India-Russia Trade:ભારત પર રશિયા સાથેનો વેપાર ઓછો કરવા અમેરિકા દ્વારા સતત દબાણ વચ્ચે ભારત-રશિયાએ એક મહત્વનું પગલું ભરતા પરસ્પરના ટ્રેડમાં ડોલર પરની નિર્ભરતાને મોટા પ્રમાણમાં ઘટાડી દીધી છે. રશિયા અને ભારત વચ્ચે સતત સ્થાનિક કરન્સીમાં પેમેન્ટનો ઉપયોગ ઝડપભેર વધી રહ્યો છે.
રશિયાના એક સીનિયર બેન્કરની માહિતી પ્રમાણે બન્ન દેશ રૂપિયા અને રુબલમાં ચુકવણી કરવા માટે એવું પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે કે જેના મારફતે હવે બન્ને દેશ વચ્ચે આશરે 96 ટકા ટ્રેડ સેટલમેન્ટ સ્થાનિક કરન્સીમાં જ થઈ રહ્યું છે.
ભારતમાં Sberbankના વડા ઈવાન નોસોવે કહ્યું છે કે રશિયા અને ભારત વચ્ચે પેમેન્ટ સેટલમેન્ટમાં હવે કોઈ મોટી મુશ્કેલી આવી રહી નથી. તેમના મતે રશિયાના બન્ને દેશો સાથે પેમે્ટ માટે સૌથી વિશ્વાસપાત્ર તથા સારી રીતે સ્થાપિત મિકેનિઝમથી એક શ્રેષ્ઠ વ્યવસ્થા બની ગઈ છે.
રશિયા અને ભારતની અનેક બેંકો સાથે મળી કામ કરી રહી છે
રશિયા અને ભારત વચ્ચે આ ટ્રેડિંગ મિકેનિઝમને સોપોર્ટ કરવા માટે રશિયાની 22 અને ભારતની 17 બેંક સાથે મળી કામ કરી રહી છે. તેમાં રશિયાની સૌથી મોટી બેંક SBerbankનો પણ સમાવેશ થાય છે, જેને બન્ને દેશ વચ્ચે પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવાની જવાબદારી આપવામાં આવી હતી.
અગાઉ ભારત અને રશિયા વચ્ચે સ્થાનિક કરન્સીમાં ટ્રેડ સેટલમેન્ટ કરવાનો પ્રયત્ન થયો છે.જોકે તેમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડતો હતો.રશિયાએ અગાઉ કારોબારમાં રૂપિયાના ઓવરહેંગની ફરિયાદ કરી હતી. તેની પાછળનું એક કારણ હતું કે ભારતીય રૂપિયો સંપૂર્ણપણે કન્વર્ટીબલ કરન્સી નથી.
રશિયા અને ભારત વચ્ચે વેપાર વર્ષ 2022 બાદ ઉછાળો આવ્યો છે. તેની પાછળ ક્રુડ ઓઈલની ભારત તરફથી થતી ખરીદી છે. વર્ષ 2024માં બન્ને દેશ વચ્ચે 70 અબજ ડોલરનો વ્યાપાર થયો હતો. વર્ષ 2025-26માં દ્વિપક્ષીય વ્યાપાર 59.863 અબજ ડોલર થયો છે. ભારતની રશિયાને નિકાસ આશરે 4.88 અબજ ડોલર છે,જ્યારે રશિયાથી આયાત 55.369 અબજ ડોલર છે.
