8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2025નું વર્ષ ખરેખરમાં 'અચ્છે દિન' લઈને આવ્યું છે. ઘણાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી, તે આઠમા પગાર પંચની સત્તાવાર રચના અને ટર્મ ઑફ રેફરન્સને સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આવનારું 8મું પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે માત્ર ખોરાક અને આવાસ પુરતું જ સિમિત નહીં રહે, પરંતુ તેમા મોબાઈલ અને ઈન્ટરનેટના બિલની રકમ પણ ઉમેરાઈ શકે છે.
હકીકતમાં કર્મચારી યુનિયનો દ્વારા માંગ કરવામાં આવી છે કે, આજના ડિજિટલ યુગમાં મોબાઈલનું રિચાર્જ, ઈન્ટરનેટ અને વાઈ-ફાઈ જેવી સુવિધા પાછળ થતાં ખર્ચાને પણ લઘુત્તમ વેતન નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે. અત્યાર સુધી પગાર ધોરણ નક્કી કરતી વખતે માત્ર ખોરાક, વસ્ત્રો, આવાસ, વીજળી, બાળકોના અભ્યાસ જેવી બાબતોને જ ધ્યાનમાં લેવામાં આવતી હતી.
યુનિયનોનું કહેવું છે કે, આજના સમયમાં મોબાઈલ કે ઈન્ટરનેટ વિના કોઈ પણ કામ કરવું લગભગ અશક્ય છે. નેશનક કાઉન્સિલ JCM (સ્ટાફ સાઈડ) દ્વારા 8માં પગાર પંચને લઈને કેટલાક સૂચન મોકલવામાં આવ્યા છે. જેમાં બેઝીક સેલેરી નક્કી કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવાનું જણાવાયું છે.
જેમાં ખાણી-પીણી ઉપરાંત કપડા અને શૂઝની કિંમતને પણ ધ્યાનમાં રાખવામાં આવે. આ સાથે જ તહેવારો અને લગ્ન સહિત અન્ય સામાજિક ખર્ચા માટે અલગ રકમની જોગવાઈ કરવામાં આવે. સૌથી મોટી વાત મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, ડેટા પેક અને OTT સબસ્ક્રીપ્શન જેવી આજની ડિજિટલ જરૂરિયાતોના આધેરે બેઝીક સેલેરી નક્કી કરવામાં આવે.
અગાઉ 7મા પગાર પંચે 1957ના ભારતીય શ્રમ સંમેલનની જૂની ફોર્મુલાના આધારે બેઝીક સેલેરી 18 હજાર રૂપિયા રાખી હતી. જેમાં મોબાઈલ-ઈન્ટરનેટનો કોઈ ઉલ્લેખ જ નહતો, કારણ કે તે સમયે તે આટલા સામાન્ય નહતા.
જો કે હવે સરકારી કર્મચારીઓ ઈચ્છે છે કે, આજના સમયની માંગ પ્રમાણે 8મા પગાર પંચની ફોર્મુલા બનાવવામાં આવે, જેમાં ડિજિટલ ખર્ચા પણ ઉમેરવામાં આવે. આજે ઈન્ટરનેટ વિના જોબ કરવી, બાળકોને અભ્યાસ કરવો તેમજ સરકારી એપ્લિકેશન વાપરવી મુશ્કેલ હોવાની દલીલ કરવામાં આવી છે.
જો આ માંગ સ્વીકારવામાં આવે, તો 8માં પગાર પંચમાં લઘુત્તમ વેતન ધરખમ વધારો થઈ શકે છે અને ફિટમેન્ટ ફેક્ટર પર અગાઉ કરતાં વધારે રહેવાની આશા છે. હાલ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની વડપણ હેઠળ પગાર પંચની રચના કરવામાં આવી છે.જે પોતાનો રિપોર્ટ 2026-27 સુધીમાં આપશે. એવામાં કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે, આ પગાર પંચમાં તેમની ડિજિટલ જરૂરિયાતની માંગ પણ સ્વીકારવામાં આવે.
