Shifting From LPG To PNG ભારત સરકાર હવે રસોઈ ગેસ સાથે સંકલાયેલ પરંપરાગત LPG સિલિન્ડરો પરની નિર્ભરતા ઓછી કરવા અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવા જઈ રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સરકારનો લક્ષ્યાંક એવા સેક્ટરમાં PNG કનેક્શનનો ઝડપભેર વ્યાપ વધારવાનો છે કે જ્યાં તેના પાયાગત માળખું અગાઉથી જ તૈયાર છે.
મંત્રાલયના સચિવ ડો.નીરજ મિત્તલ દ્વારા જાહેર કરાયેલા એક પત્ર પ્રમાણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz) વિસ્તારને લઈ તાજેતરના વૈશ્વિક ઘટનાક્રમોને લીધે LPG પરની નિર્ભરતા ઓછી કરવી જરૂરી બની ગઈ છે. આ ઉપરાંત LPG પર જે મોટા પ્રમાણમાં સબસિડી આપવામાં આવી રહી છે તે સરકાર માટે મોટો પડકાર બની ગયો છે.
આ સાથે એક અહેવાલમાં એવો ખુલાસો સામે આવ્યો છે કે OMCs ને વર્તમાન સમયમાં પ્રતિ LPG સિલિન્ડર રૂપિયા 690 નુકસાન થઈ રહ્યું છે. વાર્ષિક આધાર પર આ નુકસાન રૂપિયા 1,38,000 કરોડ પહોંચી ગયું છે. આ ઉપરાંત સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીને રૂપિયા 300 પ્રતિ સિલિન્ડર વધારાની સબસિડી આપી રહી છે, જેનો વાર્ષિક બોજ રૂપિયા 19,000 કરોડ છે.
કોને મળશે નોટિસ
સરકારી ઓઈલમાર્કેટીંગ કંપનીઓ અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) સંસ્થાઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે આ નોટિસમાં જણાવેલ ગ્રાહકોને નોટિસ ઈશ્યુ કરવામાં આવે.
ડબલ કનેક્શન ધરાવતા ગ્રાહકો: જે લોકો પાસે PNG કનેક્શન છે, પણ તેમને હજુ સુધી પોતાના LPG કનેક્શન સરેન્ડર કર્યાં નથી. તેનાથી LPGના બ્લેક માર્કેટ તથા બિનજરૂરી ઉપયોગને અટકાવી શકાશે.
સંભવિત ગ્રાહકોઃ એવા લોકો કે જે એવા વિસ્તારોમાં રહે છે કે જ્યાં PNG પાઈપલાઈન સુવિધા છે પણ તેમણે હજુ સુધી સ્વિચ કરેલ નથી.
આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટરો, જિલ્લા મેજિસ્ટ્રેટ તથા સ્થાનિક અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને આદેશ કરવામાં આવ્યો છે કે સ્થાનિક સ્તર પર ગ્રાહકોને LPG થી PNG તરફ વાળવા સ્થળાંતરિક થવા પ્રોત્સાહન આપવામાં આવે.
PNGના ફાયદા
સરકાર પ્રમાણે PNG એ LPGની તુલનામાં વધારે સુરક્ષિત છે અને ગ્રાહકોને અનુકૂળ છે. જ્યારે તે એક સારો સ્વચ્છ ઈંધણ પણ છે. તે વિદેશમાંથી આયાત ઓછી કરી શકાય છે તથા સરકારને સબસિડીનો બોજ ઘટશે.
