8th Pay Commission: સરકારી કર્મચારીઓનો પગાર સીધો 108 ટકા સુધી વધવાની શક્યતા, આવતીકાલે બજેટ પર રહેશે સૌની નજર

2016માં લાગુ કરવામાં આવેલા સાતમા પગાર પંચ પ્રમાણે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 23.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 31 Jan 2025 07:39 PM (IST)Updated: Fri, 31 Jan 2025 07:39 PM (IST)
8th-pay-commission-fitment-factor-salary-of-government-employees-increase-up-to-108-percent
HIGHLIGHTS
  • ફિટમેન્ટ ફેક્ટરના આધારે સેલેરી સ્ટ્રક્ચર પર એકનજર

8th Pay Commission: કેન્દ્રીય કેબિનેટ તરફથી 8માં પગાર પંચને મંજૂરી મળ્યા બાદ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. જેમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92 થી 2.08ની વચ્ચે રહે તેવી સંભાવના દર્શાવાઈ રહી છે. જેથી 8મું પગાર પંચ લાગુ થતાં જ સરકારી કર્મચારીઓના પગારમાં 108 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

જો કે સરકાર તરફથી હજુ સુધી પગાર ધોરણ, મોંઘવારી ભથ્થા અને ફિટમેન્ટ ફેક્ટરને લઈને કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. જો કે કેન્દ્રીય કર્મચારીઓ આગામી બજેટમાં સરકાર આઠમાં પગાર પંચ અને સેલેરી સ્ટ્રક્ચરને લઈને કોઈ હિન્ટ આપે તેવી આશા સેવી રહ્યા છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે 8માં પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી, જેનો હેતુ સરકારી કર્મચારીઓના જીવન ધોરણમાં સુધારો લાવવાનો હતો. ગત 16 જાન્યુઆરીના રોજ કેન્દ્રય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,સ્વતંત્રતા બાદ અત્યાર સુધીમાં સાત પગાર પંચ બન્યા છે. જે પૈકી આખરી પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતુ. જેની મુદ્દત 2026માં પૂર્ણ થવા જઈ રહી છે. હવે 2025માં નવી ભલામણ તૈયાર કર્યાં બાદ 8માં પગાર પંચની રચના તમામ સરકારી કર્મચારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

આઠમાં પગાર પંચ અંતર્ગત પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર અંગે નેશનલ કાઉન્સિલ ઑફ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM)ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે, પંચ ઓછામાં ઓછા 2.86ના ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકે છે. જો કે કેટલાક લોકોનું માનવું છે કે, સરકાર 1.92 થી લઈને 2.08ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર રહી શકે છે.

એવામાં જો ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારની ગણતરી કરીએ તો, જો ફેક્ટર 2.08 નક્કી થાય, તો કેન્દ્રીય કર્મચારીઓનો બેઝિક પગાર 18 હજાર રૂપિયાથી વધીને સીધો 37,440 રૂપિયા થઈ શકે છે. જ્યારે પેન્શન 9 હજારથી વધીને 18,720 સુધી પહોંચી શકે છે. આવી જ રીતે જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી જાય, તો પગારમાં 186 ટકા જેટલો વધારો થાય. જે અંતર્ગત બેઝિક સેલેરી વધીને 51,480 રૂપિયા અને પેન્શન 25,740 રૂપિયા સુધી વધી શકે છે. જો કે આવતીકાલે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ 2025 માટે બજેટ રજૂ કરવાના છે. એવામાં 8મા પગાર પંચ સાથે સંકળાયેલી અનેક મોટી જાહેરાત થાય છે કે કેમ તે જોવું રહ્યું?

ભારત સરકાર સમયાંતરે પગાર પંચની રચના કરતી હોય છે. જે તમામ સરકારી કર્મચારીઓ અને પબ્લિક સેક્ટરના કર્મચારીઓના પગાર ધોરણ સાથે સંકળાયેલી ભલામણો પર વિચાર કરે છે.