8th Pay Commission Update: પેન્શનર્સના ચહેરા પર છવાશે ખુશી, કમ્યૂટેડ પેન્શન માટે 15 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે

8માં પગાર પંચની ટર્મ્સ ઑફ રેફરન્સમાં નેશનલ કાઉન્સિલ સ્ટાફ તરફથી કરવામાં આવેલી આ માંગને સામેલ કરવામાં આવી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 04 Jul 2025 04:28 PM (IST)Updated: Fri, 04 Jul 2025 04:28 PM (IST)
8th-pay-commission-update-on-commuted-pension
HIGHLIGHTS
  • 3 વર્ષ પહેલા જ ખાતામાં રકમ આવી જશે
  • કમ્યુટેડ પેન્શનમાં પરિવર્તનની વર્ષોથી થઈ રહી છે માગ

8th Pay Commission Update: કેન્દ્ર સરકારના વર્તમાન અને નિવૃત કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર સામે આવી શકે છે. હકીકતમાં લાંબા સમયથી ચાલતી આવી રહેલી કમ્યુટેડ પેન્શનની બહાલની મુદ્દતને 15 વર્ષથી ઘટાડીને 12 વર્ષ કરવાની માંગ હવે વાસ્તવિક્તા બની શકે છે.

નેશનલ કાઉન્સિલ સ્ટાફ તરફથી કેન્દ્ર સરકારને સોંપવામાં આવેલા પત્રમાં આ માંગ કરવામાં આવી છે. આથી 8મા પગાર પંચમાં ટર્મ્સ ઑફ રેફરન્સમાં આ માંગને સામેલ કરવામાં આવી શકે છે.

કમ્યૂટેડ પેન્શન શું છે અને તેમાં બદલાવ કેમ જરૂરી?
જ્યારે કોઈ સરકારી કર્મચારી નિવૃત થાય, તો તેને એક વિકલ્પ મળે છે કે, તે પોતાના માસિક પેન્શનનો એક ભાગ એકસાથે લઈ શકે છે. જેને કમ્યૂટેશન ઑફ પેન્શન કહેવામાં આવે છે. જેના બદલામાં તેનું માસિક પેન્શન આગામી 15 વર્ષ સુધી કપાતુ જાય છે, જેનાથી સરકાર એડવાન્સ રકમ ફરીથી વસૂલી શકે.

અત્યારે આ પ્રક્રિયા 15 વર્ષ સુધી ચાલે છે, પરંતુ પેન્શનર્સ અને કર્મચારી સંગઠનોનું કહેવું છે કે, આ મુદ્દત ખૂબ જ લાંબી છે અને આર્થિક દ્રષ્ટિએ અસમાન છે. ખાસ કરીને વર્તમાન સમયમાં વ્યાજના દરો ઓછા થઈ રહ્યા છે અને ખર્ચા વધી રહ્યાં છે. એવામાં નિવૃત કર્મચારી પોતાના જ પેન્શનથી લાંબા સમય સુધી વંચિત રહે છે.

12 વર્ષ કરવાની કેમ જરૂર પડી?
આ સંદર્ભે સરકારી કર્મચારી યુનિયનની દલીલ છે કે, જો મુદ્દત 15ની જગ્યાએ 12 વર્ષ કરવામાં આવે, તો નિવૃત કર્મચારીઓને જલ્દી જ તેમનું પુરુ પેન્શન મળવાનું શરૂ થઈ જશે. જેનાથી તેઓ મેડિકલ, સામાજક જવાબદારીઓ સહિતના ખર્ચાઓને પહોંચી વળશે.

આ ઉપરાંત 12 વર્ષની મુદ્દતથી સરકારની રેવન્યૂ પર પણ વધારે આર્થિક ભારણ નહીં પડે, કારણ કે પહેલા જ કાપવામાં આવેલી રકમ અે વ્યાજની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી હશે.

સરકારના આધારભૂત સુત્રો અનુસાર, આ માંગ 8માં પગાર પંચના ટર્મ ઑફ રેફરન્સમાં સામેલ કરવા સંદર્ભે વિચાર થઈ રહ્યો છે. જો આ પ્રસ્તાવને ToRમાં સામેલ કરવામાં આવશે, તો ભવિષ્યમાં આ ફેરફાર લાગુ થવાનું નક્કી છે.

ઉલ્લેખનીય છે કે, 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ થાય છે. આથી 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ માનવામાં આવી રહ્યું છે. જો કે સરકાર હજુ સુધી પંચની રચના કે તેના સભ્યોની જાહેરાત નથી કરી. જેના પરિણામે પગાર પંચની પ્રક્રિયામાં વિલંબ થવાની અટકળોએ વેગ પકડ્યો છે.