમાં ફ્લેક્સિબલ, ટેક્નોલોજી-સક્ષમ ઑફિસ સ્પેસ માટે વધતી માંગને ટેકો આપી શકીએ છીએ. શિક્ષણ માટે AI માટે રૂપિયા 500 કરોડની ફાળવણી સાથે એક Centre of Excellence (ઉત્કૃષ્ટતા કેન્દ્ર)ની સ્થાપના ભાવિ કામદારોના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે. AI પ્રતિભા વિકાસમાં આ રોકાણ વ્યવસાયો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે અમે આપણા કાર્યસ્થળો અને સેવાઓમાં અદ્યતન ટેક્નોલોજીનું એકીકરણ ચાલુ રાખીએ છીએ.
વિશાલ ચિરીપાલ,એમડી- શાંતિ એજ્યુકેશન ઇનિશિયેટિવ્સ લિમિટેડ (Vishal Chiripal, MD- Shanti Education Initiatives Limited)
કેન્દ્રીય બજેટ ઉચ્ચ શિક્ષણનો વિસ્તાર કરીને, સંશોધનને પ્રોત્સાહન આપીને અને ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ બનાવવા માટે નવીનતાને પ્રોત્સાહન આપીને એક સર્વાંગી અભિગમ અપનાવે છે.
તે શિક્ષણ અને સંશોધનના વિસ્તરણ માટેની સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. IIT માટે માળખાગત સુવિધામાં વધારો અને 10,000 તબીબી બેઠકોનો ઉમેરો ઉચ્ચ શિક્ષણ ક્ષમતા વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પોષશે.
500 કરોડ રૂપિયાના ખર્ચે શિક્ષણ માટે AIમાં શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપના એક ભવિષ્યલક્ષી પહેલ છે જે શીખવાની પદ્ધતિઓ, કૌશલ્ય વિકાસ અને સંશોધનમાં નવીનતાને આગળ ધપાવશે. વધુમાં BharatNet હેઠળ સરકારી માધ્યમિક શાળાઓ માટે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ડિજિટલ વિભાજનને દૂર કરવામાં મદદ કરશે, ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને શિક્ષણ સંસાધનોની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરશે.
IIT અને IISc માં 10,000 ફેલોશિપ ઓફર કરતી PM રિસર્ચ ફેલોશિપ યોજનામાં વધારો, ભારતના સંશોધન ઇકોસિસ્ટમને વધુ વેગ આપશે, ટેકનોલોજીકલ પ્રગતિ અને નવીનતા-આધારિત વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.
વૈભવ જાજૂ,એડવોકેટ (સીએ) ધ્રુવા એડવાઇઝર્સ એલએલપી( Vaibhav Jaju, Advocate (CA)- Dhruv Advisors LLP
અપેક્ષા મુજબ, કેન્દ્રીય બજેટ 2025 કૃષિ, સંરક્ષણ, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સહિતના વિકાસના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઈનકમ ટેક્સ ના દૃષ્ટિકોણથી, રાહત અને ટેક્સ સ્લેબ દરોમાં ફેરફાર સ્વાગતપાત્ર પગલાં છે. નોંધનીય છે કે, નવી કર વ્યવસ્થા હેઠળ રૂ. 12.75 લાખ (રૂ. 75,000 ની સ્ટાન્ડર્ડ દેડકશન સહિત) સુધીની આવકને કરમુક્ત બનાવવામાં આવી છે. આ કેપિટલ ગેઇન જેવા ખાસ દરની આવક પર લાગુ પડતું નથી. વધુમાં, ટેક્સ સ્લેબનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે, જેના પરિણામે રૂ. 80,000 થી રૂ. 1,10,000 સુધીની કર બચત થઈ છે. આ અણધાર્યું હતું પરંતુ મધ્યમ વર્ગને રાહત આપવા અને અર્થતંત્રમાં ખર્ચને ઉત્તેજીત કરવા માટે એક મહત્વપૂર્ણ અને સ્વાગતપાત્ર પગલું છે.
ઇનડાયરેક્ટ ટેક્સ ના દૃષ્ટિકોણથી, વેપાર અને કન્સલ્ટિંગ ક્ષેત્રો કસ્ટમ્સ કાયદા હેઠળ માફી યોજનાની અપેક્ષા રાખતા હતા. વર્ષ 2019 માં, સર્વિસ ટેક્સ અને એક્સાઇઝ માટે સબકા વિશ્વાસ (લેગસી ડિસ્પ્યુટ રિઝોલ્યુશન) યોજના રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ વર્ષ 2023 માં ફોરેન ટ્રેડ પોલિસી માટે માફી યોજના રજૂ કરવામાં આવી હતી. જોકે, કસ્ટમ્સ કાયદા હેઠળ માફીને બાકાત રાખવામાં આવી હતી, જેના કારણે તેનો સમાવેશ થવાની અપેક્ષાઓ હતી. આ આશાઓ હોવા છતાં, આવી કોઈ યોજનાની જાહેરાત કરવામાં આવી નથી.
