Geyser Safety Tips: ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિયાળો જામ્યો છે. વહેલી સવારે અને સૂરજ આથમ્યા બાદ કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હજુ ડિસેમ્બર આવશે, ત્યારે ઠંડી વધારે કાતિલ બનશે. આવી સમયે આપણામાંથી ઘણાં લોકો તો ન્હાવાનું પણ માંડી વાળશે.
શિયાળાની સિઝનમાં ઠંડા પાણીથી ન્હાવા, કપડા કે વાસણ ધોવાથી વ્યક્તિ બીમાર પણ પડી શકે છે. આથી જ મોટાભાગના ઘરોમાં ગીઝર આવશ્યક બની ગયું છે. જો તમે પણ ઘરમાં પણ ઈલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરતા હોવ, તો તમારે કેટલીક સાવધાની અચૂક રાખવી જોઈએ, નહીંતર બોમ્બની માફક બ્લાસ્ટ થઈ શકે છે.
મોટાભાગે ઈલેક્ટ્રિક ગીઝરને લોકો ઑન કરીને મૂકી દે છે. આમ કરવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ગીઝરમાં પાણી વધારે ગરમ થવાથી તેમાં બ્લાસ્ટ થઈ શકે છે. ખાસ કરીને જૂના ગીઝરમાં બ્લાસ્ટ થવાની સંભાવના વધારે રહે છે. જૂના ગીઝરમાં ઑટો કટ તેમજ સ્માર્ટ સેન્સર જેા ફિચર્સ નથી હોતા, જેના કારણે તે ઑવર હીટ થવા પર બંધ નથી થતા.
જો તમારા ઘરમાં પણ જૂનું ગીઝર ઈન્સ્ટોલ કરાવ્યું હોય, જેમાં સ્માર્ટ સેન્સર કે ઑટો કટ જેવા ફિચર્સ ના આપ્યા હોય, તો ગીઝરનો ઉપયોગ ના કરો, ત્યારે સ્વીચ ઑફ કરી દો. જૂના ગીઝરને તમે રિપ્લેસ પણ કરી શકો છો. જેની જગ્યાએ તમે નવું સ્માર્ટ સેન્સર વાળું ગીઝર ઈન્સ્ટોલ કરાવી શકો છો. જેથી ભૂલથી પણ ગીઝરની સ્વીચ ઑન રહી જાય, તો તેમાં બ્લાસ્ટ ના થાય.
ઓટો કટ વાળા ગીઝરનો અન્ય એક ફાયદો એ પણ છે કે, તે એની મેળે જ ઑફ થઈ જતું હોવાથી વીજળીની પણ બચત થાય છે. આ સિવાય ગીઝર ઈન્સ્ટોલ કરાવતી વખતે તમારે થર્મોસ્ટેટ જરૂર લગાવવો જોઈએ, જેથી પાણી ગરમ થાય તો ખબર પડી જાય અને તેમાં બ્લાસ્ટ ના થાય.
આ સાથે જ ગીઝર માટે પાવર સૉકેટ (16 એમ્પીયર)નો જ ઉપયોગ કરવો જોઈએ. આવી જ રીતે ગીઝર ચલાવવા માટે વધારે કરંટની આવશ્યક્તા રહે છે. ઓછા પાવર ધરાવતા સૉકેટ લગાવવાથી શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે અને ઘરમાં આગ પણ ભભૂકી શકે છે.
નવું ગીઝર ખરીદ્યા બાદ તેને પ્રોફેશનલ ટેક્નીશિયન પાસે જ ઈન્સ્ટોલ કરાવો. પૈસા બચાવવાના ચક્કરમાં તમે કોઈ લોકલ ઈલેક્ટ્રીશિયન પાસે ગીઝર ઈન્સ્ટોલ ના કરાવશો. જે કંપનીનું ગીઝર ખરીદો તેના જ પ્રોફેશનલ ટેક્નીશિયનને જ ઈન્સ્ટોલેશન માટે બોલાવો. આમ કરવાથી ગીઝરમાં શોર્ટ સર્કિટની સંભાવના મહદઅંશે ટળી જાય છે.
આટલું જ નહીં, તમે નવું ગીઝર ISI માર્ક જોઈને જ ખરીદવું જોઈએ. ગીઝરની પાવર કન્ઝ્યુમિંગ રેટિંગ અર્થાત સ્ટાર રેટિંગને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી વીજળીની બચત થઈ શકે.
