Anil Ambani Group: અનિલ અંબાણીની મુશ્કેલી વધી! 17000 કરોડના મની લોન્ડરિંગ કેસમાં રિલાયન્સ પાવરના CFO અશોક પાલની ધરપકડ

ED એ અનિલ અંબાણીના સહયોગી એવા રિલાયન્સ પાવરના CFO અશોક કુમાર પાલની ધરપકડ કરી હતી. આ ધરપકડ મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં કરવામાં આવી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 11 Oct 2025 12:14 PM (IST)Updated: Sat, 11 Oct 2025 12:14 PM (IST)
anil-ambani-reliance-power-cfo-ashok-kumar-pal-arrests-money-laundering-case

Reliance Power CFO Ashok Kumar Pal Arrest: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 17000 કરોડના કથિત મની લોન્ડરિંગ કેસમાં રિલાયન્સ પાવરના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) અશોક કુમાર પાલની ધરપકડ કરી છે. પાલ પર જાહેર ભંડોળને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની યોજનાના ભાગરૂપે નકલી બેંક ગેરંટી જારી કરવામાં સામેલ હોવાનો આરોપ છે.

અશોક પાલની ધરપકડ

ED એ શુક્રવારે રાત્રે અનિલ અંબાણીના સહયોગી એવા રિલાયન્સ પાવરના CFO અશોક કુમાર પાલની ધરપકડ કરી હતી. આ ધરપકડ એડીએ (ADA) ગ્રુપ લોન છેતરપિંડી સાથે જોડાયેલી મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં કરવામાં આવી છે. રિલાયન્સ પાવર લિમિટેડના કાર્યકારી નિર્દેશક અને મુખ્ય નાણાકીય અધિકારી (CFO) પાલને PMLA હેઠળ ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

PMLA હેઠળ ધરપકડ

EDના જણાવ્યા મુજબ પાલે ભારતીય સૌર ઊર્જા નિગમ (SECI) ને સોંપવામાં આવેલી 68 કરોડથી વધુની નકલી બેંક ગેરંટીને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ગેરંટી નકલી બિલિંગ, નકલી કંપનીઓ અને નકલી ઈમેલ ડોમેન્સ સાથે જોડાયેલા એક વ્યાપક રેકેટનો હિસ્સો હતી, જેનો ઉદ્દેશ્ય બનાવટી નાણાકીય સાધનોને કાયદેસર તરીકે રજૂ કરવાનો હતો. EDનો દાવો છે કે આ એક લિસ્ટ્ડ કંપની જેના 75 ટકાથી વધુ શેર જનતા પાસે છે, તેમાંથી જાહેર ભંડોળને બીજી જગ્યાએ મોકલવાની યોજના બની રહી હતી.

અનિલ અંબાણી ગ્રુપની તપાસ

ઓગસ્ટ મહિનામાં ED એ આ કેસમાં પૂછપરછ માટે અનિલ અંબાણીને પણ સમન્સ પાઠવ્યા હતા. તે જ મહિને ED એ મુંબઈમાં 35 સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં ADA સમૂહ સાથે જોડાયેલી 50 કંપનીઓ અને 25 વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. EDની તપાસની સમાંતર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) પણ આ મામલે તપાસ કરી રહી છે.

CBI એ રાણા કપૂર અને અનિલ અંબાણી સાથે સંબંધિત બે ભ્રષ્ટાચારના કેસોમાં આરોપપત્રો દાખલ કર્યા છે. CBI નો આરોપ છે કે બંનેએ જાહેર ભંડોળને આર્થિક રીતે અસ્થિર ADA સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવા માટે કાવતરું ઘડ્યું હતું.

કોણ છે અશોક પાલ

કંપનીની વેબસાઇટ અનુસાર અશોક પાલ 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ રિલાયન્સ પાવરમાં સાત વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. પાલને 29 જાન્યુઆરી, 2023 ના રોજ કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.