તેમ છતાં, ઘણા કસ્ટમ્સ ડ્યુટી દરોમાં ઘટાડો અથવા મુક્તિ આપવામાં આવી છે, ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં, જેનો ફાયદો જનતાને મોટા પાયે થયો છે, સાથે સાથે સ્થાનિક ઉદ્યોગના વિકાસને ટેકો આપવા માટે અન્ય ક્ષેત્રોમાં ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
વિશ્વાસ પટેલ,જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર- ઇન્ફિબીમ એવન્યુ લિમિટેડ,ચેરમેન- પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા-(Vishwas Patel,Joint Managing Director-Infibeam Avenues Ltd, Chairman-Payment Council of India (PCI)
કેન્દ્રીય બજેટ ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક માર્ગ રજૂ કરે છે, જેમાં વપરાશ વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ડિજિટલ પરિવર્તનને વેગ આપવા માટેના વ્યૂહાત્મક પગલાંનો સમાવેશ થાય છે. સૌથી અસરકારક જોગવાઈઓમાંની એક રૂ. 12 લાખ સુધીની કર રાહત છે, જે વ્યક્તિઓ માટે નિકાલજોગ આવકમાં નોંધપાત્ર વધારો કરે છે. તેનાથી ઘરગથ્થુ વપરાશને ઉત્તેજીત થવાની અપેક્ષા છે, જે વિવિધ ક્ષેત્રોમાં માંગને વેગ આપે છે.
ઊંચા ગ્રાહક ખર્ચ સાથે ડિજિટલ ચુકવણી ઇકોસિસ્ટમ વૃદ્ધિ માટે તૈયાર છે, જે ભારતના નાણાકીય ટેકનોલોજી લેન્ડસ્કેપને વધુ મજબૂત બનાવે છે. વધુમાં સ્ટાર્ટઅપ્સ માટે રૂપિયા 10,000 કરોડના 'ફંડ ઓફ ફંડ્સ'ની રજૂઆત ઉદ્યોગસાહસિક વૃદ્ધિને વેગ આપવા તરફ એક મુખ્ય પગલું છે.આ પહેલ નવા ભંડોળના માર્ગો ખોલશે,પ્રારંભિક તબક્કાના સાહસોને મહત્વપૂર્ણ મૂડી પૂરી પાડશે અને ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વૈશ્વિક નવીનતા હબ તરીકે મજબૂત બનાવશે.
સીએ કેનન સત્યવાદી-એમએએકે એન્ડ એસોસિએટ્સ(CA Kenan Satyawadi- Partner at MAAK& Associates)
વર્ષ 2025-26ના બજેટમાં નોંધપાત્ર કરવેરા પરિવર્તન કરવામાં આવ્યું છે, જેનાથી રૂપિયા ૧૨ લાખ સુધીની આવક પર કોઈ કર નહીં રહે અને તમામ સ્લેબમાં કરનો બોજ ઓછો થાય છે. ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ, મધ્યમ વર્ગ, માંગ, વપરાશ અને બચતને પ્રોત્સાહન આપીને સૌથી વધુ લાભ મેળવશે. તર્કસંગત TDS/TCS, વિસ્તૃત ટેક્સ રિટર્ન સમયમર્યાદા અને સ્ટાર્ટઅપ પ્રોત્સાહનો પાલનને સરળ બનાવે છે.
રૂપિયા 1લાખ કરોડની આવકનું નુકસાન વૃદ્ધિને ઉત્તેજીત કરવા માટે ગણતરીપૂર્વકનું જોખમ છે. લોકોના હાથમાં વધુ પૈસા આપીને, આ બજેટ રોકાણ અને નાણાકીય સ્થિરતામાં વધારો કરવાનો માર્ગ મોકળો કરે છે, જે ભારતની મજબૂત અને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા તરફની સફરને મજબૂત બનાવે છે.
