Anil Ambani ED Raid: અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, મની લોન્ડરિંગ કેસમાં 3000 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગના આક્ષેપોને અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની 3000 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 03 Nov 2025 12:14 PM (IST)Updated: Mon, 03 Nov 2025 12:14 PM (IST)
anil-ambani-troubles-deepen-as-ed-freezes-assets-worth-rs-3000-crore

ED Raid on Anil Ambani's Assets: અનિલ અંબાણીની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગના આક્ષેપોને પગલે રિલાયન્સ ગ્રુપની 3000 કરોડથી વધુ મૂલ્યની સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 5(1) હેઠળ કરવામાં આવી છે. આ આદેશો 31 ઓક્ટોબર 2025ના રોજ જારી કરવામાં આવ્યા હતા.

આ સમાચારના પગલે તેમની કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સવારે લગભગ 9:30 વાગ્યે, રિલાયન્સ પાવરનો શેર 0.47 રૂપિયા ઘટીને 45.95 પર હતો. તે જ સમયે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 3.70 રૂપિયા ઘટીને 210.85 પર હતો, જે તે દિવસે 204 સુધી ગગડ્યો હતો.

3084 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત

ED દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં મુંબઈમાં આવેલું અનિલ અંબાણીનું પાલી હિલ ખાતેનું ઘર તેમજ ભારતના અન્ય મોટા શહેરોમાં ફેલાયેલી સંપત્તિઓ શામેલ છે. EDએ જણાવ્યું છે કે તેણે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપનીઓ સાથે જોડાયેલી આશરે 3084 કરોડની પ્રોપર્ટીઝને અસ્થાયી રૂપે જપ્ત કરી છે.

જપ્ત કરાયેલી સંપત્તિ

EDએ રિલાયન્સ ગ્રુપ સાથે સંકળાયેલી 40થી વધુ પ્રોપર્ટીઝને ફ્રીઝ કરી છે. જે શહેરોમાં આ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે તેમાં દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, મુંબઈ, પુણે, થાણે, હૈદરાબાદ, ચેન્નાઈ, કાંચીપુરમ અને ઈસ્ટ ગોદાવરીનો સમાવેશ થાય છે. આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીઝમાં ઓફિસ સ્પેસની સાથે રહેવા માટેના એકમો અને જમીનના પ્લોટ શામેલ છે.

શું છે સમગ્ર મામલો

આ કેસ મુખ્યત્વે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ (RCF) દ્વારા એકત્ર કરાયેલા જાહેર ભંડોળના કથિત ગેરવહીવટ અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. 2017 અને 2019 ની વચ્ચે યસ બેંકે રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં 2965 કરોડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સમાં 2045 કરોડનું રોકાણ કર્યું હતું. EDને જાણવા મળ્યું કે પૂર્વ રિલાયન્સ નિપ્પન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આ કંપનીઓમાં સીધું રોકાણ કરવું એ SEBIના મ્યુચ્યુઅલ ફંડ માટેના કોન્ફ્લિક્ટ-ઓફ-ઈન્ટરેસ્ટ નિયમો હેઠળ માન્ય ન હતું.

આ નિયમથી બચવા માટે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જનતા પાસેથી એકત્ર કરાયેલા નાણાં યસ બેંકના રોકાણ દ્વારા અપ્રત્યક્ષ રીતે અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું કે આ ભંડોળ RHFL અને RCF દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જેમણે ત્યારબાદ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓને લોન આપી હતી.