સામાન્ય માણસના ખિસ્સા પર વધુ એક બોજ: કેનરા બેંકે એટીએમ ચાર્જમાં કર્યો વધારો, જાણી લો નવા નિયમો

કેનરા બેંકે 1 સપ્ટેમ્બર 2026થી એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમો બદલ્યા છે. ફ્રી મંથલી લિમિટ ઘટીને 5 થઈ ગઈ છે અને લિમિટ બાદ કેશ વિથડ્રોઅલ તથા બેલેન્સ ન હોવા પર નિષ્ફળ ટ્રાન્ઝેક્શનનો ચાર્જ વધારી દેવાયો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 02 Sep 2026 11:39 PM (IST)Updated: Wed, 02 Sep 2026 11:39 PM (IST)
canara-bank-atm-charges-2026-new-rules-fees-explained

Canara Bank ATM Charges 2026: કેનરા બેંકના ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. બેંકે 1 સપ્ટેમ્બર 2026થી પોતાના એટીએમ (ATM) ટ્રાન્ઝેક્શનના નિયમો અને ચાર્જીસમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવેથી બચત ખાતું (Savings Account) ધરાવતા ગ્રાહકો માટે મહિનાની મફત ટ્રાન્ઝેક્શન મર્યાદા ઘટાડી દેવામાં આવી છે. આ ઉપરાંત ફ્રી મર્યાદા પૂરી થયા બાદ રોકડ ઉપાડવી કે ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ટ્રાન્ઝેક્શન કેન્સલ થવું ગ્રાહકોને મોંઘું પડશે.

ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટી

કેનરા બેંકના સેવિંગ્સ એકાઉન્ટ હોલ્ડર્સને અત્યાર સુધી દર મહિને 6 ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન મળતા હતા, જે હવે ઘટાડીને ૫ ટ્રાન્ઝેક્શન કરી દેવાયા છે. આ પાંચ ટ્રાન્ઝેક્શનમાં નાણાકીય (રોકડ ઉપાડ) અને બિન-નાણાકીય (જેમ કે બેલેન્સ ચેક કરવું) બંને પ્રકારના વ્યવહારો સામેલ છે. જોકે, બેંકે સિનિયર સિટિઝન્સ માટે રાહત જાળવી રાખી છે; તેમને પહેલાની જેમ જ દર મહિને 8 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળતી રહેશે.

કેશ ઉપાડવાના ચાર્જમાં વધારો

મહિનાની 5 ફ્રી લિમિટ પૂરી થયા બાદ કેનરા બેંકના એટીએમ અથવા કેશ રિસાયકલર મશીનમાંથી પૈસા ઉપાડવા પર હવે ₹23 ચાર્જ ચૂકવવો પડશે, જે અગાઉ ₹20 હતો. આ ચાર્જ પર જીએસટી (GST) અલગથી વસૂલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, યુપીઆઈ (UPI) મારફતે એટીએમમાંથી રોકડ ઉપાડવા પર પણ આ નવો ચાર્જ લાગુ પડશે. જોકે, એટીએમ મશીનમાં પૈસા જમા કરાવવા (Cash Deposit) પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં.

ઇન્સફિશિયન્ટ બેલેન્સ પર પણ વધુ પેનલ્ટી

જો તમારા ખાતામાં પૂરતા પૈસા નહીં હોય અને મંથલી ફ્રી લિમિટ પૂરી થયા પછી એટીએમ ટ્રાન્ઝેક્શન ફેલ (Fail) થશે, તો તેના માટે પણ બેંકે પેનલ્ટી વધારી દીધી છે. ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાના કારણે નિષ્ફળ ગયેલા ટ્રાન્ઝેક્શન પર હવે ₹17ને બદલે ₹23 પ્લસ જીએસટી ચાર્જ લાગશે. આ નિયમ કેનરા બેંક અને અન્ય બેંકોના એટીએમ બંને પર સમાન રીતે લાગુ થશે.

ગ્રીન પિન જનરેશન ચાર્જમાં રાહત

જોકે, એક બાબતમાં ગ્રાહકોને રાહત મળી છે. મંથલી ફ્રી લિમિટ પૂરી થયા પછી જો કોઈ ગ્રાહક નવો 'ગ્રીન પિન' (Green PIN) જનરેટ કરાવે છે, તો તેનો ચાર્જ ₹23થી ઘટાડીને માત્ર ₹5 કરી દેવામાં આવ્યો છે. આ રાહત બેંકના ક્લાસિક, સ્ટાન્ડર્ડ, પ્લેટિનમ, બિઝનેસ અને વર્લ્ડ કાર્ડ જેવા તમામ ડેબિટ કાર્ડ વેરિઅન્ટ્સ પર લાગુ પડશે.