દેવઉઠી અગિયારસ પહેલાં સોનું ₹1.30 લાખ નીચે, 7 દિવસમાં ચાંદી ₹24 હજાર સસ્તી; શું ખરીદીનો આ છે મોકો?

19 નવેમ્બરે IBJA અને MCX પર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો. યુએસ ફેડના સંકેત, મજબૂત ડૉલર અને ક્રૂડ ઓઈલની અસર વચ્ચે નિષ્ણાતોનો મત જાણો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 19 Nov 2026 05:38 PM (IST)Updated: Thu, 19 Nov 2026 05:39 PM (IST)
goldsilverpricedropbelow130lakhusfeddollarimpact

Gold Silver Prices Today: લગ્નસરાની સિઝનની શરૂઆત ગણાતી દેવઉઠી અગિયારસના બરાબર એક દિવસ અગાઉ એટલે કે 19 નવેમ્બરે બુલિયન માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડાનો દોર યથાવત રહ્યો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના તાજા આંકડા મુજબ, 24 કેરેટ શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ ₹1,179 ઘટીને ₹1.30 લાખના મહત્વપૂર્ણ સ્તરની નીચે સરકી ગયો છે. બીજી તરફ, ચાંદીમાં પણ ₹2,158 નો ઘટાડો નોંધાતા એક કિલોનો ભાવ ₹1.62 લાખ પર પહોંચી ગયો છે.

એક સપ્તાહમાં બજારની ચાલ અને ઐતિહાસિક તુલના

છેલ્લા 7 કારોબારી દિવસોના આંકડા પર નજર કરીએ તો સોનું આશરે ₹12,000 અને ચાંદી લગભગ ₹24,000 જેટલી સસ્તી થઈ ચૂકી છે. ગત 10 નવેમ્બરે 10 ગ્રામ સોનું ₹1.42 લાખ અને એક કિલો ચાંદી ₹1.86 લાખના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. 11 ડિસેમ્બર 2025 બાદ પ્રથમ વખત સોનાનો ભાવ ₹1.30 લાખથી નીચે જોવા મળ્યો છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ ગુરુવારે સતત ચોથા સત્રમાં દબાણ જોવા મળ્યું હતું. બપોરના સત્રમાં ડિસેમ્બર વાયદાનું સોનું 0.34 ટકા ઘટીને ₹1,29,377 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું, જે છેલ્લા 18 દિવસમાં ₹10,372 નો ઘટાડો દર્શાવે છે. જોકે, MCX પર ચાંદીમાં થોડી રિકવરી સાથે 0.16 ટકાના ઉછાળા બાદ ભાવ ₹1,60,995 પ્રતિ કિલો પર જોવા મળ્યો હતો.

ઓલ-ટાઈમ હાઈથી અત્યાર સુધીનો ઘટાડો

વર્ષની શરૂઆતમાં એટલે કે 29 જાન્યુઆરીના રોજ ચાંદી ₹3.80 લાખના રેકોર્ડ સ્તરે પહોંચી હતી, જે 31 ડિસેમ્બર 2025ના રોજ ₹2.30 લાખ હતી. આ સર્વોચ્ચ સપાટીથી ચાંદી અત્યાર સુધીમાં ₹2.18 લાખ જેટલી નીચે આવી ચૂકી છે. તેવી જ રીતે, 31 ડિસેમ્બર 2025ના રોજ ₹1.33 લાખ પર રહેલું 24 કેરેટ સોનું 29 જાન્યુઆરીએ ₹1.76 લાખની ટોચે પહોંચ્યું હતું, જ્યાંથી અત્યાર સુધીમાં ₹46,000નો મોટો ઘટાડો નોંધાયો છે.

યુદ્ધના ભણકારા છતાં સોનું કેમ તૂટી રહ્યું છે?

