Dhanteras 2026 Gold Silver Rates: સોનું ₹32,000 અને ચાંદી ₹1.92 લાખ સસ્તી, જાણો ગયા વર્ષની સરખામણીમાં ભાવ

જોકે, આ વર્ષે કિંમતી ધાતુઓની કિંમતોમાં પાછલા કેટલાક મહિનાઓ દરમિયાન ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જાન્યુઆરી 2026માં સોના-ચાંદીએ ઓલ-ટાઈમ હાઈ વટાવ્યા બાદ ભાવમાં મોટો કડાકો બોલાયો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 06 Nov 2026 11:54 AM (IST)Updated: Fri, 06 Nov 2026 11:54 AM (IST)
dhanteras-2026-gold-silver-rates-how-much-more-expensive-are-they-this-year
ધનતેરસ 2026

Dhanteras 2026 Gold Silver Rates: આજે 6 નવેમ્બરે દેશભરમાં ધનતેરસનો પવિત્ર તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે. શુકન અને સમૃદ્ધિના આ તહેવારે સોના-ચાંદીની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. જોકે, આ વર્ષે કિંમતી ધાતુઓની કિંમતોમાં પાછલા કેટલાક મહિનાઓ દરમિયાન ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જાન્યુઆરી 2026માં સોના-ચાંદીએ ઓલ-ટાઈમ હાઈ વટાવ્યા બાદ ભાવમાં મોટો કડાકો બોલાયો છે. પરંતુ આ તાજેતરના ઘટાડા છતાં, શું ગયા વર્ષની ધનતેરસની તુલનામાં સોના-ચાંદી સસ્તા થયા છે? તો તેનો જવાબ છે 'ના'. પાછલા વર્ષની સરખામણીએ આજે પણ બંને ધાતુઓ મોંઘી જ વેચાઈ રહી છે.

ગયા વર્ષની ધનતેરસથી સોનું કેટલું મોંઘું થયું?

'ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન' (IBJA) ના આંકડા અનુસાર, પાછલા વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબર 2025ના રોજ હતી. તે સમયે શનિવાર હોવાથી સરખામણી માટે 17 ઓક્ટોબર 2025ના છેલ્લા ટ્રેડિંગ સેશનનો ભાવ ધ્યાને લેવાયો છે, ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,29,584 પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે 5 નવેમ્બર 2026ના રોજ સોનાનો ભાવ વધીને ₹1,42,129 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આ રીતે, ગઈ ધનતેરસની સરખામણીએ પ્રતિ 10 ગ્રામ સોનું ₹14,545 મોંઘું થયું છે, જે ટકાવારીની દ્રષ્ટિએ આશરે 11.22% નો વધારો દર્શાવે છે.

ચાંદીની કિંમતોમાં પણ 10% થી વધુનો ઉછાળો

ગઈ ધનતેરસ (18 ઓક્ટોબર 2025) ના રોજ 999 શુદ્ધતા વાળી ચાંદીનો ભાવ ₹1,69,230 પ્રતિ કિલોગ્રામ હતો. જ્યારે 5 નવેમ્બર 2026ના રોજ ચાંદીનો ભાવ વધીને ₹1,84,300 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. આમ, એક વર્ષના ગાળામાં એક કિલો ચાંદી ₹18,070 મોંઘી થઈ છે, જે કિંમતોમાં આશરે 10.68% નો વધારો દર્શાવે છે.

ઓલ-ટાઇમ હાઇથી સોના-ચાંદી કેટલા નીચે આવ્યા?

વર્ષ 2026ના રેકોર્ડ ભાવની વાત કરીએ તો, 30 જાન્યુઆરી 2026ના રોજ 24 કેરેટ સોનાની કિંમત ₹1,76,121 પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ હતી. જોકે, ત્યારબાદ સુધારાના તબક્કામાં 5 નવેમ્બર સુધીમાં સોનું ઘટીને ₹1,44,129 પર આવી ગયું છે. આમ, સોનું તેના ઓલ-ટાઇમ હાઇ સ્તરથી પ્રતિ 10 ગ્રામ ₹31,992 એટલે કે આશરે 18.16% સસ્તું થયું છે.

બીજી તરફ, ચાંદીમાં સોના કરતાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદી ₹3,79,988 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. પરંતુ 5 નવેમ્બર સુધીમાં તેનો ભાવ ઘટીને ₹1,87,300 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. આ હિસાબે ચાંદી પોતાના ઓલ-ટાઇમ હાઇ સ્તરથી ₹1,92,688 પ્રતિ કિલોગ્રામ એટલે કે આશરે 50.71% જેટલી ગગડી ગઈ છે. એટલે કે જાન્યુઆરીના રેકોર્ડ ભાવની સરખામણીએ ચાંદીની કિંમત અડધી થઈ ગઈ છે.

આ ધનતેરસે સોનું ખરીદવું કે ચાંદી?

કિંમતોમાં આવેલા મોટા ઘટાડા બાદ રોકાણકારો માટે એ સવાલ ઊભો થયો છે કે આ ધનતેરસે સોનું ખરીદવું વધુ સારું રહેશે કે ચાંદી. બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લાંબા ગાળાના રોકાણ માટે સોનું પ્રમાણમાં સ્થિર વિકલ્પ ગણાય છે. જ્યારે ચાંદીમાં રોકાણની સાથે-સાથે ઔદ્યોગિક માંગ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સોલર એનર્જી, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અને ઇલેક્ટ્રોનિક્સ જેવા વધતા જતા ક્ષેત્રોમાં ચાંદીની માંગ ભવિષ્યમાં ખૂબ વધવાની ધારણા છે.