Digital Life Certificate: દર વર્ષે નવેમ્બર મહિનો આવતા જ પેન્શનર્સ માટે લાઈફ સર્ટિફિકેટ અર્થાત હયાતીનો દાખલો જમા કરાવવો મોટી ઝંઝટ બની જાય છે. પહેલા તેમને બેંક કે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. જ્યાં લાંબી લાઈનો, એક-એક ડોક્યુમેન્ટ માટે ઘરના ધક્કા ખાવા વગેરે જેવી સમસ્યાના કારણે વૃદ્ધ પેન્શનર્સને ભારે હાડમારી થતી હતી. જો કે હવે UIDAI દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને એકદમ સરળ અને ડિજિટલ બનાવી દીધી છે. હજુ નવેમ્બર મહિનાને પુરો થવામાં અઠવાડિયા જેટલી વાર છે, તો પેન્શનર્સ પોતાના ઘરે બેઠા જ મોબાઈલની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવી શકે છે.
UIDAIના જણાવ્યા પ્રમાણે, પેન્શનર્સને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવવા માટે માત્ર બે એપ્લિકેશનની જ જરૂર પડશે. AadhaarFaceRD એપ્લિકેશન દ્વારા ચહેરાની ખાતરી કરવામાં આવશે. જ્યારે JeevanPramaan એપ દ્વારા લાઈફ સર્ટિફિકેટ બનાવવામાં આવશે.
આ બન્ને એપ્લિકેશન એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં સરળતાથી ડાઉનલોડ થઈ શકે છે. આ પ્રક્રિયા એઠલી સરળ છે કે, સીનિયર સિટીઝન્સ પણ પોતાના પરિવારના કોઈ સભ્યની મદદથી સરળતાથી પોતાનું લાઈફ સર્ટિફિકેટ બનાવી શકે છે.
ફેસ ઓથેન્ટિફિકેશન (AadhaarFaceRD)
સૌ પ્રથમ AadhaarFaceRD એપ ઈન્સ્ટોલ કરો. જે તમારા ચહેરાને આધાર ડેટાબેસ સાથે મેચ કરાવીને ઓળખની પુષ્ટિ કરે છે. આ સમગ્ર પ્રોસેસ એકદમ સિક્યોર છે. આ માટે કોઈ OTP કે ફિંગર પ્રિન્ટની જરૂર નહીં પડે.
જીવનપ્રમાણ એપ (JeevanPramaan)
ફેસ ઑથેન્ટિફિકેશન બાદ હવે JeevanPramaan એપ્લિકેશન ઑપન કરો. જેમાં પેન્શનર્સનો આધાર નંબર, મોબાઈલ નંબર સહિત કેટલીક બેઝીક જાણકારી નાંખવાની રહે છે. જે બાદ મોબાઈલ પર OTP આવશે, જેને નાંખવાથી એપ તમારા ચહેરાને ફરીથી સ્કેન કરવા લાગે છે. જેવી આ પ્રક્રિયા પુરી થાય, તે સાથે જ ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ જનરેટ થઈ જાય છે. હવે સબમિટનું બટન દબાવતા તમારું સર્ટીફિકેટ સરકારી સિસ્ટમમાં જમા થઈ જશે. જેની એક કોપી મોબાઈલ અને ઈમેઈલમાં મળી જાય છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર પ્રક્રિયા પેપરલેસ હોવાની સાથે-સાથે એકદમ સરળ અને 100 ટકા ડિજિટલ છે. જેમાં પેન્શનર્સને કોઈ પણ બેંક, સરકારી કચેરીમાં લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી પડતી.
