Anil Ambani News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અનિલ અંબણી (Anil Ambani)ના રિલાયન્સ ગ્રુપ (Reliance Group) સાથે સંકળાયેલી આશરે રૂપિયા 1,885 કરોડની સંપત્તિ હંગામી ધોરણે ટાંચમાં લેવામાં આવી છે. ED એ બુધવારે આ અંગે એક નિવેદન આપ્યું હતું.
EDની માહિતી પ્રમાણે આ કાર્યવાહી રિલાયન્સ હોમ ફાયનાન્સ લિમિટેડ (RHFL), રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ લિમિટેડ (RCFL) તથા યસ બેન્ક (Yes Bank) છેતરપિંડી કેસ ઉપરાંત રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCOM) સાથે સંકળાયેલ બેન્ક છેતરપિંડી કેસો અંતર્ગત કરવામાં આવી છે.
ટાંચમાં લવામાં આવેલી સંપત્તિમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની BSES યમુના પાવર લિમિટેડ, BSES રાજધાની પાવર લિમિટેડ અને મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડમાં હિસ્સેદારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વેલ્યૂ કોર્પ ફાયનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડના નામ પર અત્યારે રૂપિયા 148 કરોડની બેન્ક રકમ તથા રૂપિયા 143 કરોડની દેવું (રિસીવેબલ્સ) પણ કુર્ક કરવામાં આવ્યું છે.ય
રૂપિયા 12,000 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે
અત્યાર સુધીમાં જૂથમાંથી જપ્ત કરાયેલી કુલ સંપત્તિ આશરે રૂપિયા 12,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને જાણવા મળ્યું કે RCOM, RCFL, RHFL, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને રિલાયન્સ પાવર લિમિટેડ સહિત અનિલ અંબાણી ગ્રુપની વિવિધ કંપનીઓએ જાહેર ભંડોળનો છેતરપિંડીથી દુરુપયોગ કર્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પ્રમાણે વર્ષ 2017 થી વર્ષ 2019 ની વચ્ચે યસ બેંકે RHFL માં રૂપિયા 2,965 કરોડ અને RCFL માં રૂપિયા 2,045 કરોડનું રોકાણ કર્યું હતું, જે ડિસેમ્બર 2019 સુધીમાં NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ Non-Perfoming Assets) બની ગયું. તે સમયે RHFL પાસે રૂપિયા 1,353.50 કરોડ અને RCFL પાસે રૂપિયા 1,984 કરોડનું બાકી લેણું હતું.
