IDBI Bank Acquisition: સરકારના સ્વતંત્ર મૂલ્યાંકનના માપદંડ કરતાં વધુ કિંમતની ઓફર કરીને રૂપિયા 52,878 કરોડમાં આઈડીબીઆઈ બેન્કનું સંપાદન કરનાર ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સ હવે આ બેન્કને બેન્કિંગ, વીમા, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને વેલ્થ મેનેજમેન્ટ જેવી વિવિધ સેવાઓ પૂરી પાડતી મોટી નાણાંકીય સંસ્થામાં પરિવર્તિત કરવાની દિશામાં આગળ વધશે.
આ હસ્તાંતરણથી કેનેડાની આ કંપની માટે આઈડીબીઆઈ બેન્કને એક વૈવિધ્યસભર ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્ષેત્રની અગ્રણી સંસ્થા બનાવવાનો માર્ગ મોકળો થશે, તેમ આ અંગેની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું.
અબજોપતિ રોકાણકાર પ્રેમ વત્સની આગેવાની હેઠળની ફેરફેક્સે વૈશ્વિક સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દરમિયાન આઈડીબીઆઈ બેન્કના 60.72 ટકા નિયંત્રણકારી હિસ્સા માટે શેરદીઠ રૂ. 81ની ઓફર કરી હતી. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી મૂલ્યાંકનની મર્યાદા શેરદીઠ રૂ. 75.99 હતી. આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું હતું કે ફેરફેક્સની ઓફર સરકારના નિર્ધારિત મૂલ્યાંકન કરતાં વધુ હતી.
31 માર્ચ, 2026ના રોજ આઈડીબીઆઈ બેન્કની નિયમનકારી ચોપડે દર્શાવેલી શેરદીઠ રૂ. 51.85ની બુક વેલ્યુની સરખામણીમાં આ ઓફર 56 ટકા વધુ હતી. આ મૂલ્યાંકનમાં રિવેલ્યુએશન રિઝર્વ અને ડિફર્ડ ટેક્સ એસેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત, અંતિમ ઓફર મંગાવવામાં આવી તે પહેલાંના છેલ્લા ટ્રેડિંગ દિવસ એટલે કે 18 મેના રોજ બેન્કના શેરનો બંધ ભાવ રૂ. 70.38 હતો. તેની સરખામણીમાં ફેરફેક્સની ઓફર આશરે 15 ટકા વધુ હતી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
બિડની જાહેરાત થયા બાદ શેરબજારમાં આઈડીબીઆઈ બેન્કના શેરનો ભાવ ઓફર કિંમત કરતાં નીચો રહ્યો છે. રોકાણમાંથી સરકારનો હિસ્સો વેચવાની પ્રક્રિયા અંગેની અનિશ્ચિતતા ઘટતાં શેરનો ભાવ ધીમે ધીમે બેન્કના વાસ્તવિક મૂલ્યની નજીક પહોંચ્યો છે, તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા તેના ટ્રાન્ઝેક્શન સલાહકાર મારફતે વૈશ્વિક સ્તરે પારદર્શક અને સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ આ હિસ્સાનું વેચાણ કરવામાં આવ્યું હતું. તમામ સંભવિત બિડર્સની ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા યોગ્યતા અને વિશ્વસનીયતાની ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં યોગ્ય ઠરેલા બિડર્સની ત્યારબાદ વિગતવાર તપાસ કરવામાં આવી હતી.
આઈડીબીઆઈ બેન્કમાં સરકારનો હિસ્સો વેચવાની નીતિગત રૂપરેખા વર્ષ 2016-17 અને 2021-22ના કેન્દ્રીય બજેટમાં રજૂ કરવામાં આવી હતી. જોકે, હિસ્સો વેચવાની ઔપચારિક પ્રક્રિયા ઓક્ટોબર 2022માં શરૂ થઈ હતી. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બેન્ક લાંબા સમયથી નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી તે હતું. મે 2017થી માર્ચ 2021 સુધી બેન્ક ભારતીય રિઝર્વ બેન્કના પ્રોમ્પ્ટ કરેક્શન એક્શન (પીસીએ) માળખા હેઠળ રહી હતી. આ સમયગાળા દરમિયાન સરકાર અને એલઆઈસી દ્વારા બેન્કને વારંવાર મૂડી સહાય પૂરી પાડવી પડી હતી.
આઈડીબીઆઈ બેન્કના હિસ્સા વેચવાની પ્રક્રિયામાં નીતિ આયોગની ભૂમિકા અંગે ઊભા થયેલા સવાલોને સ્પષ્ટ કરતાં સૂત્રોએ જણાવ્યું હતું કે નીતિ આયોગે આ બેન્કનું વેચાણ કરવાની કોઈ ભલામણ કરી નહોતી. આઈડીબીઆઈ બેન્ક એક શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્ક છે, જાહેર ક્ષેત્રનું ઉપક્રમ (પીએસયુ) નથી. નીતિ આયોગને માત્ર જાહેર ક્ષેત્રનાં ઉપક્રમોની યાદી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું.
નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંત સાથે સંભવિત હિતોના ટકરાવ અંગે લગાવવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે આઈડીબીઆઈ બેન્કમાં સરકારનો હિસ્સો વેચવાની ભલામણ કરનારી કોઈપણ સરકારી સમિતિમાં કાંતનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. કાંતે વર્ષ 2022માં નીતિ આયોગ છોડ્યું હતું અને તેના ત્રણ વર્ષ બાદ એટલે કે 2025માં તેઓ ફેરફેક્સ સાથે જોડાયા હતા.
