Colette Kress Named Nvidia Interim CEO: ટેક્નોલોજી જગતમાં હચમચી નાખે તેવા એક મોટા ઘટનાક્રમમાં, આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ચિપ નિર્માણ ક્ષેત્રની દિગ્ગજ કંપની NVIDIAના લાંબા સમયથી CEO રહેલા જેન્સેન હુઆંગે (Jensen Huang) પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ કંપનીએ પોતાના લાંબા ગાળાના CFO રહેલાં કોલેટ ક્રેસને કંપનીના વચગાળાના CEO તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય સાથે જ ચિપમેકર કંપનીના છેલ્લા 33 વર્ષના એક સુવર્ણ અધ્યાયનો અંત આવ્યો છે.
કોણ છે કોલેટ ક્રેસ? (Who is Colette Kress?)
59 વર્ષીય કોલેટ ક્રેસ છેલ્લા 13 વર્ષથી વધુ સમયથી NVIDIA સાથે જોડાયેલા છે અને તેમને કંપનીના સૌથી પ્રભાવશાળી અને મજબૂત અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે. કંપનીના આંતરિક સંચાલન, નાણાકીય વ્યૂહરચના અને મોટા ગ્રાહકો સાથેના સંબંધોની તેમને ઊંડી સમજ છે.
શિક્ષણ: તેમણે યુનિવર્સિટી ઓફ એરિઝોનામાંથી નાણાકીય બાબતો (Finance)માં સ્નાતકની ડિગ્રી અને સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટી (Southern Methodist University)માંથી MBAની ડિગ્રી મેળવી છે.
ભૂતકાળનો અનુભવ: સપ્ટેમ્બર 2013માં NVIDIAમાં જોડાતા પહેલા, તેમણે સિસ્કો (Cisco), માઈક્રોસોફ્ટ (Microsoft) અને ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (Texas Instruments) જેવી દિગ્ગજ ટેક કંપનીઓમાં આશરે 25 વર્ષ સુધી નાણાકીય નેતૃત્વની ભૂમિકાઓ ભજવી છે.
સિસ્કામાં તેમણે ત્રણ વર્ષ સુધી વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને નાણાકીય પ્રમુખ તરીકે કામ કર્યું હતું.
માઈક્રોસોફ્ટમાં તેમણે 13 વર્ષ વિતાવ્યા, જેમાંથી 4 વર્ષ તેમણે માઈક્રોસોફ્ટના સર્વર એન્ડ ટૂલ્સ ડિવિઝનના CFO તરીકે કામ કર્યું હતું.
NVIDIAનો શાનદાર વિકાસ અને ક્રેસની ભૂમિકા
કોલેટ ક્રેસના કાર્યકાળ દરમિયાન NVIDIA સામાન્ય ગેમિંગ ગ્રાફિક્સ કાર્ડ બનાવતી કંપનીમાંથી બદલાઈને વૈશ્વિક સ્તરે AI કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સૌથી મોટી અને મુખ્ય સપ્લાયર બની ગઈ. જ્યારે તેઓ 2013માં કંપની સાથે જોડાયા ત્યારે NVIDIAની વાર્ષિક રેવન્યૂ આશરે 4 બિલિયન ડોલરથી થોડી વધારે હતી, જે વધીને નાણાકીય વર્ષ 2026માં આશરે 216 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે.
વોલ સ્ટ્રીટ (Wall Street) પર ક્રેસ એક જાણીતું અને ભરોસાપાત્ર નામ છે. તેઓ નિયમિતપણે જેન્સેન હુઆંગ સાથે ત્રિમાસિક આવક કૉલ્સ (Quarterly Earnings Calls)માં ભાગ લેતા હતા, જ્યાં તેઓ નાણાકીય પ્રદર્શન, ગ્રાહકોની માંગ, સપ્લાય ચેઈનની અડચણો અને ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરતા.
માત્ર નાણાકીય સંચાલન જ નહીં, પરંતુ 'Yorkville Ives & Co.'ના વિશ્લેષક ડેન આઈવ્સે સીએનબીસી (CNBC) સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે- તેઓ માત્ર એક CFO કરતાં પણ ઘણું વધારે છે. તેમણે ક્રેસને NVIDIA માટે સ્વિસ આર્મી નાઈફ સમાન ગણાવ્યા હતા, જે ટેક્નોલોજી, ગ્રાહકો અને ભાગીદારી સંબંધિત તમામ વ્યૂહરચનાઓમાં ઊંડાણપૂર્વક સામેલ રહ્યા છે.
મુખ્ય પડકારો અને જેન્સેન હુઆંગ સાથેની તુલના
જેન્સેન હુઆંગની જગ્યા લેવી એ કોઈ સામાન્ય વાત નથી, તે એક અત્યંત કપરો પડકાર છે. હુઆંગ પોતે એક એન્જિનિયર અને કંપનીના સ્થાપક (Founder) હતા, જેઓ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ટેકનિકલ નિર્ણયો અને કંપનીની દીર્ઘકાલીન રણનીતિમાં સીધા સંડોવાયેલા રહેતા હતા. છતાં, ગુરુવારના રોજ જાહેર કરાયેલા નિવેદનમાં કોલેટે ક્રેસે આ પડકારને સ્વીકારતા જણાવ્યું હતું કે, તેઓ જેન્સેન દ્વારા છેલ્લા 33 વર્ષમાં તૈયાર કરવામાં આવેલી અસાધારણ ઇમારત અને પાયા પર કંપનીને વધુ આગળ લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
કંપનીના નવનિયુક્ત બોડ અધ્યક્ષ હાર્વે જોન્સે (Harvey Jones) પણ ક્રેસની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમની નિમણૂક હાલ પૂરતી અંતરિમ (Interim) છે અને બોર્ડ દ્વારા કાયમી CEO માટે આંતરિક તેમજ બાહ્ય બંને પ્રકારના ઉમેદવારોની શોધ ચાલી રહી છે. આ સમગ્ર પરિવર્તન કાળ દરમિયાન ક્રેસ પોતાની CFO તરીકેની જવાબદારીઓ પણ સાથોસાથ સંભાળતી રહેશે.
અચાનક ફેરફાર પાછળનું કારણ અને શેરબજાર પર અસર
આ નેતૃત્વ પરિવર્તન એવા સમયે આવ્યું છે જ્યારે જેન્સેન હુઆંગના કથિત અંગત સંબંધો અને એક ચીની વ્યવસાયિક મહિલા સાથેના વિવાદને લઈને સવાલો ઉઠી રહ્યા છે, જેને લઈને અમેરિકન અધિકારીઓ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.
આ અચાનક થયેલા ફેરફારને કારણે ગુરુવારના પ્રારંભિક કારોબારમાં NVIDIAના શેરમાં 12%થી વધુનો ઘટાડો નોંધાયો હતો, કારણ કે રોકાણકારોમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું હતું.
હવે કોલેટ ક્રેસ માટે સૌથી પહેલી અને મોટી પરીક્ષા ખૂબ જ નજીક છે, કારણ કે NVIDIA આગામી 17 નવેમ્બરના રોજ પોતાની ત્રિમાસિક આવક અહેવાલ (Quarterly Earnings Report) રજૂ કરવાની છે.