સામાન્ય રીતે જ્યારે વૈશ્વિક સ્તરે યુદ્ધ કે ભૌગોલિક તણાવ વધે ત્યારે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોના તરફ વળે છે. પરંતુ હાલમાં મિડલ ઈસ્ટમાં તણાવ હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 14 મહિનાના નીચલા સ્તરે એટલે કે $3,693 થી $3,700 પ્રતિ ઔંસની આસપાસ પહોંચી ગયું છે. સપ્ટેમ્બર 2025 પછીનું આ સૌથી નીચલું સ્તર છે. આ અસામાન્ય ઘટાડા પાછળ મુખ્ય પરિબળો જવાબદાર છે-

અમેરિકી ફેડરલ રિઝર્વનું કડક વલણ

યુએસ સેન્ટ્રલ બેંક દ્વારા મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજદરોમાં વધુ વધારો કરવાના સંકેત આપવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની વધતી માંગને પણ ફુગાવા માટે જવાબદાર ગણીને ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વોલરે ડિસેમ્બરની બેઠકમાં 0.25% થી 0.50% સુધીના વ્યાજદર વધારાનો ઈશારો કર્યો છે. સોનું કોઈ વ્યાજ આપતું ન હોવાથી ઊંચા વ્યાજદરના સમયમાં રોકાણકારો બોન્ડ અને બેંક ડિપોઝિટ તરફ વળે છે.

ડૉલર ઈન્ડેક્સ 19 મહિનાની ટોચે

ફેડના આક્રમક વલણને પગલે અમેરિકી ડૉલર 19 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. યુરો, યેન અને પાઉન્ડ સામે ડૉલર મજબૂત થવાથી ભારત સહિતના અન્ય દેશો માટે આંતરરાષ્ટ્રીય બજારમાંથી સોનું આયાત કરવું મોંઘું પડે છે, જેનાથી ફિઝિકલ ડિમાન્ડ પર બ્રેક વાગી છે.

ક્રૂડ ઓઈલની તેજી અને પ્રોફિટ બુકિંગ

ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન સામે સૈન્ય કાર્યવાહીના અહેવાલો વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઉછળીને $93 પ્રતિ બેરલ નજીક પહોંચ્યું છે. મોંઘા તેલને કારણે ટ્રાન્સપોર્ટ અને ઉર્જા ખર્ચ વધવાની ભીતિ છે, જેનાથી મોંઘવારી વધશે અને વ્યાજદરો લાંબો સમય ઊંચા રહેશે. આ ઉપરાંત, ઊંચા ભાવે મોટા રોકાણકારો દ્વારા કરવામાં આવેલી પ્રોફિટ બુકિંગે પણ ભાવ પર દબાણ વધાર્યું છે.

ચાંદી સસ્તી થવા પાછળના 3 ખાસ કારણો

ઔદ્યોગિક માંગમાં નરમાઈ: ઈલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ અને વિવિધ ફેક્ટરીઓમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે. વૈશ્વિક મંદીના માહોલને કારણે ઔદ્યોગિક માંગ ઘટતા કિંમતો નીચે આવી છે.

સપ્લાયમાં વધારો: ખાણોમાંથી ઉત્પાદન વધવાને કારણે વૈશ્વિક બજારમાં ચાંદીની ઉપલબ્ધતા વધી છે, જેની સીધી અસર ભાવ પર પડી છે.

સોનાની ચાલની અસર: આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં ચાંદી મોટાભાગે સોનાના ટ્રેન્ડને અનુસરે છે. સોનામાં વેચવાલી આવતા ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

અલગ-અલગ શહેરોમાં સોનાના દર જુદા કેમ હોય છે?

દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં સોનાની કિંમતમાં તફાવત જોવા મળે છે, જેની પાછળ 4 મુખ્ય કારણો છે-

ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા ખર્ચ: પોર્ટ પરથી વિવિધ શહેરો સુધી સોનું પહોંચાડવામાં ઈંધણ અને સુરક્ષાનો ખર્ચ ઉમેરાય છે, તેથી અંતર મુજબ ભાવ બદલાય છે.

