Silver Price Forecast:ચાંદીમાં રોકાણ કરનારાઓ વર્તમાન સમયમાં ભારે આર્થિક નુકસાનમાંથી પસાર થઈ રહ્યા છે. મજબૂત બની રહેલા ડોલર અને અમેરિકાની મધ્યસ્થ બેન્ક તરફથી વ્યાજ દરોમાં વધારો કરવામાં આવે તેવી સતત આપવામાં આવી રહેલા સંકેતોને લીધે સોના ઉપરાંત ચાંદીની કિંમતોમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે.
4 લાખ લેવલથી ગગડી રૂપિયા 1.70 લાખ પહોંચી ચાંદી
અત્રે ઉલ્લેખનીય છે કે ચાંદીના ભાવ રૂપિયા ચાર લાખની રેકોર્ડ ઊંચી સપાટીથી આશરે રૂપિયા 1.70 લાખ લેવલ પર આવી ગયા છે. જેને લીધે રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
બજારના નિષ્ણાતો કિંમતો અંગે શું કહે છે?
તાજેતરમાં સોના કરતાં વધારે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, પણ હવે સ્થિતિ વિપરીત થઈ ગઈ છે અને ચાંદી સૌથી વધારે ઘટાડો નોંધાવી રહી છે. ચાંદી અંગે બજારના નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં ઊંચા વ્યાજ દરોની સ્થિતિમાં બુલિયન માર્કેટમાં વધુ દબાણ જોવા મળી શકે છે અને સતત નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે.
ચાંદી છેલ્લા 14 મહિનાની નીચી સપાટીએ પહોંચી
આ સાથે ભારતીય બજારોમાં ચાંદીની કિંમત 14 મહિનાની નીચી સપાટી પર કામકાજ કરી રહી છે. એક સમયે ચાંદીના ઔંસદીઠ ભાવ 110 ડોલરને પાર થઈ ગયા હતા, જે વર્તમાન સમયમાં ઘટીને 50 ડોલરની સપાટી ગુમાવી દીધી છે અને 47 ડોલર પ્રતિ ઔંસ પર કામકાજ કરી રહી છે.
ઊંચા વ્યાજ દરોનું દબાણ
ચાંદીની કિંમતોમાં થઈ રહેલા ઘટાડા માટે સ્થાનિક પરિબળ ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિબળો પણ એટલા જ જવાબદાર છે. વૈશ્વિક સ્તરે સતત ઊંચા વ્યાજનું દબાણ અને ટ્રેઝરી ઈલ્ડને લીધે બુલિયન માર્કેટમાં આકર્ષણ સતત ઘટી રહ્યું છે. US ડોલરનો ઈન્ડેક્સ આશરે 0.1 ટકા ગગડીને 103.50 પર આવી ગયો છે.
કિંમતોમાં સતત પીછેહઠ
આજે આ અહેવાલ લખાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઔંસદીઠ ચાંદીનો ભાવ ગગડીને 45.88 ડોલર પર કામકાજ કરતો હતો. સોનાની કિંમતમાં પણ વેચવાલી ભારે થઈ છે અને તે વધુ ગગડીને 3873 ડોલર પ્રતિ ઓંસ ભાવ પહોંચી ગયો છે. ભારતમાં પણ ચાંદીના કિલો દીઠ ભાવ રૂપિયા 1.75 લાખની નીચે ઉતરી ગયા છે.
