Gold Price Outlook: સોનાના ભાવમાં હજુ આવશે મોટો ઘટાડો કે ફરી આવશે તેજી? નિષ્ણાતોએ કરી આગાહી

આ કડાકા સાથે સોનાનો ભાવ 14 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. સોનાની સાથે ચાંદી અને અન્ય ઔદ્યોગિક ધાતુઓ પર પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 20 Nov 2026 03:40 PM (IST)Updated: Fri, 20 Nov 2026 03:40 PM (IST)
gold-price-outlook-gold-falls-37-cent-from-its-peak-where-are-prices-headed-next
સોનાનો ભાવ

Gold Price Outlook: સોનાના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડાએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. પીળી ધાતુ તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી અત્યાર સુધીમાં અંદાજે 37 ટકા જેટલી તૂટી ચૂકી છે. શુક્રવારે સતત પાંચમા દિવસે સોનામાં ઘટાડો નોંધાયો હતો, જે માર્ચ મહિના બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો સાબિત થઈ રહ્યો છે. આ કડાકા સાથે સોનાનો ભાવ 14 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. સોનાની સાથે ચાંદી અને અન્ય ઔદ્યોગિક ધાતુઓ પર પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સોના-ચાંદીના હાલ

બ્લૂમબર્ગના તાજા આંકડા મુજબ, શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં 2.4 ટકા સુધીનો ઘટાડો થયો હતો અને ભાવ 3,540 ડોલર પ્રતિ ઔંસની નીચે સરકી ગયો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન સોનું અંદાજે 9 ટકા તૂટ્યું છે. સપ્ટેમ્બર 2025 બાદના સૌથી નીચલા સ્તરે પહોંચેલું સોનું તેના 5,608 ડોલર પ્રતિ ઔંસના ઓલ-ટાઈમ હાઈ સ્તરથી 37 ટકા નીચે આવી ગયું છે. ચાંદીમાં પણ એક જ અઠવાડિયામાં અંદાજે 14 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ભારતીય બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અંદાજે 4 ટકા ગગડીને ₹1.22 લાખ પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે, જ્યારે ચાંદી ₹8,000થી વધુ તૂટીને ₹1.49 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે.

સોનામાં કેમ આવી રહ્યો છે આટલો મોટો ઘટાડો?

ચોઈસ બ્રોકિંગ (Choice Broking) ના કોમોડિટી ટેકનિકલ એનાલિસ્ટ કાવેરી મોરેના જણાવ્યા અનુસાર, મજબૂત અમેરિકી ડોલર અને વધતી ટ્રેઝરી યીલ્ડને કારણે સોના પર સતત દબાણ છે. તેમના મતે સ્થાનિક બજારમાં સોનું ₹1,20,000 પ્રતિ 10 ગ્રામ સુધી સરકી શકે છે.

કાવેરી મોરેએ વધુમાં જણાવ્યું કે અમેરિકી ફેડરલ રિઝર્વના કડક વલણ અને વ્યાજ દરોમાં વધારાની આશંકાથી રોકાણકારો સોનાથી દૂર થઈ રહ્યા છે. આ ઉપરાંત, AI કંપનીઓના શેરોમાં આવેલા ઘટાડા બાદ રોકાણકારો પોતાના નુકસાનની ભરપાઈ કરવા માટે સોનું વેચી રહ્યા છે. જોકે, ભાવ ઘટવાથી લગ્નસરાની સિઝનમાં જ્વેલરીની માંગ વધી રહી છે, તેમ છતાં ગ્રાહકો સાવચેતીપૂર્વક ખરીદી કરી રહ્યા છે.

આગામી સપ્તાહ માટે મહત્વના ટેકનિકલ લેવલ

કેડિયા ફિનકોર્પના ફાઉન્ડર નીતિન કેડિયાના મતે, આગામી સપ્તાહે એટલે કે 23 થી 27 નવેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોના માટે 3,600 થી 3,637 ડોલર પ્રતિ ઔંસનું સ્તર અત્યંત મહત્વપૂર્ણ રહેશે. જો સોનું આ રેન્જને પાર કરીને ટકી રહેશે, તો 3,668 ડોલર અને ત્યારબાદ 3,711 થી 3,759 ડોલર સુધીની રિકવરી જોવા મળી શકે છે. પરંતુ જો તે આ સ્તર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેશે, તો ભાવ 3,500 અને 3,454 ડોલર સુધી નીચે જઈ શકે છે.

2026 અને 2027 માટે 12 બ્રોકરેજ ફર્મ્સનું અનુમાન

સોનાની ચાલ પર નજર રાખતી 12 બ્રોકરેજ ફર્મ્સના મતે, વર્ષ 2026માં સ્થાનિક બજારમાં સોનાને ₹1,15,000 થી ₹1,25,000 પ્રતિ 10 ગ્રામની વચ્ચે સપોર્ટ મળી શકે છે. જ્યારે આગામી વર્ષ એટલે કે 2027 માટે બ્રોકરેજ ફર્મ્સ તેજીનો આશાવાદ વ્યક્ત કરી રહી છે અને ભાવ ₹1,46,000 થી ₹1,80,000 સુધી પહોંચવાનું અનુમાન લગાવી રહી છે.

કોષ્ટક

નોંધ: અહીં આપવામાં આવેલા વિચારો અને અનુમાન એક્સપર્ટ્સ તથા બ્રોકરેજ ફર્મ્સના પોતાના અંગત મત છે. કોમોડિટી બજારમાં રોકાણ જોખમોને આધીન છે, તેથી કોઈપણ રોકાણ કરતા પહેલા સર્ટિફાઇડ નાણાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.