Jaggery Price Hike: આગામી તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકો માટે માઠા સમાચાર આવ્યા છે. ખાંડ પછી હવે ગોળના સતત વધતા ભાવે ઘરનું બજેટ ખોરવી નાખવાની સાથે સામાન્ય લોકોની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા દેશના અગ્રણી શેરડી અને ગોળ ઉત્પાદક રાજ્યોમાં આગામી સમયમાં શેરડીની અછત વર્તાવાના અંદાજો વચ્ચે દેશભરના બજારોમાં ગોળની કિંમતો આસમાને પહોંચી છે. તહેવારી સિઝન પૂર્વે જ ગોળના ભાવમાં 25 થી 30 ટકા સુધીનો જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. મુંબઈ APMCમાં 25 ઓગસ્ટ 2026ના રોજ ગોળનો જથ્થાબંધ ભાવ આશરે ₹80 થી ₹100 પ્રતિ કિલો સુધી નોંધાયો હતો.
મીઠાઈઓ અને પરંપરાગત વાનગીઓ બનશે મોંઘી
ગોળના બજારમાં અલગ-અલગ ગુણવત્તાવાળો માલ ઉપલબ્ધ હોય છે, જેથી તેની ક્વોલિટી મુજબ ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. આ સિવાય છૂટક વેચાણ કેન્દ્રો પર ગોળના રિટેલ ભાવ જથ્થાબંધ દર કરતાં પણ વધુ જોવા મળી રહ્યા છે. પહેલાં ખાંડ અને હવે ગોળના ભાવ વધવાના કારણે આ વર્ષે ગણેશ ઉત્સવ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં ઘરોમાં બનતા લાડુ, પરંપરાગત વાનગીઓ તેમજ બજારની મીઠાઈઓ બનાવવાનો ઉત્પાદન ખર્ચ નોંધપાત્ર રીતે વધી જશે. ફેસ્ટિવ સિઝનમાં બહારથી મીઠાઈઓ ખરીદવી મોંઘી બનવાની સાથે સામાન્ય ગ્રાહકો અને મીઠાઈ ઉત્પાદકો બંને પર આર્થિક બોજ વધશે.
ઓગસ્ટમાં નોંધાયો 25 થી 30 ટકાનો વધારો
મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા દેશના મુખ્ય ગોળ ઉત્પાદક રાજ્યોમાં છેલ્લા બે અઠવાડિયામાં જ ગોળના ભાવમાં આશરે 25 ટકા સુધીનો મોટો ઉછાળો આવ્યો છે. ગોળ ઉત્પાદકો અને વેપારીઓના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિના દરમિયાન ખાંડના ભાવ સાથે તાલ મિલાવતાં ગોળના ભાવમાં દેશભરમાં 25 થી 30 ટકાનો વધારો થયો છે.
2027 સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા
ઉદ્યોગના નિષ્ણાતોના મતે ઓક્ટોબર મહિનામાં નવું ઉત્પાદન શરૂ થાય ત્યાં સુધી ગોળના ભાવ ઊંચા સ્તરે જળવાયેલા રહેશે. આ ઉપરાંત આગામી વર્ષે પણ શેરડીની ઉપલબ્ધતા ઓછી રહેવાની ધારણા સેવાઈ રહી છે. પરિણામે ગોળના આ વધેલા ભાવો વર્ષ 2027 સુધી જળવાઈ રહેવાની શક્યતા છે, જેનાથી વેપારીઓ અને ગ્રાહકો બંને પર લાંબા ગાળાનું નાણાકીય દબાણ રહેશે.