ખરીદીનું પ્રમાણ: દક્ષિણ ભારતમાં દેશનો આશરે 40% જેટલો સોનાનો વપરાશ થાય છે. ત્યાંના જ્વેલર્સ જથ્થાબંધ ખરીદી કરતા હોવા છતાં ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકો સુધી મર્યાદિત પહોંચે છે.

સ્થાનિક એસોસિએશનના નિયમો: દરેક રાજ્ય અને શહેરના જ્વેલરી એસોસિએશન સ્થાનિક માંગ અને પુરવઠાની સ્થિતિ જોઈને દૈનિક દર નક્કી કરે છે.

જૂનો સ્ટોક: જ્વેલર્સે કયા ભાવે સોનાનો સ્ટોક ખરીદ્યો છે, તેના આધારે તેઓ ગ્રાહકો માટે વેચાણ કિંમત નક્કી કરતા હોય છે.

હવે આગળ શું? નિષ્ણાતોની રોકાણકારોને સલાહ

કોમોડિટી નિષ્ણાત અજય કેડિયાના મતે, બજારમાં અત્યારે એકસામટી મોટી ખરીદી કરવાને બદલે તબક્કાવાર ખરીદી કરવી હિતાવહ છે. થોડું સોનું-ચાંદી અત્યારે ખરીદી શકાય અને બાકીનું 15 થી 20 દિવસના અંતરે ખરીદવું જોઈએ. ટૂંકા ગાળાના બદલે 6 મહિનાથી 1 વર્ષનો દ્રષ્ટિકોણ રાખીને રોકાણ કરવું વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બીજી તરફ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) દ્વારા 2026 માટે માંગના અંદાજમાં થોડો ઘટાડો કરાયો હોવા છતાં, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત સોનાની ખરીદી કરી રહી છે. ભારતમાં લગ્નગાળાની સિઝન અને ગોલ્ડ ETFમાં રોકાણકારોના જળવાઈ રહેલા વિશ્વાસને કારણે આગામી દિવસોમાં નીચલા સ્તરેથી ભાવને થોડો ટેકો મળી શકે છે.

ખરીદદારો માટે જરૂરી ટિપ્સ: શુદ્ધતાની તપાસ કેવી રીતે કરવી?

સોનું ખરીદતી વખતે રાખવાની આ સાવચેતી જરુરી છે-

BIS હોલમાર્ક: હંમેશા બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા પ્રમાણિત હોલમાર્ક ધરાવતું જ સોનું ખરીદો. દાગીના પર 6 અંકનો આલ્ફાન્યૂમેરિક HUID નંબર (જેમ કે- AZ4524) અવશ્ય તપાસો, જેનાથી સોનાના કેરેટની સાચી માહિતી મળે છે.

ભાવ અને વજનની ચકાસણી: ખરીદીના દિવસે 24, 22 અને 18 કેરેટના ભાવ IBJAની સત્તાવાર વેબસાઈટ કે અન્ય વિશ્વસનીય સ્રોતો પરથી ક્રોસ-ચેક કરો અને વજનની ચોકસાઈ તપાસો.

અસલી ચાંદી ઓળખવાની 4 સરળ રીતો

મેગ્નેટ ટેસ્ટ: શુદ્ધ ચાંદી ક્યારેય ચુંબક તરફ આકર્ષાતી નથી; જો તે ચુંબકને ચોંટે તો તેમાં ભેળસેળ છે.

આઈસ ટેસ્ટ: ચાંદીની વસ્તુ પર બરફનો ટુકડો મૂકવાથી જો તે સામાન્ય કરતાં ખૂબ ઝડપથી ઓગળવા લાગે, તો ચાંદી અસલી છે.

સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં કોઈ પણ પ્રકારની વાસ આવતી નથી, જ્યારે નકલી ચાંદીમાંથી તાંબા કે અન્ય ધાતુ જેવી ગંધ આવે છે.

ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ સુતરાઉ કપડાથી ઘસવા પર જો કપડા પર કાળો ડાઘ પડે, તો સમજવું કે ચાંદી શુદ્ધ છે.