Retail Inflation:સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારીનો દર વધી 5.54 ટકા થયો છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં આ 4.83 ટકા હતો. એટલે કે એક મહિનામાં તેમાં 0.71 ટકા વધારો થયો છે. મોંઘવારી વધવાનો અર્થ છે કે સામાન્ય લોકોને દૈનિક જરૂરિયાતો પર અગાઉની તુલનામાં વધારે પૈસા ખર્ચ કરવા પડે છે.
ખાદ્ય મોંઘવારીમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં ખાદ્ય મોંઘવારીનો દર 5.97 ટકા હતો, જે સપ્ટેમ્બરમાં વધીને 7.74 ટકા થઈ ગયો છે. જ્યારે ખાદ્ય ચીજવસ્તુઓ સાથે સંકળાયેલ મોંઘવારીનો દર 5.66 ટકા વધી 7.36 ટકા પહોંચી ગયો છે. ત્યારબાદ તેની અસર ઘરના માસિક બજેટ પર થઈ શકે છે.
શહેર અને ગામ બન્ને જગ્યાથી દબાણ વધ્યું
મોંઘવારીમાં વધારો ફક્ત શહેરો સુધી જ મર્યાદિત નથી. શહેરી વિસ્તારોમાં છૂટક મોંઘવારી દર ઓગસ્ટ મહિનાના 4.31 ટકા વધી સપ્ટેમ્બરમાં 4.88 ટકા થઈ ગયો છે. ગ્રામીણ વિસ્તારોમાં તે 5.24 ટકાથી વધી 6.08 ટકા પહોંચી ગયો છે. આ આંકડાથી માલુમ થયું છે કે ગામોમાં મોંઘવારીનું દબાણ શહેરોની તુલનામાં વધારે રહ્યું છે.
ટ્રાન્સપોર્ટથી લઈ કપડાં સુધી વધી મોંઘવારી
સપ્ટેમ્બર મહિનામાં ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી મોંઘવારીનો દર 4.60 ટકાથી વધી 5.01 ટકા થયા છે. હેલ્થ સાથે સંકળાયેલ મોંઘવારી 1.34 ટકાથી વધી 1.40 ટકા રહી છે. હાઉસિંગ યુટીલિટીનો મોંઘવારીનો દર પણ 2.61 ટકાથી વધી 2.74 ટકા પહોંચી ગયો છે.
કપડાં અને જૂતા-ચપ્પલોની મોંઘવારી 3.56 ટકાથી વધી 3.93 ટકા થઈ ગઈ છે. પાન અને તમાકું સાથે સંકળાયેલ 4.71 ટકાથી વધી 4.8 ટકા રહી છે. જ્યારે ફર્નિશિંગ અને ઘરેલુ ઉપકરણોની મોંઘવારીનો દર 3.11 ટકા નોંધાયો છે.
એકંદરે સપ્ટેમ્બર મહિનામાં આંકડા દર્શાવે છે કે મોંઘવારીનું દબાણ વધ્યું છે. આગામી સમયમાં ખાદ્ય ચીજવસ્તુઓ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની કિંમતો પર લોકોની નજર રહેશે.