સંયમ ગાંધી,પૂર્ણકાલીન ડિરેક્ટર-ચાર્ટર્ડ સ્પીડ (Sanyam Gandhi, Whole Time Director-Chartered Speed)
સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) માટે દબાણ, જેમાં રાજ્યના પ્રોજેક્ટ્સની 3-વર્ષીય પાઇપલાઇન અને 50-વર્ષીય વ્યાજમુક્ત લોન માટે રૂપિયા 1.5 લાખ કરોડનો સમાવેશ થાય છે. તે શહેરી વિકાસ, વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગતિશીલતા નવીનતાઓ માટે મજબૂત તકો ઊભી કરે છે.
EV ઉત્પાદનમાં વધુ પ્રોત્સાહન મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ, સ્વચ્છ ઉર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિને વેગ આપશે, જે સ્વચ્છ, વધુ કાર્યક્ષમ પરિવહન નેટવર્ક તરફના પરિવર્તનને વેગ આપવામાં મદદ કરશે. ચાર્ટર્ડ સ્પીડ પર અમે PPP અને ટકાઉ પરિવહન પહેલ દ્વારા EV અપનાવવા અને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સને સ્કેલ કરવાની નોંધપાત્ર સંભાવના જોઈએ છીએ. વધુમાં, રૂપિયા 12 લાખ સુધીની કમાણી માટે પ્રસ્તાવિત નો-ઇન્કમ-ટેક્સ સ્લેબ અર્થતંત્રમાં વપરાશ અને એકંદર તરલતાને વેગ આપશે, જે મુસાફરી ખર્ચમાં વધારો કરશે," ચાર્ટર્ડ સ્પીડના પૂર્ણ-સમય ડિરેક્ટર સંયમ ગાંધીએ જણાવ્યું હતું.
વિનય થડાની, સીઈઓ-વિશાલ ફેબ્રિક્સ લિમિટેડ (Vinay Thadani,CEO-Vishal Fabrics Limited)
કેન્દ્રીય બજેટ 2025-26 ભારતના કાપડ ઉદ્યોગ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે,જે ઉત્પાદનને મજબૂત બનાવવા અને નિકાસને વેગ આપવા માટેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
કપાસ ઉત્પાદકતા મિશન જેવી મુખ્ય પહેલો કપાસની ખેતીમાં ક્રાંતિ લાવવા,ગુણવત્તા અને ટકાઉપણું વધારવાનું વચન આપે છે. આની સીધી હકારાત્મક અસર કાપડ ક્ષેત્ર પર પડશે, જેનાથી સ્થાનિક ઉત્પાદકો માટે કાચા માલનો સતત પુરવઠો સુનિશ્ચિત થશે.
વધુમાં ‘ભારતટ્રેડનેટ’(BTN)ની રજૂઆત વેપાર દસ્તાવેજીકરણ અને ધિરાણને સુવ્યવસ્થિત કરવા માટે એકીકૃત પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ સાથે સરળ એકીકરણ સુનિશ્ચિત કરે છે.
MSME માટે રોકાણ મર્યાદામાં વધારો અને સરળ કર વ્યવસ્થા સાથે, બજેટ વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતાનો માર્ગ મોકળો કરે છે. નિકાસ ધિરાણ, ક્રોસ-બોર્ડર ફેક્ટરિંગ અને નિયમનકારી સુધારાઓ દ્વારા કાપડ નિકાસ માટે ટેકો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશને પ્રોત્સાહન આપશે.
દિવ્યેશ સાવલીયા,ચેરમેન અને એમડી -ઓનિક્સ રિન્યુએબલ લિમિટેડ
વર્ષ 203 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે વર્ષ 2025ના કેન્દ્રીય બજેટમાં દેશના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા-આધારિત વૃદ્ધિ માટેનો પાયો નાખ્યો છે. સ્થાનિક મૂલ્યવર્ધન પર મજબૂત ભાર સાથે, સરકારનું સૌર પીવી કોષો, ઇવી બેટરી, મોટર્સ અને નિયંત્રકો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આયાત પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઓછી થશે અને મહત્વપૂર્ણ સ્વચ્છ તકનીકોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે.
ઇવી બેટરી અને સૌર પેનલ્સના સ્થાનિક ઉત્પાદનને ટેકો આપવા માટે રાષ્ટ્રીય ઉત્પાદન મિશનની રજૂઆત એક વ્યૂહાત્મક પગલું છે જે ફક્ત ભારતની ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો કરશે નહીં પરંતુ ખર્ચ કાર્યક્ષમતા, સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને પણ વેગ આપશે.બેકવર્ડ એકીકરણ અને ટેકનોલોજી-આધારિત પ્રગતિને પ્રોત્સાહન આપીને, આ પગલાં નવીનતાને ઉત્પ્રેરિત કરશે, રોકાણો આકર્ષશે અને સ્વચ્છ ટેક ઉત્પાદન માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવશે.
