Vadodara: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાણોદ ગામના યુવક સાથે ઑનલાઇન શેર માર્કેટમાં રોકાણ પર ભારે નફો અપાવવાની લાલચ આપીને રૂ. 2.38 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ડભોઈ તાલુકાના ચાણોદ ગામમાં રહેતો મીત ભટ્ટ કર્મકાંડ કરવાની સાથે-સાથે એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ પણ કરે છે. થોડા દિવસ અગાઉ તેને ટેલિગ્રામમાં 'ટ્રેડ વિથ વિકાસ' નામની લિન્ક મોકલવામાં આવી હતી. જેમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરવાથી 40 હજારનો નફો થવાની આકર્ષક ઓફર દર્શાવવામાં આવી હતી.
આથી મીતે લિન્ક પર ક્લિક કરતાં વોટ્સએપ મારફતે તેની સાથે ચેટ કરવામાં આવતી હતી. જેમાં ગઠિયાએ મીત પાસે 10 હજાર રૂપિયાનું રોકાણ કરાવીને તેને 57 હજાર રૂપિયાનો નફો દર્શાવીને વધારે રોકાણ કરવા સમજાવ્યો હતો.
જે બાદ ભેજાબાજોએ GST ચાર્જ, વેરિફિકેશન ચાર્જ, બ્રોકરેજ ફી, મેનેજર ચાર્જ, વિડ્રોઅલ ચાર્જ જેવા બહાના દર્શાવીને્ મીત પાસેથી ટૂકડે-ટૂકડે 2.38 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી.
પોતે કરેલા રોકાણ સામે નફો ના મળતા મીતે પોતાના ભાઈની સલાહ માગી હતી. જેમાં પોતાની સાથે સાયબર ફ્રોડ થયું હોવાનો ભાંડો ફૂટતા તેણે સાયબર ક્રાઈમ સેલની હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી. હાલ તો આ મામલે ચાણોદ પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
