Edible Oil Price Hike: ભારતમાં ખાદ્ય તેલ ફરી થશે મોંઘું? મુખ્ય સપ્લાયર દેશમાં ઉત્પાદન ઘટતા અને B50 નીતિથી પુરવઠાનું સંકટ

વિશ્વના સૌથી મોટા પામ ઓઇલ આયાતકાર દેશ ભારત માટે આ અહેવાલ ચિંતાજનક છે, કારણ કે આંતરરાષ્ટ્રીય પુરવઠામાં વિક્ષેપ પડવાથી આગામી દિવસોમાં ભારતીય બજારમાં ખાદ્ય તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવી શકે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 21 Oct 2026 02:30 PM (IST)Updated: Wed, 21 Oct 2026 02:30 PM (IST)
el-nino-indonesia-palm-oil-production-drop-impact-on-india-edible-oil-prices-2026
ખાદ્ય તેલ ફરી થશે મોંઘું?

Edible Oil Prices India: હવામાનમાં આવી રહેલા પ્રતિકૂળ ફેરફારો અને ‘એલ નીનો’ (El Niño) ના કારણે વૈશ્વિક ખાદ્ય તેલ બજાર પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા પામ ઓઇલ ઉત્પાદક દેશ ઇન્ડોનેશિયામાં ભીષણ દુષ્કાળની સ્થિતિ સર્જાતાં ઉત્પાદનમાં આશરે 50 લાખ ટન સુધીનો મોટો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વના સૌથી મોટા પામ ઓઇલ આયાતકાર દેશ ભારત માટે આ અહેવાલ ચિંતાજનક છે, કારણ કે આંતરરાષ્ટ્રીય પુરવઠામાં વિક્ષેપ પડવાથી આગામી દિવસોમાં ભારતીય બજારમાં ખાદ્ય તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવી શકે છે.

વૈશ્વિક સપ્લાય ચેઇન પર પ્રતિકૂળ અસર

‘ઇન્ડોનેશિયન પામ ઓઇલ એસોસિએશન’ (GAPKI) ના તાજેતરના અંદાજ મુજબ, દુષ્કાળ અને ‘એલ નીનો’ની સંયુક્ત અસરને કારણે દેશમાં ક્રૂડ પામ ઓઇલ (CPO) ના ઉત્પાદનને ભારે ફટકો પડ્યો છે. ઇન્ડોનેશિયાનું કુલ ઉત્પાદન 53 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. જોકે, ત્યાં સરકારે લાગુ કરેલી ‘B50’ બાયોડીઝલ નીતિ હેઠળ માત્ર બાયોડીઝલના ઉત્પાદન માટે જ 16.3 થી 17 મિલિયન ટન પામ ઓઇલનો સ્થાનિક સ્તરે વપરાશ થઈ જશે.

સ્થાનિક વપરાશ વધવા અને ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે આંતરરાષ્ટ્રીય નિકાસ બજાર માટે ઉપલબ્ધ પામ ઓઇલના જથ્થામાં મોટો કાપ મુકાશે, જેની વૈશ્વિક અસર આવતા વર્ષની શરૂઆત સુધીમાં સ્પષ્ટપણે જોવા મળશે.

વિશ્વભરમાં ખાદ્ય તેલોના ભાવમાં તીવ્ર ઉછાળો

પામ ઓઇલ એ વિશ્વનું સૌથી સસ્તું અને વધુ વપરાતું ખાદ્ય તેલ છે. પામ ઓઇલના ભાવ વધતાં જ ગ્રાહકો તેની જગ્યાએ સોયાબીન તેલ અને સરસવના તેલ જેવા વિકલ્પો તરફ વળે છે, જેના કારણે અન્ય તમામ રિફાઇન્ડ તેલના ભાવ પણ વધવા લાગે છે. સપ્ટેમ્બર મહિનાના આંકડા અનુસાર, મુખ્ય ખાદ્ય તેલોના દરમાં ગયા વર્ષની સરખામણીએ 9.7% થી 11.2% સુધીનો વધારો નોંધાઈ ચૂક્યો છે:

  • RBD પામોલિન: 9.7% ના વધારા સાથે પ્રતિ ટન $1,119 થી વધીને $1,228 થયો.
  • ક્રૂડ પામ ઓઇલ (CPO): 10.4% વધીને પ્રતિ ટન $1,164 થી $1,285 પર પહોંચ્યો.
  • ક્રૂડ સોયાબીન ઓઇલ: 11.2% ના વધારા સાથે પ્રતિ ટન $1,314 થયો.
  • ક્રૂડ સનફ્લાવર ઓઇલ: 10.8% ના વધારા સાથે પ્રતિ ટન $1,432 નોંધાયો.

ભારત પર કેમ પડશે સીધી અસર?

ભારત પોતાની ખાદ્ય તેલની જરૂરિયાતોનો આશરે 55 થી 60 ટકા હિસ્સો વિદેશી આયાત દ્વારા પૂરો કરે છે, જેમાં પામ ઓઇલ મુખ્ય છે. ભારત મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયા પાસેથી પામ ઓઇલ ખરીદે છે. છેલ્લા 11 મહિનામાં (નવેમ્બરથી સપ્ટેમ્બર) મલેશિયાએ ભારતને 29.76 લાખ ટન અને ઇન્ડોનેશિયાએ 29.05 લાખ ટન પામ ઓઇલની નિકાસ કરી હતી. જો મલેશિયામાં પણ પાક પર હવામાનની પ્રતિકૂળ અસર પડશે, તો ભારત માટે પુરવઠો મેળવવો મુશ્કેલ બનશે.

'સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા' (SEA) ના ડેટા અનુસાર, ભારતમાં ખાદ્ય તેલની કુલ આયાત છેલ્લા 11 મહિનામાં 3.27% વધીને 151.64 લાખ ટન થઈ છે (જે અગાઉ 146.83 લાખ ટન હતી). જેમાં માત્ર પામ ઓઇલની આયાત જ 69.80 લાખ ટનથી 5.32% વધીને 73.52 લાખ ટન પહોંચી છે. આમ, દેશમાં આયાતી તેલ પર નિર્ભરતા વધુ હોવાથી આગામી તહેવારો અને લગ્નસરાની સીઝનમાં ભારતીય ગ્રાહકોએ ખાદ્ય તેલ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.