India–US Trade Deal Cheaper Costlier List: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા નવા વેપાર કરારથી દેશના બજારમાં અનેક વસ્તુઓના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. પારસ્પરિક ટેરિફ ઘટાડાના નિર્ણયથી ટેકનોલોજી પ્રોડક્ટ્સ, કૃષિ માલ અને કેટલાક ગ્રાહક પ્રોડક્ટ્સ સસ્તા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે કેટલાક ઔદ્યોગિક પ્રોડક્ટ્સ પર હજુ પણ ઊંચા ટેરિફ યથાવત રહી શકે છે.
આ કરાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ફોન ચર્ચા બાદ આગળ વધ્યો હોવાનું જણાવાયું છે. કરાર હેઠળ અમેરિકાએ ભારતીય પ્રોડક્ટ્સ પરનો ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે, જ્યારે ભારતે પણ અમેરિકન માલ પરના વેપાર અવરોધોમાં રાહત આપી છે.
આ પણ વાંચો
શું સસ્તું થઈ શકે?
અહેવાલો મુજબ ટેક હાર્ડવેર અને તેના ઘટકોના ભાવમાં ઘટાડો થવાની સૌથી વધુ સંભાવના છે. તેમાં લેપટોપ, મોબાઇલ ગેજેટ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે. આયાત ખર્ચ ઓછો થવાથી ઘરગથ્થુ ડિવાઈસ જેમ કે રેફ્રિજરેટરના ભાગો અને વોશિંગ મશીન પણ સસ્તા થઈ શકે છે.
કૃષિ ક્ષેત્રમાં કઠોળ અને ડેરી પ્રોડક્ટ્સ પરની આયાત જકાતમાં ઘટાડો થવાથી ગ્રાહકોને રાહત મળી શકે છે. દૂધ પાવડર, ચીઝ અને છાશ જેવી વસ્તુઓના ભાવમાં ઘટાડો શક્ય છે, જોકે કેટલાક અહેવાલોમાં ચોક્કસ પ્રોડક્ટ્સ પર હજુ ઊંચી ડ્યુટી યથાવત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તે ઉપરાંત, પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ્ડ માલ અને કેટલીક ખાદ્ય વસ્તુઓ પર પણ ભાવમાં રાહત મળી શકે છે. વધતા ખાદ્ય ફુગાવાના દબાણને ઘટાડવામાં આ નિર્ણય મદદરૂપ બની શકે છે.
ભારતીય ઉદ્યોગોને શું લાભ?
આ ટ્રેડ ડિલથી ભારતના કાપડ અને તૈયાર કપડા ઉદ્યોગને ટેરિફ ઘટાડાનો સીધો ફાયદો મળી શકે છે. સાથે જ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે પણ અમેરિકી બજારમાં પ્રવેશ વધુ સરળ બનવાની શક્યતા છે. સ્ટીલ, રસાયણો અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સને પણ બજારમાં નવી તકો મળી શકે છે.
કયા પ્રોડક્ટ્સ રહેશે મોંઘા?
વિશ્લેષકોના મતે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબા જેવા કેટલાક ઔદ્યોગિક પ્રોડક્ટ્સ પર હજુ પણ 50 ટકા સુધીની ડ્યુટી લાગુ રહી શકે છે. ઉપરાંત, કેટલાક ઓટોમોબાઇલ ભાગો પર ઊંચા ટેરિફનો સામનો ચાલુ રહી શકે છે.
ઊર્જા આયાતમાં પણ ફેરફાર
રિપોર્ટ્સ જણાવે છે કે કરાર હેઠળ ભારત રશિયા પાસેથી તેલ ખરીદીમાં ઘટાડો કરી શકે છે અને અમેરિકા તથા સંભવતઃ વેનેઝુએલાથી આયાત વધારી શકે છે. આ પગલાં દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ ગણાઈ રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, 'મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ્સ પરનો ટેરિફ હવે 18 ટકા કરવામાં આવ્યો છે, જે દેશના 1.4 અબજ લોકો માટે સકારાત્મક પગલું છે. વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેનો આ વેપાર કરાર દ્વિપક્ષીય વેપારને નવી દિશા આપશે અને અનેક ક્ષેત્રોમાં ભાવ અને વેપાર પ્રવાહમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકે છે.
