Gold Price Prediction September 2025: ઓગસ્ટ મહિનામાં સોનાની કિંમતમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. જેમાં છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ચાલો જાણીએ કે ઓગસ્ટમાં સોનાની કિંમત કેટલી વધી અને સપ્ટેમ્બરમાં સોનાના ભાવ કેવો રહી શકે છે…
ભારતીય શેરબજાર અને સોનાના ભાવ અમુક અંશે જોઈએ તો એકબીજાથી વિપરિત દિશામાં ચાલતા હોય છે. જ્યારે શેરબજારમાં તેજી હોય છે, ત્યારે સોનાના ભાવ સ્થિર રહે છે અથવા તેમાં ઘટાડો જોવા મળે છે. જો કે તેનાથી વિરુદ્ધ બજારમાં ઘટાડો થાય તો સોનામાં ભાવમાં વધારો જોવા મળતો હોય છે. ઓગસ્ટ 2025 મહિનામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું. ભારતીય શેરબજારમાં આશરે 1.50 ટકાનો ઘટાડો થયો, જ્યારે સોનામાં રેકોર્ડ તેજી જોવા મળી.
ઓગસ્ટમાં સોનાનો ભાવ કેવો રહ્યો
ઓગસ્ટમાં સેન્સેક્સ લગભગ 1,375.93 અંક તૂટીને 79,809.65 પર આવી ગયો, જ્યારે નિફ્ટી 50 પણ લગભગ 1.38 ટકા ઘટીને 24,426.85 પર બંધ થયો. આ ઉપરાંત, વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી 34,993 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા, જેના લીધે સોનાની કિંમતો વધી. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો સોનાની કિંમતોની સારો એવો ઉછાળો જોવા મળ્યો.
31 જુલાઈ 2025ના રોજ 10 ગ્રામ દીઠ સોનાની કિંમત 98,769 રૂપિયા હતી. એક મહિનાની તેજી પછી મહિનાના અંતિમ કારોબારી દિવસે એટલે કે 29 ઓગસ્ટ 2025ના રોજ આ કિંમત 1,03,824 રૂપિયા હતી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે એક મહિનામાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 5 હજારનો વધારો જોવા મળ્યો છે.
સપ્ટેમ્બરમાં સોનું નવો રેકોર્ડ બનાવશે?
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે વૈશ્વિક તણાવ હજુ પણ યથાવત છે. ભારતીય રૂપિયો પણ નીચલા સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. વચ્ચે આ તમામ પરિસ્થિતિઓમાં આવનારા મહિનામાં પણ સોનાની કિંમતોને મજબૂત ટેકો મળવાની સંભાવના છે, જેના પરિણામે સોનાના ભાવમાં વધુ તેજી જોવા મળી શકે છે અને તે નવો રેકોર્ડ પણ બનાવી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે સોનાની કિંમતોને જે પરિબળો ટેકો આપી રહ્યા છે, તેમાં હાલ ઘટાડો થવાના કોઈ સંકેત નથી.