Digital Payment Security: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ બધી બેંકો અને પેમેન્ટ એપ્સ (જેમ કે Google Pay, PhonePe, Paytm)ને 1 ઓક્ટોબર, 2025થી UPI પર પીઅર-ટુ-પીઅર (P2P) 'કલેક્શન રિક્વેસ્ટ' સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. NPCIનો આ નિર્ણય UPIને વધુ સુરક્ષિત બનાવવા તરફ એક સીમાચિહ્નરૂપ છે.
'કલેક્શન રિક્વેસ્ટ' અથવા 'પુલ ટ્રાન્ઝેક્શન'એ UPIની એક સુવિધા છે, જે તમને બીજા વ્યક્તિ પાસેથી પૈસા માંગવાની મંજૂરી આપે છે. ધારો કે, તમારે તમારા મિત્ર પાસેથી 1,000 રૂપિયા લેવાના છે. તમે તમારી UPI એપ પર જશો, મિત્રનું UPI ID દાખલ કરશો અને 1,000 રૂપિયાની 'કલેક્શન રિક્વેસ્ટ' મોકલશો.
તમારા મિત્રને એક સૂચના મોકલવામાં આવશે અને તે પોતાનો UPI પિન દાખલ કરીને તેને મંજૂરી આપશે કે તરત જ તમારા ખાતામાં 1,000 રૂપિયા જમા થઈ જશે. આ સુવિધા મિત્રો અથવા સંબંધીઓને બાકી રહેલા પૈસાની યાદ અપાવવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ છેતરપિંડી કરનારાઓએ તેને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવી લીધું હતું. NPCIએ અગાઉ પણ આ છેતરપિંડીને રોકવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન કલેક્ટ રિક્વેસ્ટની મર્યાદા ઘટાડીને 2,000 રૂપિયા કરી હતી.
આનાથી છેતરપિંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ છેતરપિંડી કરનારાઓ હજુ પણ લોકોને નવી રીતે ફસાવી રહ્યા હતા, જેના કારણે આ પગલું ભરવું પડ્યું. ખાસ વાત એ છે કે વેપારીઓ (એટલે કે દુકાનદારો અને કંપનીઓ) તમને પહેલાની જેમ કલેક્ટ રિક્વેસ્ટ મોકલી શકશે. વાસ્તવમાં, જ્યારે તમે ઈ-કોમર્સ વેબસાઇટ પરથી કોઈપણ માલ ખરીદો છો અને UPI દ્વારા ચુકવણીનો વિકલ્પ પસંદ કરો છો, ત્યારે આ કંપનીઓ તમારા ફોન પર પેમેન્ટ રિક્વેસ્ટ મોકલે છે.
જો તમે તમારો પિન દાખલ કરીને તેને મંજૂરી આપો છો, તો ચુકવણી પૂર્ણ થઈ જશે. આ પ્રક્રિયા પહેલાની જેમ ચાલુ રહેશે. પહેલાની જેમ, તમે QR કોડ, મોબાઇલ નંબર અથવા UPI ID સ્કેન કરીને કોઈપણ વ્યક્તિને સીધા પૈસા (પુશ ટ્રાન્ઝેક્શન) મોકલી શકશો. સામાન્ય લોકો માટે ફક્ત પૈસા માંગવાની સુવિધા (પુલ ટ્રાન્ઝેક્શન) બંધ કરવામાં આવી છે.
(ઇનપુટ- IANS)