Mumbai Ahmedabad Bullet Train: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કહ્યું કે, ભારત બુલેટ ટ્રેન બનાવવા માટે સ્વદેશી ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે અને તેમાં ખૂબ જ જટિલ ટેકનોલોજી છે. આના પર જાપાનની મદદથી કામ ચાલી રહ્યું છે. ભારતીય જરૂરિયાતો અને પર્યાવરણીય પરિસ્થિતિઓ અનુસાર તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમને બુલેટ ટ્રેનની ટેક્નોલોજી વિદેશથી મળી હતી. પરંતુ હવે દેશમાં પણ ઘણી ટેક્નોલોજીનો વિકાસ થયો છે. હવે ભારત બુલેટ ટ્રેનને સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવા અને 'આત્મનિર્ભર ભારત' બનવાની દિશામાં કામ કરી રહ્યું છે.
બુલેટ ટ્રેન ટેક્નોલોજી ઘણી જટિલ છે
તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મહત્તમ સુરક્ષા અને જાળવણી માટેના પ્રોટોકોલ તકનીકી રીતે ખૂબ જટિલ અને સઘન છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંબંધિત સિવિલ વર્ક, ટ્રેક, ઇલેક્ટ્રિકલ, સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન્સ અને ટ્રેન સેટની સપ્લાય પૂર્ણ થયા પછી જ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયરેખા પૂરી થઈ શકે છે. તેમણે કહ્યું કે હવે મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે)ની સરકાર આવ્યા બાદ ત્યાં કામની ગતિ પણ ઘણી ઝડપી થઈ ગઈ છે.
બુલેટ ટ્રેનના 320 કિલોમીટરના રૂટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે
બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનું અંતર કાપશે. જેમાં 320 કિમીના અંતર પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારતની પ્રથમ 21 કિમી લાંબી અન્ડરસી ટનલનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. રેલ્વે મંત્રીએ માહિતી આપી હતી કે 9784 રેલવે પુલનું સમારકામ અને પુનઃનિર્માણ કરવામાં આવશે.મહારાષ્ટ્રમાં જૂના પુલોને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેના સમારકામનું કામ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના તમામ પુલ સુરક્ષિત છે. છેલ્લા ત્રણ વર્ષમાં 5405 પુલનું સમારકામ અને પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. રેલવે મંત્રીએ કહ્યું કે કર્ણાટકના ગુલબર્ગા જિલ્લા માટે રેલવે વિભાગ બનાવવાની વાત થઈ હતી પરંતુ સર્વે બાદ માંગ યોગ્ય જણાતી ન હતી અને તેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો ન હતો.
